27 April, 2023 11:03 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન ફાઇલ તસવીર
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ (એસએમએસ)ની પિચ પહેલી મૅચ જેવી સ્લો તો નથી, પરંતુ અહીંનો ઇતિહાસ કહે છે કે અહીં હાઇ-સ્કોરિંગ મૅચો પણ બહુ થઈ નથી. આજે અહીં આતશબાજીની મોટી અપેક્ષા તો નહીં રાખી શકાય, પણ રાજસ્થાન રૉયલ્સના બૅટર્સ (જૉસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સૅમસન, દેવદત્ત પડિક્કલ, રિયાન પરાગ, શિમરૉન હેટમાયર વગેરે) પોતાની ટીમને પૉઇન્ટ્સ-ટેબલમાં ફરી મોખરાના સ્થાને લાવવા ચેન્નઈ સુપર કિંગ્સ સામે જોરદાર ફટકાબાજી કરીને જયપુરની પ્રણાલીમાં ફેરફાર લાવે તો નવાઈ નહીં.
૧૨ એપ્રિલે ચેન્નઈમાં રાજસ્થાને ચેન્નઈને ૧૭૬ રનનો મોટો લક્ષ્યાંક આપ્યા પછી રસાકસી બાદ ફક્ત ત્રણ રનથી મૅચ જીતી લીધી હતી અને હવે આજની મૅચ તો રાજસ્થાનના હોમ-ગ્રાઉન્ડ પર રમાવાની છે એટલે પહેલાં બૅટિંગ કરશે તો ચેન્નઈને ફરી મોટો લક્ષ્યાંક આપે પણ ખરું.
મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ હૅટ-ટ્રિક વિજય સાથે જયપુર આવી છે, જ્યારે સૅમસનની ટીમે બૅક-ટુ-બૅક પરાજય જોવો પડ્યો હોવાથી આજે હારની હૅટ-ટ્રિક ન થાય એની ખાસ તકેદારી રાખશે. ટૂંકમાં, આજની ટક્કર ચેન્નઈના ટૉપ-ઑર્ડર બૅટર્સ અને રાજસ્થાનના વર્લ્ડ ક્લાસ સ્પિનર્સ (અશ્વિન, ચહલ, ઝૅમ્પા) વચ્ચેની છે. જોકે ચેન્નઈ આજે જીતશે તો પ્લે-ઑફમાં પહોંચવાનું એના માટે વધુ આસાન થઈ જશે. રાજસ્થાન ઘણા દિવસ સુધી નંબર-વન પર રહ્યા પછી હવે ત્રીજા નંબરે છે.
| આઇપીએલ-૨૦૨૩માં કઈ ટીમ કેટલા પાણીમાં? | ||||||
| નંબર | ટીમ | મૅચ | જીત | હાર | પૉઇન્ટ | રનરેટ |
| ૧ | ચેન્નઈ | ૭ | ૫ | ૨ | ૧૦ | ૦.૬૬૨ |
| ૨ | ગુજરાત | ૭ | ૫ | ૨ | ૧૦ | ૦.૫૮૦ |
| ૩ | રાજસ્થાન | ૭ | ૪ | ૩ | ૮ | ૦.૮૪૪ |
| ૪ | લખનઉ | ૭ | ૪ | ૩ | ૮ | ૦.૫૪૭ |
| ૫ | બૅન્ગલોર | ૭ | ૪ | ૩ | ૮ | -૦.૦૦૮ |
| ૬ | પંજાબ | ૭ | ૪ | ૩ | ૮ | -૦.૧૬૨ |
| ૭ | મુંબઈ | ૭ | ૩ | ૪ | ૬ | -૦.૬૨૦ |
| ૮ | કલકત્તા | ૭ | ૨ | ૫ | ૪ | -૦.૧૮૬ |
| ૯ | હૈદરાબાદ | ૭ | ૨ | ૫ | ૪ | -૦.૭૨૫ |
| ૧૦ | દિલ્હી | ૭ | ૨ | ૫ | ૪ | -૦.૯૬૧ |
| નોંધ ઃ તમામ આંકડા ગઈ કાલની બૅન્ગલોર-કલકત્તા મૅચ પહેલાંના છે. | ||||||