LSG vs KKR: ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થવા વિશે હમણાં હું કાંઈ વિચારતો જ નથી : રિન્કુ સિંહ

22 May, 2023 11:02 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કલકત્તાના પિંચ-હિટરે કહ્યું કે ‘મારી સીઝનથી બેહદ ખુશ છું, પણ પ્લે-ઑફમાં ન પહોંચી શક્યા એનો અફસોસ છે’

લખનઉના કૅપ્ટન કૃણાલ પંડ્યા સાથે ૨૦મી ઓવરનો હીરો પેસ બોલર યશ ઠાકુર. તસવીર iplt20.com

આઇપીએલની વર્તમાન ૧૬મી સીઝનમાંથી ભારતીય ટીમને ખાસ કરીને કયા ખેલાડીઓ મળી શકે એમાં રાજસ્થાન રૉયલ્સના યશસ્વી જયસ્વાલની સાથે કલકત્તા નાઇટ રાઇડર્સના રિન્કુ સિંહનું નામ અચૂક લેવામાં આવે છે. યશસ્વીને ટીમ ઇન્ડિયામાં વહેલાસર લેવો જોઈએ એવું ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને ક્રિકેટ-નિષ્ણાતો કહી ચૂક્યા છે એવું રિન્કુ સિંહની બાબતમાં પણ કહેવાઈ રહ્યું છે. જોકે ખુદ રિન્કુ સિંહ વધુપડતા આત્મવિશ્વાસમાં આવવાને બદલે વાસ્તવિકતામાં જ રહેવાનું પસંદ કરે છે. તેણે શનિવારે લખનઉ સામેના પરાજય છતાં પોતાની બેનમૂન ઇનિંગ્સની પ્રશંસા થયા બાદ કહ્યું કે આ વખતે મેં જે શાનદાર સીઝન અનુભવી એવો અનુભવ કોઈ પણ પ્લેયર કરવાનું ઇચ્છે. જોકે હું થોડા સમયમાં ભારતીય ટીમમાં સિલેક્ટ થઈ જઈશ ત્યાં સુધીનું લાંબું હું વિચારતો જ નથી. હું હવે ઘરે પાછો ગયા બાદ તરત મારું રૂટીન શરૂ કરી દઈશ. બૅટિંગની પ્રૅક્ટિસ કરવા ઉપરાંત જિમ્નૅશ્યમમાં પણ નિયમિત જઈશ. હું મારી આ સીઝનથી ખૂબ ખુશ છું, પણ અમે પ્લે-ઑફમાં ન જઈ શક્યા એ બદલ નિરાશ પણ છું.’

લખનઉએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૬ રન બનાવ્યા પછી કલકત્તાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૫ રન બનાવતાં કલકત્તાનો માત્ર એક રનથી પરાજય થયો હતો અને એ ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, જ્યારે લખનઉએ સતત બીજા વર્ષે પ્લે-ઑફમાં એન્ટ્રી કરી છે.

રિન્કુ સિંહે ૨૦મી ઓવરના ત્રીજા બૉલમાં ન દોડીને ભૂલ કરી?

શનિવારે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રિન્કુ સિંહે ૪ સિક્સર અને ૬ ફોરની મદદથી ૩૩ બૉલમાં અણનમ ૬૭ રન બનાવ્યા હતા. તેણે છેલ્લા બૉલ સુધી કલકત્તાને જિતાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે લખનઉના યશ ઠાકુરના ત્રીજા બૉલમાં રન દોડવાનું ટાળવાની ભૂલ કરી હતી. એમાં બે રન દોડી લીધા હોત તો વિજય કદાચ કલકત્તાના હાથમાં આવી ગયો હોત. યશ ઠાકુરની ૨૦મી ઓવરમાં કલકત્તાએ જીતવા માટે ૨૧ રન બનાવવાના હતા. પહેલા ત્રણ બૉલમાં વાઇડ સહિત માત્ર બે રન બન્યા હતા. ચોથો બૉલ વાઇડ પડતાં રસાકસી વધી ગઈ હતી. એ પછી ત્રણ બૉલમાં ૧૮ રન બનાવવાના બાકી હતા. યશ ઠાકુરના ચોથા બૉલમાં રિન્કુએ સિક્સર ફટકારી દેતાં કલકત્તાને એપ્રિલની ગુજરાત ટાઇટન્સના યશ દયાલના પાંચ બૉલમાં પાંચ સિક્સરવાળી ઘટનાનું પુનરાવર્તન થવાની આશા જાગી હતી. જોકે પાંચમો બૉલ ફુલ આઉટસાઇડ ઑફ સ્ટમ્પ પડતાં એમાં રિન્કુ સિક્સરને બદલે ફોર ફટકારી શક્યો હતો એટલે છેલ્લા બૉલમાં ૮ રન બનાવવાના આવતાં લખનઉની જીત ત્યાં જ પાકી થઈ ગઈ હતી. રિન્કુએ મૅચના અંતિમ બૉલમાં છગ્ગો માર્યો હતો, પણ ફક્ત એક રન માટે કલકત્તાની હાર થઈ હતી.

યશ દયાલ કરતાં યશ ઠાકુર ચડિયાતો

એપ્રિલમાં અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સના યશ દયાલની ૨૦મી ઓવરના છેલ્લા પાંચેપાંચ બૉલમાં રિન્કુ સિંહે સિક્સર ફટકારીને કલકત્તાને અભૂતપૂર્વ વિજય અપાવ્યો હતો. દયાલની એ ઓવરમાં ૩૧ રન બન્યા હતા. ત્યાર પછી યશ દયાલ બીમાર પડી ગયો હતો, તેનું વજન ઊતરી ગયું હતું અને ઘણા દિવસ સુધી તે નહોતો રમ્યો. જોકે શનિવારે લખનઉના યશ ઠાકુરે કૅપ્ટન કૃણાલ પંડ્યાએ મૂકેલા વિશ્વાસને સાર્થક ઠરાવ્યો હતો. મૂળ કલકત્તાના પેસ બોલર યશ ઠાકુરે કલકત્તા સામેની એ ઓવરમાં બે વાઇડ ફેંક્યા હતા, પણ તેણે ૨૧ રન ડિફેન્ડ કરી દેખાડ્યા હતા.

ઠાકુરની વિકેટ લીધી ઠાકુરે

શનિવારે કલકત્તામાં લખનઉ વતી ૧૮મી ઓવર પેસ બોલર યશ ઠાકુરે કરી હતી, જેમાં બે વિકેટ પડી હતી, જેમાંની એક વિકેટ સુનીલ નારાયણની હતી જે નવીન-ઉલ-હક અને વિકેટકીપર ડિકૉકના હાથે રનઆઉટ થયો હતો. એના બે બૉલ પહેલાં કલકત્તાનો શાર્દુલ ઠાકુર શૉર્ટ બૉલમાં પુલ શૉટ મારવા જતાં પ્રેરક માંકડને કૅચ આપી બેઠો હતો.

પૂરન, બિશ્નોઈ મૅચ-વિનર્સ

શનિવારની મૅચમાં લખનઉના નિકોલસ પૂરન (૫૮ રન, ૩૦ બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. લખનઉએ ૮ વિકેટે ૧૭૬ રન બનાવ્યા બાદ કલકત્તાની ટીમ ૭ વિકેટે ૧૭૫ રન સુધી સીમિત રહી એમાં ૨૦મી ઓવરના હીરો અને ઇમ્પૅક્ટ પ્લેયર યશ ઠાકુર (૩-૦-૩૧-૨) ઉપરાંત રવિ બિશ્નોઈ (૪-૦-૨૩-૨)નું મોટું યોગદાન હતું. કૃણાલ પંડ્યા (૪-૦-૩૦-૧) અને ગૌતમ (૪-૦-૨૬-૧)નો પણ રોમાંચક જીતમાં ફાળો હતો. કલકત્તાના જેસન રૉયના ૪૫ રન એળે ગયા હતા.

sports news sports cricket news ipl 2023 indian premier league kolkata knight riders lucknow super giants eden gardens