CSK vs GT : ધોનીની ફેરવેલ પાર્ટી બગાડવા ગિલ તૈયાર

28 May, 2023 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજની ફાઇનલમાં ચેન્નઈનો કૅપ્ટન કંઈક અલગ રણનીતિ બનાવીને ગુજરાતના આ બૅટરને ઝડપથી આઉટ કરી શકશે કે નહીં એ જોવું રસપ્રદ રહેશે

મહેન્દ્ર સિંહ ધોની, શુભમન ગિલ

મહેન્દ્ર સિંહ ધોની પોતાની આઇપીએલની છેલ્લી મૅચ જીતીને વિદાય લેવા માગતો હશે તેમ જ પોતાની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સને પાંચમી વખત ચૅમ્પિયન બનાવવા માટે બનતું બધું જ કરશે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સનો યુવા ખેલાડી શુભમન ગિલ આ તમામ મનસુબા પર પાણી ફેરવવા માટે તૈયાર હશે. ૧૯ વર્ષ પહેલાં યુવા ધોની ભારત તરફથી પહેલી મૅચ રમ્યો ત્યારે ચાર વર્ષનો ગિલ પાકિસ્તાન સરહદ નજીક પંજાબના ફાઝિલ્કા ગામમાં તેના દાદાએ બનાવેલા બેટથી ખેતરમાં રમતો હતો. આજે ૧,૩૨,૦૦૦ બેઠક ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૪૨ વર્ષનો ધોની છેલ્લી વખત યલો જર્સીમાં રમશે ત્યારે યુવા ખેલાડી જિલ આ મેગા સ્ટારને હાઈ ફાઇવ કરતાં રોકી શકશે કે નહીં એ જોવું રસપ્રદ રહેશે.

ગિલે આ સીઝનમાં ત્રણ સદી સાથે ૮૫૧ રન કર્યા છે. એને રોકવા ધોનીએ સ્ટ્રૅટેજી બનાવી જ હશે. દીપક ચાહરની સ્વિંગ કે પછી રવીન્દ્ર જાડેજાની વિકેટ ટુ વિકેટ બોલિંગ કે પછી મોઇન અલીની સ્પિન હશે એ જોવું રહ્યું. ટેક્નિકલી પર્ફેક્ટ આ બૅટર્સ સામે ધોની શું કરે છે એ જોવું રસપ્રદ રહેશે. ધોનીના ફૅન્સ આવતા વર્ષે પણ તે રમે એ જોવા આતુર હશે, પરંતુ તેના ડાબા પગના ઘૂંટણના દુખાવાને કારણે રમતના આ ફૉર્મેટમાં રમવું તેના માટે પડકારરૂપ થઈ ગયું છે. ૭૩ મૅચો બાદ બે સૌથી વધુ સાતત્ય ધરાવનાર ટીમો વચ્ચેનો આ મુકાબલો છે. ખેલાડીઓને પ્રોત્સાહન તેમજ  ટીમ ભાવનાના મામલે ચેન્નઈનો જોટો જડે એવો નથી તો બીજી તરફ હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ગુજરાતની ટીમમાં તમામ નિર્ણયો સાતત્ય અને ક્રિકેટ સ્કીલના આધારે જ લેવાય છે, જેમાં માલિકોની કોઈ દખલગીરી નથી. એક કહેવત છે ‘બૅટર્સ મૅચ જિતાડે, પણ ટુર્નામેન્ટ બોલરો જિતાડે છે’.

ટુર્નામેન્ટના શ્રેષ્ઠ બોલરોમાં મોહમ્મદ શમી (૨૮ વિકેટ), રાશિદ ખાન (૨૭ વિકેટ ) અને મોહિત શર્મા (૨૪ વિકેટ)નો સમાવેશ ગુજરાતના પ્રદર્શનની સાક્ષી પુરાવે છે. સૌથી વધુ રન ગિલના છે તો કૅપ્ટન હાર્દિક પંડ્યા (૩૨૫ રન) એના કરતાં ૫૦૦ રન પાછળ છે.

જો ધોની ગિલને જલદી આઉટ કરાવી શકે તો ચેન્નઈ માટે ઘણી બધી વસ્તુ સરળ થઈ જાય. ડેવોન કૉન્વે (૬૨૫ રન) અને ઋતુરાજ ગાયકવાડ (૫૬૪)ને કારણે ચેન્નઈની બૅટિંગ લાઇન પણ શ્રેષ્ઠ છે.

11
ધોની એક ખેલાડી તરીકે આટલામી આઇપીએલની ફાઇનલ રમશે.

6
હાર્દિક પંડ્યા એક ખેલાડી તરીકે આટલામી આઇપીએલની ફાઇનલ રમશે. 

sports sports news cricket news indian premier league ipl 2023 chennai super kings gujarat titans ms dhoni mahendra singh dhoni hardik pandya