RCB vs GT: ગુજરાત ટીમ સામે વિરાટની ત્રીજી સેન્ચુરી, બૅન્ગલોર બીજી વાર હાર્યું

23 May, 2023 10:48 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

૨૦૧૬માં વિરાટે ગુજરાત લાયન્સ સામે બન્ને લીગ મૅચમાં સેન્ચુરી ફટકારી હતી.

વિરાટ કોહલી

રવિવારે આઇપીએલ ૨૦૨૩ની છેલ્લી લીગ અને મસ્ત વિન મૅચમાં વિરાટ કોહલીએ બૅક ટુ બૅક સેન્ચુરી ફટકારીને કમાલ કરી હતી અને ટીમને એકલા હાથે સન્માનજનક સ્કોર સુધી લઈ ગયો હતો. આઇપીએલમાં આ સાથે વિરાટે સાતમી સેન્ચુરી ફટકારીને સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર બૅટર બન્યો હતો. તેણે ક્રિસ ગેઇલ (૬ સેન્ચુરી)ને પાછળ રાખી દીધો. 

આ સાત સેન્ચુરીમામાંથી તેણે ૩ તો ગુજરાત સામે જ ફટકારી છે. ૨૦૧૬માં વિરાટે ગુજરાત લાયન્સ સામે બન્ને લીગ મૅચમાં સેન્ચુરી ફટકારી હતી. રાજકોટમાં પ્રથમ મૅચમાં વિરાટે ૬૩ બૉલમાં ૧૦૦ રન કર્યા હતા, પણ ટીમે ૬ વિકેટે પરાજય જોવો પડ્યો હતો. બીજી મૅચમાં બૅન્ગલોરમાં તેણે ૧૦૯ રનની શાનદાર ઇનિંગ્સના દમ પર બૅન્ગલોરે ૧૪૪ રનનો મસમોટો વિજય મેળવ્યો હતો. 

રવિવારે ફરી ગુજરાત (ગુજરાત ટાઇટન્સ) સામે સેન્ચુરી ફટકારી હતી, પણ ટીમ જોકે હારી ગઈ હતી. આ સાથે કોઈ બૅટરની બે-બે સેન્ચુરી છતાં ટીમ હારી હોય એવો વિરાટ ત્રીજો ખેલાડી બન્યો હતો. આ પહેલાં ૨૦૧૭માં હાશિમ અમલાની બન્ને સેન્ચુરીમાં અને પંજાબ ટીમનો અને ૨૦૧૯ અને ૨૦૨૧માં સંજુ સૅમસનની સેન્ચુરી વખતે રાજસ્થાન ટીમે પરાજય જોવો પડ્યો છે. 

પીટરસન કહે છે, ‘વિરાટે હવે દિલ્હી વતી રમવું જોઈએ’

૨૦૦૮થી સતત બૅન્ગલોર વતી રમી રહેલા વિરાટ કોહલીએ હવે દિલ્હી વતી રમવું જોઈએ એવું ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસનને લાગી રહ્યું છે. કોહલીના સાતત્યભર્યા પર્ફોર્મન્સ છતાં બૅન્ગલોર હજી સુધી એક પણ વાર ચૅમ્પિયન નથી બની શક્યું. રવિવારે ગુજરાત સામેની હાર સાથે બૅન્ગલોર પ્લે-ઑફમાં ન પહોંચી શકતાં પીટરસને ટ્વીટ કર્યું હતું કે સમય થઈ ગયો છે વિરાટે કેપિટલ સિટી તરફ પ્રયાણ કરવાનો.

વિરાટની ટી૨૦માં ૮ સેન્ચુરી છે થર્ડ હાઇએસ્ટ

ટી૨૦ ક્રિકેટમાં વિરાટની હવે કુલ ૮ સેન્ચુરી થઈ છે, જે આ ફૉર્મેટમાં સૌથી વધુ સેન્ચુરીની બાબતમાં સંયુક્ત રીતે ત્રીજા ક્રમાંકે છે. ક્રિસ ગેઇલ ૨૨ સેન્ચુરી સાથે ટૉપ પર છે, જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ ૯ સેન્ચુરી સાથે બીજા નંબરે છે. ઑસ્ટ્રેલિયન માઇકલ ક્લિન્જર, ઍરોન ફિન્ચ અને ડેવિડ વૉર્નરની વિરાટની જેમ ૮-૮ સેન્ચુરી છે. 
આઠમાંથી વિરાટ ૧ ભારત વતી રમતાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં અને ૭ આઇપીએલમાં બૅન્ગલોર ટીમ વતી રમતાં ફટકારી છે. 

sports cricket news ipl 2023 indian premier league virat kohli royal challengers bangalore chris gayle gujarat titans