GT vs MI : સ્કાય સામે કોઈ પ્રયોગ કરવા નહોતા - મોહિત

28 May, 2023 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ સામે પાંચ વિકેટ લેનાર ગુજરાતના ફાસ્ટ બોલરે કહ્યું કે બૉલ હાથમાંથી લપસી જતો હોવા છતાં હું વિકેટ લઈ શક્યો એટલે જાતને નસીબદાર ગણું છું

મોહિત શર્મા

શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાયેલી આઇપીએલની ક્વૉલિફાયર મૅચમાં મોહિત શર્માની બોલિંગ ગુજરાત ટાઇટન્સ માટે નિર્ણાયક પુરવાર થઈ હતી, જેને કારણે ટીમ સતત બીજી વખત આઇપીએલની ફાઇનલમાં પહોંચી હતી. પીઠમાં થયેલી ઈજા બાદ સાઇડલાઇન થયેલા ૩૪ વર્ષના મોહિત શર્માએ ગુજરાતની ટીમ માટે શાનદાર વાપસી કરતાં ૨.૨ ઓવરમાં ૧૦ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

પ્રેઝન્ટેશન સેરેમનીમાં તેણે કહ્યું હતું કે ‘હું નસીબદાર હતો કે મેં પાંચ વિકેટ ઝડપી. બૉલ લપસણો થઈ ગયો હતો. સૂર્યકુમાર યાદવ (SKY-સ્કાય) અને તિલક વર્મા શાનદાર રમત દેખાડી રહ્યા હતા. તિલક વર્માના આક્રમક ૪૩ રન અને કૅમરોન ગ્રીનના ૩૦ રન બાદ સૂર્યકુમાર પણ ૩૮ બૉલમાં ૬૧ રન કરીને આક્રમક રમત દેખાડી રહ્યો હતો. જોકે સૂર્યકુમાર આઉટ થતાં મુંબઈનો ધબડકો વળી જતાં એ ૧૮.૨ ઓવરમાં ૧૭૧ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.’

મોહિતે કહ્યું હતું કે ‘સૂર્યકુમાર શાનદાર રમત દેખાડી રહ્યો હતો, તેણે અગાઉના બૉલમાં સિક્સર ફટકારી તેમ જ ફરી પાછો સિક્સર ફટકારવા જતાં બૉલ તેના પેડને વાગીને સ્ટમ્પમાં વાગ્યો હતો. સ્કાય જ્યારે ફૉર્મમાં હોય ત્યારે કોઈ પણ પ્રયોગ કરવા નહીં, એવી રણનીતિ અમે અપનાવી હતી, પછી ભલે તે સિક્સર ફટકારતો.’

મોહિત ભારતીય ટીમ તરફથી ૨૬ વન-ડે અને ૮ ટી૨૦ રમ્યો હતો. ગુજરાતે મોહિતની પસંદગી કરી એ પહેલાં ૨૦૨૧ અને ૨૦૨૨માં તેની કોઈએ પસંદગી કરી નહોતી. 

sports sports news cricket news indian premier league ipl 2023 mumbai indians gujarat titans