મને કોચ નહીં, પૉલી કહીને બોલાવજો : પોલાર્ડ

24 March, 2023 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅરિબિયન સ્ટારનું મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પ્લેયરની કરીઅર બાદ હવે બૅટિંગ-કોચ તરીકે આગમન

મુંબઈ ઇન્ડિયન્સના પ્રૅક્ટિસ-સેશનમાં હેડ-કોચ બાઉચર સાથે બૅટિંગ-કોચ પોલાર્ડ

કીરોન પોલાર્ડે આઇપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સના બૅટિંગ-ઑલરાઉન્ડર તરીકેની કરીઅર પૂરી કર્યા પછી હવે આ ટીમમાં બૅટિંગ-કોચ તરીકે આગમન કર્યું છે. બુધવારે તે ટીમના કૅમ્પની પ્રૅક્ટિસમાં પહેલી વાર જોડાયો હતો અને તેણે આવતાવેંત ખેલાડીઓને કહ્યું, ‘તમે બધા મને કોચ કહીને ન બોલાવતા. મને પૉલી કહીને જ બોલાવજો.’

પોલાર્ડ ખેલાડી તરીકે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં હતો ત્યારે બધા તેને ‘પૉલી’ના હુલામણા નામથી બોલાવતા હતા. તેણે ૨૦૧૦થી ૨૦૨૨ સુધીની આઇપીએલની કારકિર્દી દરમ્યાન ૧૮૯ મૅચમાં ૧૬ હાફ સેન્ચુરીની મદદથી કુલ ૩૪૧૨ રન બનાવ્યા હતા, જેમાં ૨૨૩ સિક્સર અને ૨૧૮ ફોરનો સમાવેશ હતો. મુંબઈના બૅટર્સમાં તેના ૩૪૧૨ રન રોહિત શર્માના ૪૭૦૯ રન પછી બીજા નંબરે છે.
પોલાર્ડે વિડિયોમાં વધુમાં કહ્યું કે ‘મુંબઈ ઇન્ડિયન્સ વતી રમવામાં અને મુંબઈના લોકોનું પ્રતિનિધિત્વ કરવામાં હું જે લાગણી અનુભવી રહ્યો છું એ શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. અમારી વચ્ચેનું બંધન ક્રિકેટ કરતાં પણ વિશેષ છે. આ ટીમ સાથેની મારી નવી ભૂમિકામાં કોઈ બદલાવ નહીં જોવા મળે. હું ખેલાડી તરીકે હતો એવા જ વ્યક્તિત્વ સાથે હવે બૅટિંગ-કોચ બનીને આવ્યો છું.

sports sports news cricket news mumbai indians