SRH vs RCB : ફૅન્સી શૉટ રમીને વિકેટ ફેંકી દેવામાં હું નથી માનતો - કોહલી

20 May, 2023 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલમાં ચાર વર્ષે સદી ફટકાર્યા પછી કહ્યું કે ‘આઇપીએલ પછી અમારે ટેસ્ટ મૅચ રમવાની છે એટલે હું મારી અસલ ટેક્નિકથી જ રમવામાં માનું છું, હું લોકોની ક્યારેય પરવા નથી કરતો’

ચાર વર્ષ પછીની સદીને સાથીઓએ ખૂબ આવકારી : ગુરુવારે કોહલીએ સિક્સર ફટકારીને ધમાકેદાર સદી પૂરી કરી અને આરસીબીને જીતની લગોલગ લાવી દીધી ત્યારે ડગઆઉટમાં ઊભેલા સાથી-ખેલાડીઓએ બે હાથ ઊંચા કરી ઝૂકીને તેને અભિનંદન આપ્યાં હતાં (તસવીર : iplt20.com)

વિરાટ કોહલી (૧૦૦ રન, ૬૩ બૉલ, ચાર સિક્સર, બાર ફોર)એ ગુરુવારે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ધમાકેદાર સદી ફટકારીને અપાવેલા વિજય સાથે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને પૉઇન્ટ્સ-ટેબલમાં ચોથા નંબરે લાવી દીધું ત્યાર પછી ટીકાકારોને વળતો જવાબ આપવામાં તેણે ઘણું કહ્યું હતું. સૌથી પહેલાં તો તેણે કહ્યું કે ‘લોકો શું બોલે છે એની હું પરવા નથી કરતો. ક્યારેક તો હું પોતાને પણ જશ નથી આપતો, કારણ કે હું પહેલેથી જ પોતાને મોટા પ્રેશરમાં મૂકી દેતો હોઉં છું. લોકોને ભલે જે કહેવું હોય એ કહે. એ તેમનો મત કહેવાય. તેઓ પોતે મારા જેવી સ્થિતિમાં હતા ત્યારે મૅચ કેવી રીતે જીતી શકાય એ તેઓ બહુ સારી રીતે જાણતા હશે.’

આઇપીએલમાં કોહલીની ચાર વર્ષ પછીની આ પ્રથમ સદી હતી. તેણે વધુપડતા ફૅન્સી શૉટ મારવાની ઘેલછા રાખનારાઓને ટકોર કરતાં કહ્યું કે ‘હું ક્યારેય હદ બહારના ફૅન્સી શૉટ મારતો નથી. એ વિશે મારી એઇડન (માર્કરમ) સાથે પણ વાત થઈ હતી. હું ફૅન્સી શૉટ રમીને વિકેટ ફેંકી દેવામાં નથી માનતો. હું ટેક્નિક જાળવી રાખવામાં માનું છું. આઇપીએલ પછી અમારે ટેસ્ટ મૅચ (ટેસ્ટના વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલ) રમવાની છે એટલે મારે ટેક્નિકથી રમવાની પ્રૅક્ટિસ જાળવી રાખવી પડે.’

આગામી ૭ જૂનથી લંડનના ઓવલમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ રમાશે.

ખેલાડીઓ સામાન્ય રીતે કમર પર પાછળના ભાગમાં રૂમાલને ટ્રાઉઝરમાં ભરાવી રાખતા હોય છે, પરંતુ કોહલીએ આગળના ભાગમાં રૂમાલ ભરાવ્યો હતો.

કોહલીને મળ્યા ચાર અવૉર્ડ

કોહલી આઇપીએલમાં ગુરુવારે ૧૬મો મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો. એ દિવસે તેને બીજા ત્રણ અવૉર્ડ પણ મળ્યા હતા ઃ મોસ્ટ વૅલ્યુએબલ ઍસેટ ઑફ ધ મૅચ (૪૪ પૉઇન્ટ), લૉન્ગેસ્ટ સિક્સર ઑફ ધ મૅચ (૧૦૩ મીટર) અને મોસ્ટ ફોર ઑફ ધ મૅચ (૧૨ ચોક્કા).

ડુ પ્લેસીના કુલ ૭૦૨ રન થયા

ગુરુવારે હૈદરાબાદે બૅન્ગલારને જીતવા માટે ૧૮૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુરુવારે ફૅફ ડુ પ્લેસી (૭૧ રન, ૪૭ બૉલ, બે સિક્સર, સાત ફોર)એ કોહલી સાથે ૧૭૨ રનની ભાગીદારી કરી હતી. ૧૮મી ઓવરમાં કોહલીએ ભુવનેશ્વર કુમારના બૉલમાં ૧૦૦ રનના સ્કોર પર વિકેટ ગુમાવી ત્યાર પછીની ટી. નટરાજનની ઓવરમાં ડુ પ્લેસી પણ કૅચઆઉટ થયો હતો.

આ સીઝનમાં ડુ પ્લેસી ગુરુવારની મૅચ સુધી કુલ ૭૦૨ રન સાથે તમામ બૅટર્સમાં મોખરે હતો. ગુજરાત ટાઇટન્સનો શુભમન ગિલ ૫૭૬ રન સાથે બીજા નંબરે અને યશસ્વી જયસ્વાલ ૫૭૫ રન સાથે ત્રીજે હતો.

ગુરુવારે ગ્લેન મૅક્સવેલ (પાંચ અણનમ) અને માઇકલ બ્રેસવેલ (ચાર અણનમ)ની જોડીએ જીતવા માટે જરૂરી બાકીના ૧૦ રન બનાવી લીધા હતા. બૅન્ગલોરે ૧૮૭ રન ૧૯.૨ ઓવરમાં બે વિકેટે બનાવ્યા હતા.

હૈદરાબાદના સાત બોલર્સમાં ભુવનેશ્વર અને નટરાજનને એક-એક વિકેટ મળી હતી. એ પહેલાં હૈદરાબાદે બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે જે ૧૮૬ રન બનાવ્યા હતા એમાં હિન્રિચ ક્લાસનના ૧૦૪ રન હતા.

બાકીની ટીમો બૅન્ગલોર હારે એની રાહ જોતી હતી : ઝહીર

બૅન્ગલોરની ટીમે ગુરુવારે હૈદરાબાદને હૈદરાબાદમાં ૮ વિકેટે હરાવી પોતાને પ્લે-ઑફની વધુ નજીક લાવી દીધું ત્યાર બાદ ભારતના ભૂતપૂર્વ પેસ બોલર ઝહીર ખાને આરસીબીની જીત વિશે અને ખરા સમયે વિરાટ કોહલી પાછો ફૉર્મમાં આવ્યો એ વિશે આનંદ વ્યક્ત કરતાં જિયોસિનેમા પર કહ્યું કે ‘પૉઇન્ટ્સ-ટેબલમાં બાકીની જે પણ ટીમો પ્લે-ઑફમાં પહોંચવાનો દાવો કરી રહી છે એ ટીમો મને લાગે છે કે આરસીબીના પરાજયની રાહ જોતી બેઠી હતી. એ જોતાં આરસીબી પર પ્રેશર ઘણું હતું. અગાઉની કેટલીક સીઝનમાં આ ટીમ દબાણમાં તૂટી પડતી આપણે જોઈ છે એ દષ્ટિએ આરસીબીની અને કોહલીની આ ઇનિંગ્સ બેનમૂન કહેવાય.’

sports sports news cricket news indian premier league ipl 2023 sunrisers hyderabad royal challengers bangalore virat kohli