મુંબઈએ નિરાશ કર્યા, પણ બાદબાકી આઘાતજનક નથી

28 May, 2023 09:18 AM IST  |  Mumbai | Umesh Deshpande

સમગ્ર સીઝનમાં બોલિંગની નબળાઈ તેમને નડી હતી

ફાઇલ તસવીર

શુક્રવારે ગુજરાત ટાઇટન્સ સામે ક્વૉલિફાયર-ટૂમાં ૬૨ રનથી હારીને મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલની સ્પર્ધામાંથી બહાર થઈ જતાં એના ફૅન્સ નિરાશ જરૂર થયા હતા, પરંતુ તેમને આઘાત નહોતો લાગ્યો. દર વખતની જેમ મુંબઈ પ્લે-ઑફમાં આવીને મજબૂત ટીમ થઈ જશે એ ભૂતકાળની વાત તેમને યાદ આવતી હતી, પરંતુ એવું કશું થયું નહોતું. સમગ્ર સીઝનમાં બોલિંગની નબળાઈ તેમને નડી હતી, જે આ મહત્ત્વની મૅચમાં પણ નડી. ઈજાગ્રસ્ત જોફ્રા આર્ચરને બદલે આવેલો ક્રિસ જૉર્ડન પણ પ્રભાવ પાથરવામાં નિષ્ફળ રહ્યો હતો. તો ચાલો, છણાવટ કરીએ મુંબઈના પર્ફોર્મન્સની...

કૅપ્ટન  ફ્લૉપ

મુંબઈની ટીમ એલિમિનેટરમાં લખનઉને હરાવીને ક્વૉલિફાયર-ટૂમાં પહોંચી હતી. એથી ટીમ સાવ નબળી હતી એમ તો ન જ કહી શકાય, પણ એનો કૅપ્ટન રોહિત શર્મા જરૂર ફ્લૉપ હતો. ગુજરાત સામેની મૅચમાં માત્ર ૮ રન બનાવીને આઉટ થઈ જતાં પ્લે-ઑફમાં ખરાબ પ્રદર્શન કરવાની પરંપરાને તેણે જાળવી રાખી હતી. ૧૬ મૅચમાં એના કુલ ૩૩૨ રન થયા, જેમાં માત્ર બે હાફ સેન્ચુરી હતી.

નબળી બોલિંગ

લીગ મૅચમાં મુંબઈની બિનઅનુભવી બોલિંગ વર્તાઈ રહી હતી. તેઓ ૨૦૦ કરતાં વધારાના ટોટલને ડિફેન્ડ કરી શક્યા નહોતા. ખાસ કરીને ડેથ ઓવર્સ દરમ્યાન ઘણા રન આપી દેતા હતા. અનુભવી સ્પિનર પીયૂષ ચાવલાએ ૨૨ વિકેટ ઝડપી ટૉપ ૧૦ બોલરમાં સ્થાન જરૂર મેળવ્યું હતું, પરંતુ પાંચ વખત ચૅમ્પિયન રહેલી ટીમ પ્લે-ઑફમાં પ્રવેશ માટે છેક છેલ્લે સુધી જો અને તો પર નિર્ભર રહી હતી. લખનઉ સામેની મૅચમાં ફાસ્ટ બોલર આકાશ મધવાલે પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો, પરંતુ શુક્રવારની મૅચમાં કોઈ ધમાકો નહોતો જોવા મળ્યો.

પોલાર્ડની ખોટ

મુંબઈને વેસ્ટ ઇન્ડીઝના આક્રમક ઑલ રાઉન્ડર કીરોન પોલાર્ડની ખોટ વર્તાઈ હતી, જે હવે ટીમના કોચની ભૂમિકામાં છે. ઑસ્ટ્રેલિયાના ટિમ ડેવિડને પસંદ કરીને મુંબઈની ટીમે આ ખોટને પૂરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એક માત્ર રાજસ્થાન સામેની મૅચને બાદ કરતાં ટિમ ડેવિડ પોતાનો અસલ પ્રભાવ પાથરવામાં સફળ નહોતો થયો. શુક્રવારે તેણે જો શુભમન ગિલ ફક્ત ૩૦ રન પર હતો ત્યારે તેનો કૅચ પકડ્યો હોત તો કદાચ મુંબઈ ફાઇનલમાં હોત. ગિલ એ જીવતદાન પછી બીજા ૯૯ રન બનાવી ગયો હતો અને ગુજરાત ફાઇનલમાં પહોંચી ગયું.

સૂર્યા પર જ મદાર

શુક્રવારે સૂર્યકુમાર યાદવ એટલે કે SKY આઉટ થતાં જ મુંબઈએ ફાઇનલમાં પહોંચવાની આશા છોડી દીધી હતી. મુંબઈની ટીમ સૂર્યકુમાર યાદવ પર કેટલી નિર્ભર છે એ આ વાત દર્શાવે છે. જોકે આ બૅટરે ટીમને અસંભવ ગણાતા વિજયને બહુ જ સરળતાથી જીતી બતાવ્યો હતો, પરંતુ દર વખતે આ બૅટર ચમત્કાર કરી બતાવે એ આશા વધુ પડતી હતી.

યુવાઓ પર આશા

મુંબઈની ટીમ તરફથી ઈશાન કિશન, નેહલ વઢેરા અને તિલક વર્મા જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શુક્રવારે તિલક વર્માએ પર્પલ કૅપ ધરાવતા બોલર મોહમ્મદ શમીની ઓવરમાં સતત ચાર બાઉન્ડ્રી ફટકારીને વીરેન્દર સેહવાગની યાદ અપાવી હતી. મુંબઈની ટીમ માટે તિલક વર્મા એક આશાસ્પદ ખેલાડી તરીકે ઊભરી આવ્યો છે. આવતા વર્ષે પાંચ વખત ચૅમ્પિયન બનેલી ટીમ હવે પછી યોગ્ય પ્લેયર સિલેક્શન, પર્ફેક્ટ ટીમ કૉમ્બિનેશન અને મજબૂત બોલિંગ પાવર સહિતના પ્રૉપર પ્લાનિંગ સાથે આવશે એવી આશા એના ફૅન્સ રાખશે.

ડૅશિંગ કૅપ્ટનની જરૂર

રોહિતને બદલે હવે હાર્દિક જેવા યુવાન અને ડૅશિંગ કૅપ્ટનની મુંબઈ ઇન્ડિયન્સને જરૂર છે એવું નથી લાગતું?

sports sports news cricket news indian premier league ipl 2023 mumbai indians