આખી આઇપીએલમાં યૉર્કરે મને સફળ બનાવ્યો, પણ છેલ્લા બૉલમાં ગરબડ થઈ ગઈ : મોહિત શર્મા

01 June, 2023 12:50 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ફાઇનલની ફાઇનલ ઓવરના છેલ્લા બે બૉલમાં રવીન્દ્ર જાડેજાએ સીએસકેને જિતાડ્યું એ વિશે ગુજરાત ટાઇટન્સના બોલરે કહ્યું કે ‘મને આખી રાત ઊંઘ નહોતી આવી’

મોહિત શર્મા

રવિવારે મેઘરાજાએ કરોડો ક્રિકેટપ્રેમીઓને હેરાન કર્યા અને છેવટે ચેન્નઈ-ગુજરાત વચ્ચેની આઇપીએલ-ફાઇનલ ન જ થવા દીધી. ત્યાર પછી સોમવારે પણ વરસાદ વિલન બનતાં ગુજરાતના ૨૧૪/૪ના જવાબમાં ચેન્નઈને ૧૫ ઓવરમાં ૧૭૧ રન બનાવવાનું કહેવામાં આવ્યું. ત્યાર બાદ જે કંઈ બની ગયું એ આઇપીએલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. મુદ્દાની વાત એ છે કે એક તરફ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના ખેલાડીઓએ આખી રાત યાદગાર જીત સેલિબ્રેટ કરી હતી ત્યાં બીજી બાજુ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના હતાશ પેસ બોલર મોહિત શર્માને આખી રાત ઊંઘ જ નહોતી આવી.

જાડેજાની સિક્સર-ફોરથી ખેલ ખતમ

સીએસકેએ છેલ્લી (૧૫મી) ઓવરમાં જીતવા ૧૩ રન બનાવવાના હતા. મોહિતના પહેલા ચાર બૉલમાં શિવમ દુબે અને રવીન્દ્ર જાડેજા ફક્ત ત્રણ રન બનાવી શક્યા હતા. મોહિતના એ ચારેય બૉલ યૉર્કર હતા. જોકે ત્યાર પછી પાંચમા બૉલથી બાજી પલટાઈ હતી. મોહિતનો પાંચમો પણ યૉર્કર હતો, પરંતુ એમાં લેન્ગ્થનો અભાવ હતો. જાડેજાએ એ બૉલને જાણે જમીનમાંથી ઉખાડીને સીધો લૉન્ગ-ઑન પરથી સ્ટેડિયમમાં મોકલી દીધો હતો. એ રોમાંચક સિક્સર પછી લાસ્ટ બૉલમાં ચેન્નઈએ જીતવા ૪ રન બનાવવાના હતા. મોહિત આ છેલ્લા બૉલમાં લાઇન ચૂકી ગયો હતો. લેગ સ્ટમ્પની બહારના નીચા ફુલ-ટૉસમાં જાડેજાએ બૉલને સ્વિંગથી ફાઇન લેગ તરફના ગૅપમાં મોકલી દીધો હતો અને બૉલ બાઉન્ડરી લાઇનની બહાર જતો રહ્યો હતો.

મેં જુદો જ બૉલ ફેંક્યો હોત તો : મોહિત

મોહિતે ફાઇનલના શૉકિંગ પરાજય બાદ એક અખબારી મુલાકાતમાં કહ્યું કે ‘મારે છેલ્લી ઓવરમાં કયા પ્રકારના બૉલ ફેંકવા એ વિશે હું એકદમ સ્પષ્ટ હતો અને બધું પ્લાનિંગ કરી રાખ્યું હતું. નેટ-પ્રૅક્ટિસને આધારે મેં આ નિર્ણાયક ઓવરના તમામ છ બૉલ યૉર્કર ફેંકવાનું નક્કી કર્યું હતું. પહેલા ચાર યૉર્કરમાં બધું બરાબર થયું. તેઓ ત્રણ જ રન બનાવી શક્યા. પાંચમા યૉર્કરમાં જાડેજાએ સિક્સર ફટકારી એમ છતાં મેં છઠ્ઠો પણ યૉર્કર ફેંકવાનું નક્કી કર્યું. આખી આઇપીએલમાં યૉર્કરથી મેં ઘણી સફળતા મેળવી હતી, પરંતુ છેલ્લા બૉલમાં બધી ગરબડ થઈ ગઈ. હું લાસ્ટ બૉલ ફેંકવા દોડ્યો અને બૉલની ટપ જ્યાં પાડવાની હતી ત્યાં પડવાને બદલે નીચો ફુલટૉસ પડી ગયો જેમાં જાડેજાએ ફોર ફટકારી દીધી. એ હાર પછી આખી રાત મને ઊંઘ નહોતી આવી. સોચતા રહા ક્યા અલગ કરતા જો મૅચ જીત જાતા. હું આઘાતમાંથી બહાર આવવા સતત પ્રયાસ કરી રહ્યો છું.’

મોહિતે ૧૪ મૅચમાં ૨૭ વિકેટ લીધી હતી. તેની જ ટીમના રાશિદ ખાનની પણ ૨૭ વિકેટ હતી, જ્યારે જીટીના જ મોહમ્મદ શમીએ સૌથી વધુ ૨૮ વિકેટ લીધી હતી. સીએસકેની ટીમને ચૅમ્પિયન્સ ટ્રોફી સાથે ૨૦ કરોડ રૂપિયાનું અને રનર-અપ જીટીની ટીમને ૧૨.૫૦ કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.

sports news sports cricket news ipl 2023 indian premier league chennai super kings telugu titans