આજે આઇપીએલના ઓપનિંગમાં ડ્રોન શો, ધોની-હાર્દિકની હીરો-સ્ટાઇલમાં એન્ટ્રી

31 March, 2023 12:18 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદમાં આજે પહેલી મૅચ પહેલાં ૧૫૦૦થી વધુ ડ્રોન દ્વારા રચાશે આઇપીએલના લોગો અને ટ્રોફીનું ફૉર્મેશન, સ્પેશ્યલ ટેક્નૉલૉજીથી સર્જાશે અદ્ભુત આકાશી નઝારો

આજે ગુરુ સામે ચેલો પહેલી વાર હારશે?: અમદાવાદમાં આગમન વખતે સલામતી બંદોબસ્ત વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સનો સુકાની ધોની (ડાબે) અને પ્રૅક્ટિસ સેશન દરમ્યાન ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા. ગઈ સીઝનમાં ગુજરાતે ચેન્નઈને બન્ને મૅચમાં હરાવ્યું હતું. હાર્દિક ઘણી વાર કહી ગયો છે કે તે કૅપ્ટન્સીના પાઠ ધોની પાસેથી જ શીખ્યો છે. આજે પહેલી મૅચ આ બન્ને ટીમ વચ્ચે છે. તસવીર પી. ટી. આઇ.

આજથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) - ૨૦૨૩ સીઝનની શરૂઆત થઈ રહી છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગીત-સંગીત અને ડાન્સનો જલસો માણવા સાથે પહેલી વાર આઇપીએલની ઓપનિંગ સેરેમનીમાં ડ્રોન શો યોજાશે. આકાશમાં ૧૫૦૦ ડ્રોન ઊડશે અને અદ્ભુત દૃશ્યો સર્જાવાની સાથે દર્શકોને રોમાંચક નઝારો જોવા મળશે. એટલું જ નહીં, મ્યુઝિક અને ફોક ડાન્સ સાથે મહેન્દ્ર જસિંહ ધોની અને હાર્દિક પંડ્યાની હીરો સ્ટાઇલમાં ડિઝાઇનર ગૉલ્ફ કાર્ટમાં સ્ટેડિયમમાં એન્ટ્રી થશે.

બન્ને કૅપ્ટનના કાર્ટની આજુબાજુ ૧૫૦ જેટલા ફોક આર્ટિસ્ટ ડાન્સ કરતાં-કરતાં બન્ને ટીમના કૅપ્ટનને સ્ટેજ સુધી લઈ જશે. એ માટે ચેન્નઈથી જે કલાકારોને બોલાવાયા છે એ ધોનીની કાર્ટની આજુબાજુ અને ગુજરાતના કલાકારો હાર્દિક પંડ્યાના કાર્ટની આજુબાજુ ડાન્સ કરશે અને  ધમાકેદાર એન્ટ્રી સાથે તેમને સ્ટેજ સુધી લઈ જશે. મ્યુઝિક સાથે ધોની અને હાર્દિકની એન્ટ્રી થશે.’

સાઉન્ડ-લાઇટની ટેક્નિકથી ફૉર્મેશન

અમદાવાદના સ્ટેડિયમમાં આજે ઓપનિંગ સેરેમની દરમ્યાન ડ્રોનની મદદથી આવું અને બીજા ઘણા પ્રકારનું અદ્ભુત ફૉર્મેશન રચાશે.

સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે ૧૫૦૦થી વધુ ડ્રોન સાથે આકાશમાં આઇપીએલનો લોગો દસેક મિનિટ સુધી સ્ટેડિયમની ઉપરના આકાશમાં સાઉન્ડ અને લાઇટની ટેક્નૉલૉજીથી દર્શનીય ફૉર્મેશન રચશે જે માણવો એક લહાવો બની રહેશે.

રશ્મિકા, તમન્ના, અરિજિત મોજ કરાવશે

આઇપીએલના અત્યાર સુધીના ઇતિહાસમાં આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ઓપનિંગ સેરેમની અભૂતપૂર્વ બની રહેશે. સાઉથની હિરોઇન રશ્મિકા મંદાના તેમ જ તમન્ના ભાટિયા અને સિંગર અરિજિત સિંહના દર્શનીય પર્ફોર્મન્સ સાથે ફટાકડાની ધમાકેદાર આતશબાજી યોજાવા સાથે એક કલાકનો રંગારંગ કાર્યક્રમ યોજાશે.

sports news sports cricket news ahmedabad tamannaah bhatia rashmika mandanna arijit singh chennai super kings gujarat titans ms dhoni hardik pandya ipl 2023 shailesh nayak