GT vs CSK: ચેન્નઈમાં આજે ધોનીસેનાની ‘ગિલ’ ટેસ્ટ

23 May, 2023 10:29 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

સીઝનની ટૉપની બે ટીમો ગુજરાત અને ચેન્નઈ વચ્ચે ક્વૉલિફાયર-વન જંગ, જીતશે એ ફાઇનલમાં અને હારશે એ સેમી ફાઇનલ સમા ક્વૉલિફાયર-ટૂમાં

મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા

આઇપીએલ ૨૦૨૩ના રોમાંચક લીગ રાઉન્ડ બાદ હવે આજથી પ્લે-ઑફ રાઉન્ડનો પ્રારંભ થઈ રહ્યો છે. સીઝનમાં સાતત્યભર્યો પર્ફોર્મન્સ કરનાર બે ટીમો - હાલની ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે સીધા ફાઇનલ-પ્રવેશ માટે ચેન્નઈમાં ટક્કર જામવાની છે. આજે જે જીતશે એ રવિવારે અમદાવાદમાં રમાનારી ફાઇનલમાં સીધો પ્રવેશ કરશે, જ્યારે હારનાર ટીમને વધુ એક મોકો મળશે અને એ આવતી કાલે મુંબઈ તથા લખનઉ વચ્ચેના વિજેતા સામે શુક્રવારે અમદાવાદમાં ટકરાશે. 

ચેન્નઈ ક્યારેય ગુજરાત નથી જીત્યું

આ સીઝનના લીગ રાઉન્ડનો પ્રારંભ પણ આ જ બન્ને ટીમ વચ્ચે અમદાવાદમાં થયો હતો અને આજથી પ્લે-ઑફનો પ્રારંભ પણ એ જ બે ટીમની ટક્કર સાથે થઈ રહ્યો છે. અમદાવાદની બન્ને ટીમ વચ્ચેની આ એકમાત્ર ટક્કરમાં ગુજરાતે તેમનો ચૅમ્પિયન ટચ જાળવી રાખતાં ધોનીસેનાને પાંચ વિકેટે પરાસ્ત કરી હતી. હવે આજે ચેન્નઈ પાસે ઘરઆંગણે એ હારનો બદલો લેવાનો ગોલ્ડન ચાન્સ છે. 

ગઈ સીઝનથી આઇપીએલમાં એન્ટ્રી કરનાર ગુજરાત સામે ચેન્નઈ હજી સુધી એક પણ જીત મેળવી નથી શક્યું. ગઈ સીઝનની બન્ને લીગ રાઉન્ડની ટક્કરમાં પણ ગુજરાતનો જ વિજય થયો હતો. ગુજરાતે ચેન્નઈ સામે ત્રણેય વિજય ચેઝ કરતાં મેળવ્યા છે. ગયા વર્ષે પહેલી લીગમાં ૩ વિકેટે અને બીજી ટક્કરમાં સાત વિકેટે જીત મેળવી હતી. 

માહીએ કાઢવો પડશે ગિલનો તોડ

શિષ્ય વિરાટ કોહલીની બૅન્ગલોરને એકલા હાથે ઘરભેગી કરનાર શુભમન ગિલ સામે હવે ગુરુ મહેન્દ્ર સિહ ધોનીની સેના છે. આ સીઝનમાં ગજબના ફૉર્મમાં રમી રહેલા ગિલે અત્યાર સુધી બે સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરી સાથે સેકન્ડ હાઇએસ્ટ ૬૮૦ રન બનાવ્યા છે. ગિલે છેલ્લી બન્ને મૅચમાં શાનદાર સેન્ચુરી ફટકારી હોવાથી સીધા ફાઇનલ-પ્રવેશ માટે ચેન્નઈની સૌપ્રથમ પ્રાથમિકતા ગિલને રોકવાની હશે.  

ટક્કર સરખી ફિલોસૉફીની 

ગુજરાત-ચેન્નઈની ટીમ પર નજર કરતાં બન્નેની એકસરખી ફિલોસૉફી હોય એવું જણાશે. બન્ને ટીમના માલિકો ભાગ્યે જ ક્રિકેટિંગ બાબતમાં ચંચુપાત કરતા હોય છે. કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કોચ સ્ટીફન ફ્લેમિંગ ચેન્નઈને લગતો નિર્ણય લેતા હોય છે, જ્યારે ગુજરાતમાં કોચ આશિષ નહેરા, ગૅરી કર્સ્ટન અને વિક્રમ સોલંકી બિગ બૉસ છે. બન્ને ટીમનું મૅનેજમેન્ટ હાર્યા છતાં ટીમમાં વારંવાર ફેરબદલ કરવામાં માનતું નથી અને ખેલાડીઓની પાછળ અડગ બનીને ઊભું રહે છે. તેઓ પરિસ્થિતિ અને ટીમની જરૂરિયાત પ્રમાણે ટીમનું સિલેક્શન કરવામાં માને છે, કોઈને ઑક્શનમાં મળેલા ઊંચા ભાવને જોઈને નહીં. ચેન્નઈએ ક્રિષ્નપ્પા ગૌતમને ૧૦ કરોડની આસપાસ ખરીદ્યો હતો, પણ એ ટીમ-કૉમ્બિનેશનમાં ફિટ ન બેસતાં તેને માત્ર એક જ મૅચમાં રમવા મળ્યું હતું. જ્યારે  ગુજરાતે શિવમ માવીને ૬ કરોડમાં ખરીદ્યો છે, પણ ટીમ મોહિત શર્માને પસંદ કરી રહી છે. 

લંકનોને ખાળવા લંકનનો સહારો

આ સીઝનમાં ચેન્નઈની ધીમી પિચ પર પહેલી વાર રમનાર ગુજરાત માટે એક અનોખી ટેસ્ટ બની રહેશે. દીપક ચાહરના ઘાતક ઓપનિંગ સ્પેલ અને જુનિયર મલિંગા ગણાતા મથીસા પથિરાનાની ડેથ ઓવર્સ તેમ જ મિડલ ઓવર્સમાં મહીશ થીકસાના સામે ગુજરાતના બૅટર્સની ખરી કસોટી થવાની છે. પથિરાના અને થીકસાનાને સમજવા ગુજરાત આ બન્ને ખેલાડીના નૅશનલ કૅપ્ટન દસુન શનાકાનો સહારો લઈ શકે છે. ગુજરાત ચેન્નઈમાં લંકન જેવી પરિસ્થિતિમાં શનાકાને ઑલરાઉન્ડર તરીકે અજમાવી શકે અને લોકલ બૉય લેફ્ટ આર્મ સ્પિનર આર. સાઈ કિશોરને મેદાનમાં ઉતારી શકે છે.

ગુજરાતની જેમ જ ચેન્નઈની સફળતામાં તેમના ટૉપ ઑર્ડરનો મહત્ત્વનો ફાળો છે. ઋતુરાજ ગાયકવાડ (૫૦૪ રન), ડેવોન કૉન્વે (૫૮૫) અને જૂના જોગી અજિંક્ય રહાણે (૨૮૨ રન) ટીમને શાનદાર શરૂઆત કરાવી આપે છે અને ૩૩ સિક્સર સાથે મેદાન ગજાવી રહેલા શિવમ દુબે (૩૮૫ રન) મજબૂત શરૂઆતને ફાઇનલ ટચ આપી રહ્યો છે. 

સ્પિનર્સ ટ્રમ્પ-કાર્ડ?

ચેન્નઈની સ્લો પિચ પર સ્પિનરોનો રોલ મહત્ત્વનો બની શકે છે. ચેન્નઈ પાસે રવીન્દ્ર જાડેજા, મોઇન અલી અને થીકસાના છે, જ્યારે ગુજરાત પાસે અફઘાની જોડી રાશિદ ખાન અને નૂર અહમદ છે. 

3
ચેન્નઈ-ગુજરાત વચ્ચે કુલ આટલી ટક્કરમાં બધી વાર ઓપનર કૉન્વેને મોહમ્મદ શમીએ આઉટ કર્યો છે.

બૅક ટુ બૅક સેન્ચુરી, ગિલ ચોથો

રવિવારે સાંજે વિરાટ કોહલી શાનદાર સેન્ચુરી ફટકારીને સતત બે મૅચમાં સેન્ચુરી ફટકારનાર આઇપીએલના શિખર ધવન (૨૦૨૦) અને જોશ બટલર (૨૦૨૨) બાદ ત્રીજો બૅટર બન્યો હતો. જોકે કિંગ કોહલીના થોડા સમય બાદ પ્રિન્સ ગિલ પણ બૅક ટુ બૅક સેન્ચુરી ફટકારીને આવી કમાલ કરનાર ચોથા ખેલાડી બન્યો છે.

બૅન્ગલોરના ચાહકોએ શુભમન ગિલની બહેનને કરી ટ્રોલ

ગિલે રવિવારે રાતે એકલા હાથે બૅન્ગલોરને હરાવીને પ્લે-ઑફથી વંચિત રાખીને પ્રથમ ટ્રોફી જીતવાનું તેમનું સપનું તોડી નાખ્યું હતું. બધી જ ટીમમાં સૌથી વધુ લૉયર ફૅન બેઝ ધરાવતા બૅન્ગલોરની આ હારને ખેલાડીઓ સહિત ચાહકો પણ પચાવી નહોતા શક્યા. બૅન્ગલોરના ચાહકોએ ગિલ પરનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર તેની બહેન પર કાઢ્યો હતો. ગુજરાતની જીત બાદ ‍બહેન શહનીલ ગિલે ટીમને અને ભાઈને અભિનંદન આપતી એક પોસ્ટ શૅર કરી હતી. એના જવાબમાં બૅન્ગલોરના ચાહકો અત્યંત ખરાબ ભાષાનો ઉપયોગ કરીને તેના પર તૂટી પડ્યા હતા. જોકે એના જવાબમાં ગિલના અને ખરા ક્રિકેટપ્રેમીઓ તેના બચાવમાં આગળ આવ્યા હતા અને એ બધાને ઝાટકી નાખ્યા હતા. 

sports news sports cricket news indian premier league ipl 2023 gujarat titans ms dhoni chennai super kings m. chinnaswamy stadium