15 May, 2023 12:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડેવિડ વૉર્નર
ડેવિડ વૉર્નરના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ શનિવારે ૨૦૨૩ની સીઝનની બહાર થનારી પ્રથમ ટીમ બની હતી અને આઠમી મૅચ હારવા બદલ કૅપ્ટન ડેવિડ વૉર્નરે પંજાબ કિંગ્સના ઓપનર અને મૅન ઑફ ધ મૅચ પ્રભસિમરન સિંહ (૧૦૩ રન, ૬૫ બૉલ, છ સિક્સર, દસ ફોર)નો કૅચ છૂટ્યો અને ત્યાર બાદ દિલ્હીની બૅટિંગમાં જે ધબડકો થયો એ બે કારણને દિલ્હીની ૩૧ રનથી થયેલી હાર માટે જવાબદાર ગણાવ્યાં છે.
પ્રભસિમરન ૬૮ રન પર હતો ત્યારે દિલ્હીના રાઇલી રુસોએ તેનો કૅચ છોડ્યો હતો. ૧૬૮ રનના સાધારણ લક્ષ્યાંકનો સામનો કરનાર દિલ્હીએ શરૂઆત સારી કરી હતી. ૬૯ રનના સ્કોર પર એની એકેય વિકેટ નહોતી, પણ ૮૮મા રન સુધી (૧૯ રનમાં)માં ૬ વિકેટ પડી ગઈ હતી. ડેવિડ વૉર્નર (૫૪ રન, ૨૭ બૉલ, એક સિક્સર, દસ ફોર) સિવાય બીજો કોઈ બૅટર પચીસ રન પણ પાર નહોતો કરી શક્યો. ફિલ સૉલ્ટે ૨૩ રન અને મિચલ માર્શે માત્ર ત્રણ રન બનાવ્યા હતા. અક્ષર પટેલ એક જ રન બનાવીને માર્શની માફક ચહલના બૉલમાં એલબીડબ્લ્યુમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
વૉર્નર અને સૉલ્ટ વચ્ચે ૬૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ત્યાર બાદ કોઈ મોટી ભાગીદારી નહોતી થઈ શકી. પહેલી ૬ વિકેટ ૧૯ રનમાં પડી ગઈ હતી. દિલ્હીએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે માત્ર ૧૩૬ રન બનાવ્યા હતા. વૉર્નરે મૅચ પછી પોતાના બૅટર્સની સમજશક્તિની ટીકા કરતાં કહ્યું કે ‘અમારો બૅટિંગ-અપ્રોચ જ નબળો હતો. અમે બૅટિંગમાં શરૂઆત તો સારી કરી, પરંતુ નાના સ્કોરમાં ૬ વિકેટ ગુમાવી દીધી. ઓપનર પ્રભસિમરનના કૅચ સહિત કેટલાક કૅચ અમે છોડ્યા એ પણ પરાજયનું કારણ હતું. આવું બધું થાય તો ક્યાંથી જીતી શકાય.’
જોકે વૉર્નરે પોતાના ખેલાડીઓને હવે બાકીની બે લીગ મૅચમાં થોડુંઘણું ગૌરવ પાછું મેળવવા રમવાની સલાહ આપી છે અને કહ્યું છે કે મન પર કોઈ પ્રકારનો બોજ રાખ્યા વિના રમજો.
દિલ્હીને ૧૩૬/૮ સુધી સીમિત રખાવવામાં ૪ વિકેટ લેનાર પંજાબના લેફ્ટ-આર્મ સ્પિનર હરપ્રીત બ્રારનું તેમ જ બે-બે વિકેટ લેનાર રાહુલ ચાહર તથા નૅથન એલિસનું મોટું યોગદાન હતું.
પંજાબનો ઓપનર પ્રભસિમરન ૪૦-૫૦ રનમાંથી હવે ૧૦૦ રન બનાવતો થયો એ જોઈને ખૂબ ગમ્યું. તેણે દિલ્હીના બોલર્સના પડકાર ઝીલીને કુલ ૬ સિક્સર ફટકારી, સ્પિનર્સના બૉલમાં સારા સ્વીપ શૉટ માર્યા. તેને અને પંજાબ કિંગ્સને અભિનંદન. -બ્રેટ લી