GT vs MI : મેઘરાજા વરસ્યા પછી ગિલ ગાજ્યો

27 May, 2023 10:29 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગેઇલ જેવી તૂફાની બૅટિંગ કરીને હાઇએસ્ટ રન બદલ ઑરેન્જ કૅપ મેળવી : અમદાવાદમાં મુંબઈએ ફીલ્ડિંગ લીધા પછી ગુજરાત છવાઈ ગયું : પ્લે-ઑફના હાઇએસ્ટ સ્કોર ૨૩૩/૩નો વિક્રમ રચ્યો

શુભમન ગિલ

ગઈ કાલે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની ક્વૉલિફાયર-ટૂમાં શુભમન ગિલે (૧૨૯ રન, ૬૦ બૉલ, દસ સિક્સર, સાત ફોર) તૂફાની બૅટિંગથી એકલે હાથે ગુજરાત ટાઇટન્સને ૨૩૩/૩નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. મુંબઈએ બૅટિંગ આપ્યા પછી એનો ખાસ કરીને ગિલ અને વૃદ્ધિમાન સહા (૧૬ બૉલમાં ૧૮)ની જોડીએ ૫૪ રનની ઓપનિંગ પાર્ટનરશિપથી ફાયદો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ ગિલ અને ૪૩ રનના વ્યક્તિગત સ્કોર પર રિટાયર-આઉટ થનાર સાઇ સુદર્શન વચ્ચે બીજી વિકેટ માટે ૧૩૮ રનની ભાગીદારી થઈ હતી. હાર્દિક પંડ્યા (૨૮ અણનમ, ૧૩ બૉલ, બે સિક્સર, બે ફોર) અને રાશિદ ખાન (પાંચ અણનમ, બે બૉલ, એક ફોર) ૨૦મી ઓવરમાં ૧૯ રનની ભાગીદારી કરીને અણનમ રહ્યા હતા. મુંબઈના આકાશ મધવાલ અને પીયૂષ ચાવલાએ એક-એક વિકેટ લીધી હતી, જ્યારે સુદર્શન રિટાયર-આઉટ થયો હતો.

વરસાદને ટૉસ ૭.૦૦ને બદલે ૭.૪૫ વાગ્યે થયો હતો અને મૅચ ૭.૩૦ને બદલે ૮.૦૦ વાગ્યે શરૂ થઈ હતી.

ગિલે આઇપીએલના ભૂતપૂર્વ ખેલાડી ક્રિસ ગેઇલ જેવી તૂફાની બૅટિંગ કરી હતી. તે લગભગ દરેક બૉલને હિટ કરતો હતો. તેણે આ સીઝનમાં સૌથી વધુ ૧૨૪ રન બનાવનાર રાજસ્થાનના યશસ્વી જયસ્વાલના રેકૉર્ડને ૧૨૯ રનની ઇનિંગ્સ સાથે પાર કર્યો હતો. તેણે ૪૯મા બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. સીઝનમાં તેની આ ત્રીજી સેન્ચુરી હતી. તે એક આઇપીએલ સીઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર કોહલી અને બટલર પછીના ક્રમે આવી ગયો હતો. ગિલે આ સીઝનમાં સૌથી વધુ ૮૫૧ રન બનાવવા બદલ ફૅફ ડુ પ્લેસી (૭૩૦ રન) પાસેથી ઑરેન્જ કૅપ આંચકી લીધી હતી.

ડેવિડે કૅચ છોડ્યો, તેણે જ પકડ્યો

શુભમન ગિલ ૩૦ રન પર હતો ત્યારે ટિમ ડેવિડે ક્રિસ જોર્ડનના બૉલમાં તેનો કૅચ છોડ્યો હતો અને પછી ગિલ આ સીઝનની ત્રીજી સેન્ચુરી ફટકારવામાં સફળ થયો હતો. ટૂંકમાં, ડેવિડના હાથે જીવતદાન મળ્યા પછી ગિલ બીજા ૯૯ રન બનાવવામાં સફળ થયો હતો. જોકે આકાશ મધવાલની ૧૭મી ઓવરના પાંચમા બૉલમાં ગિલે ઊંચો શૉટ માર્યો હતો અને ડેવિડે આ વખતે ભૂલ ન કરી અને તેનો ડાઇવિંગ કૅચ પકડી લીધો હતો. ગિલની શાનદાર અને અભૂતપૂર્વ ઇનિંગ્સનો અંત આવ્યો હતો અને તેને વીઆઇપી સ્ટૅન્ડમાં બેઠેલા મહેમાનો તેમ જ હજારો પ્રેક્ષકોએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

ગુજરાતે સાઇ સુદર્શન (૪૩ રન, ૩૧ બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ને ૧૯મી ઓવરને અંતે રિટાયર-આઉટ કરી દીધો હતો. આ નિર્ણય થોડો મોડો હતો, પરંતુ તેના સ્થાને રમવા આવેલા રાશિદ ખાને પોતાના પહેલા જ બૉલમાં ફોર ફટકારી હતી. એ ૨૦મી ઓવર જોર્ડને કરી હતી, જેમાં હાર્દિકે પાંચમા બૉલમાં ફોર અને છેક છેલ્લા બૉલમા સિક્સર ફટકારીને ઓવરને કુલ ૧૯ રન સાથે મોંઘી સાબિત કરી હતી.

આકાશને જમીન પર લાવી દીધો

આકાશ મધવાલ બુધવારે લખનઉની પાંચ રનમાં પાંચ વિકેટ લઈને હીરો બની ગયો હતો, પણ ગઈ કાલે શુભમન ગિલને ૧૭મી ઓવરમાં આઉટ કર્યો એ પહેલાં ગિલે તેની બોલિંગમાં જોરદાર હિટિંગ કર્યું હતું. તેની એક ઓવરમાં ગિલે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ગિલની વિકેટ લેતાં પહેલાં મધવાલની ૩ ઓવરમાં ૪૩ રન બન્યા હતા.

ગઈ કાલે રોહિત અને કિશન ઉપરાંત કૅમેરન ગ્રીનને પણ ઈજા થઈ હતી.

800

ગિલ આઇપીએલની એક સીઝનમાં આટલા રન બનાવનારો બટલર અને વૉર્નર પછીનો ત્રીજો ખેલાડી છે.

sports sports news cricket news indian premier league ipl 2023 gujarat titans mumbai indians