બોલર ફિટ ન હોય તો વિકલ્પ શોધશે મુંબઈ : માર્ક બાઉચર

28 May, 2023 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના કોચે કહ્યું કે આ સીઝનમાં જસપ્રીત બુમરાહ અને જોફ્રા આર્ચરની ખોટ પડી

માર્ક બાઉચર

મુંબઈ ઇન્ડિયન્સના કોચ માર્ક બાઉચરે કહ્યું હતું કે ‘જો મહત્ત્વના બોલરો ફિટ ન હોય તો તેમનો વિકલ્પ શોધવામાં આવશે. પાંચ વખત ચૅમ્પિયન રહેલા મુંબઈની ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, જોફ્રા આર્ચર અને ઝાય રિચર્ડસન આ સીઝનમાં નહોતા રમ્યા એમ છતાં, ટીમ પ્લે-ઑફ સુધી પહોંચી હતી. બીજી ક્વૉલિફાયરમાં ગુજરાતે એને હરાવી દીધું હતું. બાઉચરે કહ્યું હતું કે ‘ટીમના પ્રદર્શનની સમીક્ષા પછીથી કરવામાં આવશે, કારણ કે હાલ કોઈ વિવાદ ઊભો કરવા માગતો નથી. ઘણી બધી બાબતો પર વાત કરવી પડશે. હાલમાં આ તબક્કે વાત કરવી મૂર્ખામી છે. અમારે આત્મમંથન કરવું પડશે. લાગણીશીલ થયા વગર ક્રિકેટ વિશે વિચારીને નિર્ણય લેવા પડશે, પરંતુ બધું શાંત થઈ જાય પછી.’

બાઉચરે વધુમાં કહ્યું હતું કે ‘બોલિંગમાં અમારી પાસે બે સ્ટાર ખેલાડી નહોતા. અમે બનતો પ્રયાસ કર્યો. આશા રાખીએ કે તેઓ ફિટ થઈ જશે. જો એમ નહીં થાય તો વિકલ્પ જોવા પડશે.  બુમરાહ અને જોફ્રા આર્ચર વગર મુંબઈ માટે બહુ જ મુશ્કેલ સ્થિતિ હતી. બુમરાહ તો શરૂઆતથી જ નહોતો, જોફ્રા પણ વધુ ન રમ્યો. આ બન્ને શાનદાર બોલર છે. આવા બોલરો વગર બોલિંગ આક્રમણ નબળું તો પડવાનું જ હતું. હું કોઈને દોષી નથી ગણતો. રમતમાં ઈજા તો થવાની જ છે. તમારે એનો સામનો કરવાનો છે.’

sports sports news cricket news indian premier league ipl 2023 mumbai indians