29 May, 2023 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : એ. એફ. પી., પી. ટી. આઇ.
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ગઈ કાલની આઇપીએલ-ફાઇનલ વરસાદને કારણે અનેક વિઘ્નો આવ્યા બાદ છેવટે આજ પર મુલતવી રાખવાનું નક્કી થયું હતું. આ હાઈ-વૉલ્ટેજ મુકાબલો હવે આજે થશે.
ગઈ કાલે મૅચના ૨૪ કલાક પહેલાં એવી કોઈ નક્કર આગાહી નહોતી કે વરસાદ પડશે જ. આકાશમાં કાળાં વાદળો છવાયેલાં રહેશે એવી કોઈ જ આગાહી નહોતી, છતાં વારંવાર ધોધમાર વરસાદ આવતાં ફાઇનલના આરંભની મજા મરી ગઈ હતી. એ તો ઠીક, પણ કૅનેડિયન નાઇટિંગલ તરીકે જાણીતી ભારતીય મૂળની સિંગર જોનિતા ગાંધી અને બીજા સિંગર્સ તથા રૅપર્સના પર્ફોર્મન્સ સાથેની ક્લોઝિંગ સેરેમની પણ નહોતી થઈ.
ગઈ કાલે રાતે આગાહી હતી કે આજે (સોમવારે) અમદાવાદમાં વરસાદ પડવાની ૧૦ ટકા સંભાવના છે.ગઈ કાલે અમદાવાદના સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકો આવ્યા હતા તેમની તેમ જ દેશમાં કરોડો ક્રિકેટપ્રેમીઓએ ફાઇનલ માણવાની તૈયારી સાથે યોજનાઓ ઘડી હતી અને ટીવી સામે ગોઠવાઈ ગયા હતા, પણ મેઘરાજાએ આવ-જા કરીને લોકોને પરેશાન કરી મૂક્યા હતા.
અમદાવાદમાં લોકોનો ઉત્સાહ વરસાદના પાણીમાં ધોવાઈ ગયો
અમદાવાદમાં ગઈ કાલે બપોરે ૩.૦૦ વાગ્યાથી ક્રિકેટચાહકોએ ચેન્નઈ-ગુજરાત વચ્ચેનો રોમાંચક ફાઇનલ મુકાબલો માણવા ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉત્સાહભેર આવવાની શરૂઆત કરી હતી, પરંતુ વરસાદને કારણે અનેક વિઘ્નો આવતાં અનેકની આશા પર પાણી ફરવાની શરૂઆત થઈ હતી. લગભગ આખા અમદાવાદમાં વરસાદ હતો અને બોપલ તથા વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં બરફના કરાં પડ્યા હતા. મેદાન પર ક્યાંક તો સરોવર ભરાયું હોય એમ વરસાદનું પાણી જમા થઈ ગયું હતું અને મેદાન પર એક તબક્કે માળીઓ એક છત્રી નીચે સુરિક્ષત રહ્યા હતા. ૧ લાખ ૩૨ હજાર પ્રેક્ષકોની ક્ષમતાવાળું સ્ટેડિયમ ધીમે-ધીમે ખાલી થવા લાગ્યું હતું. નવી-નવી ડેડલાઇન જાહેર થતાં અમુક પ્રેક્ષકો આશા રાખીને બેઠા હતા.