18 April, 2023 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાવીસ વર્ષનો લેફ્ટ-આર્મ મીડિયમ ફાસ્ટ બોલર માર્કો યેન્સેન હૈદરાબાદની ટીમમાં છે અને લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ડુઆન યેન્સેને મુંબઈ વતી ડેબ્યુ કર્યું છે. તસવીર આશિષ રાજે/એ. એફ. પી.
આઇપીએલ-૨૦૨૩ના આઠમા નંબરના મુંબઈ ઇન્ડિયન્સ અને નવમા ક્રમના સનરાઇઝર્સ હૈદરાબાદ એકસરખા પર્ફોર્મન્સ સાથે આજે આમનેસામને આવી રહ્યાં છે. હૈદરાબાદની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સને તેના જ ગઢ (ઈડન ગાર્ડન્સ)માં હરાવીને આવી છે તો મુંબઈની ટીમ ઘરઆંગણે (વાનખેડેમાં) કલકત્તાને આંચકો આપીને આવી છે. વધુ એક રસપ્રદ સામ્ય એ છે કે મુંબઈ અને હૈદરાબાદ પહેલી બે-બે મૅચ હાર્યા પછી બીજી બે-બે મૅચ જીતીને એકસરખા ૪-૪ પૉઇન્ટ સાથે સામસામે આવ્યાં છે.
હૈદરાબાદને ૧૩.૨૫ કરોડ રૂપિયામાં ખરીદેલો ઇંગ્લૅન્ડનો હૅરી બ્રુક હવે ખરો કામ લાગી રહ્યો છે. શુક્રવારે તે આ સીઝનમાં સેન્ચુરી ફટકારનાર પ્રથમ બૅટર બન્યો હતો. તેણે ૯૯ મિનિટ સુધી ક્રીઝ પર રહીને પંચાવન બૉલમાં ૩ સિક્સર અને ૧૨ ફોરની મદદથી અણનમ ૧૦૦ રન બનાવી હૈદરાબાદને ૨૨૮ રનનો આ સીઝનનો વિક્રમજનક સ્કોર અપાવ્યો હતો અને ત્યાર પછી કલકત્તાની ટીમ ૭ વિકેટે ૨૦૫ રન બનાવી શકતાં હૈદરાબાદનો ૨૩ રનથી વિજય થયો હતો. હવે ઓપનરમાં રમતો બ્રુક આજે મુંબઈને પણ ભારે પડી શકે છે.
અર્જુનને હૈદરાબાદ ફળશે?
જોકે મુંબઈ પાસે પણ ઇન્ફૉર્મ ઓપનર ઈશાન કિશન અને પાછો ફૉર્મમાં આવેલો સૂર્યકુમાર યાદવ છે. રવિવારે વાનખેડેમાં કલકત્તા સામે ઈશાને પાંચ સિક્સર અને પાંચ ફોરની મદદથી ૫૮ રન અને સૂર્યાએ ૩ સિક્સર અને ચાર ફોર સાથે ૪૩ રન બનાવ્યા હતા. આજે બ્રુકની ઇનિંગ્સને મુંબઈના આ બે બૅટર લાંબી ભાગીદારીથી ઝાંખી પાડી શકે એમ છે. મુંબઈ પાસે તો તિલક વર્મા, કૅમેરન ગ્રીન અને ટિમ ડેવિડ પણ છે, જ્યારે બોલિંગમાં મુંબઈને અનુભવી પીયૂષ ચાવલાનો અને સફળતાની સીડી ચડી રહેલા રિતિક શોકીનની મદદ મળશે. જોફ્રા આર્ચર ઈજાને કારણે નથી રમી રહ્યો, પણ રિલી મેરેડિથ સારી જવાબદારી ઉપાડી રહ્યો છે અને અર્જુન તેન્ડુલકરને પણ ડેબ્યુ મળી ગયું હોવાથી હવે હૈદરાબાદે તેના માટે પણ પ્લાન બનાવવો પડશે. રવિવારે વાનખેડેમાં તો અર્જુનને વિકેટ ન મળી, પણ આજે તક મળતાં તે આઇપીએલમાં પોતાની પ્રથમ વિકેટ લેવા કોઈ કસર નહીં છોડે.
મુંબઈના બોલર્સે રાહુલ ત્રિપાઠી, કૅપ્ટન એઇડન માર્કરમ, અભિષેક શર્માથી પણ ચેતવું પડશે. ઓપનર મયંક અગરવાલને ફરી મોકો મળશે તો તે પણ મુંબઈને નડી શકે.
હૈદરાબાદને હરાવવા આવી ગયાં
વાનખેડેમાં રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ ટીમનાં માલિક નીતા અંબાણીએ કલકત્તા સામેની મૅચ જીતનાર પોતાની ટીમના પ્લેયર્સ સાથે મળીને વાનખેડેના ગ્રાઉન્ડ પર નાની પરેડ યોજીને જીત સેલિબ્રેટ કરી હતી. તસવીર iplt20.com
|
આઇપીએલ-૨૦૨૩માં કઈ ટીમ કેટલા પાણીમાં? |
||||||
|
નંબર |
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
|
૧ |
રાજસ્થાન |
૫ |
૪ |
૧ |
૮ |
૧.૩૫૪ |
|
૨ |
લખનઉ |
૫ |
૩ |
૨ |
૬ |
૦.૭૬૧ |
|
૩ |
ગુજરાત |
૫ |
૩ |
૨ |
૬ |
૦.૧૯૨ |
|
૪ |
પંજાબ |
૫ |
૩ |
૨ |
૬ |
-૦.૧૦૯ |
|
૫ |
કલકત્તા |
૫ |
૨ |
૩ |
૪ |
૦.૩૨૦ |
|
૬ |
ચેન્નઈ |
4 |
૨ |
૨ |
૪ |
૦.૨૨૫ |
|
૭ |
બૅન્ગલોર |
૪ |
૨ |
૨ |
૪ |
-૦.૩૧૬ |
|
૮ |
મુંબઈ |
૪ |
૨ |
૨ |
૪ |
-૦.૩૮૯ |
|
૯ |
હૈદરાબાદ |
૪ |
૨ |
૨ |
૪ |
-૦.૮૨૨ |
|
૧૦ |
દિલ્હી |
૫ |
૦ |
૫ |
૦ |
-૧.૪૮૮ |
|
નોંધ:ઃ તમામ આંકડા ગઈ કાલની ચેન્નઈ-બૅન્ગલોર મૅચ પહેલાંના છે. |
||||||