IPL 2021: MI vs PBKS: મુંબઈને પછાડીને પંજાબે કર્યું કમબૅક

24 April, 2021 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત ત્રણ મૅચ હાર્યા બાદ મુંબઈ ચૅમ્પિયન્સને 9 વિકેટે હરાવીને રાહુલસેનાએ કરી કમાલ, ચૅમ્પિયન્સનો સતત બીજો પરાજય : લોકેશ રાહુલ બન્યો મૅન ઑફ ધ મૅચ

રાહુલ અને ગેઇલ BCCI/IP

ચેન્નઈમાં ગઈ કાલે છેલ્લા મુકાબલામાં મુંબઈ ચૅમ્પિયન્સે ફરી એક વાર બૅટ્સમેનોના ફ્લૉપ શોને લીધે માર ખાવો પડ્યો હતો અને પંજાબ કિંગ્સ સામે ૧૪ બૉલ બાકી રાખીને ૯ વિકેટે પરાજય જોવો પડ્યો હતો. દિલ્હી સામે હાર્યા બાદ મુંબઈનો આ સતત બીજો પરાજય હતો. આ સાથે મુંબઈની ચેન્નઈની ધીમી પિચ પરના મુકાબલા પૂરા થયા હતા અને હવે દિલ્હીમાં એ દમ બતાવશે. બીજી તરફ સતત ત્રણ પરાજય બાદ પંજાબે ચૅમ્પિયન ટીમને હરાવીને કમાલનું કમબૅક કર્યું છે. આ જીત સાથે પંજાબ પૉઇન્ટ ટેબલ પર પાંચમા ક્રમાંકે પહોંચી ગયું છે. 

મુંબઈ સામે રાહુલ-ગેઇલ મક્કમ 
૧૩૨ રન ચેન્નઈની પિચ પર અને એ પણ મુંબઈ જેવી ટીમ સામે થોડો ચૅલેન્જિંગ હતા, પણ સારી શરૂઆત બાદ મયંક અગરવાલ (૨૫)ને ગુમાવ્યા બાદ કૅપ્ટન લોકેશ રાહુલ (અણનમ ૬૦) અને ક્રિસ ગેઇલે (અણનમ ૪૩) જીત અપાવી હતી. 

મુંબઈના બૅટ્સમેનોની પડતી
મુંબઈની ટીમે સતત પાંચમી મૅચમાં પ્રથમ બૅટિંગ કરવાનું આવ્યું હતું. પંજાબે ટૉસ જીતીને મુંબઈને પહેલાં બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈના બૅટ્સમેનોએ તેમનો પડતીનો સાતત્યભર્યો પર્ફોર્મન્સ જાળવી રાખ્યો હતો. પહેલી મૅચમાં ૧૫૯, બીજીમાં ૧૫૨, ત્રીજીમાં ૧૫૦, ચોથીમાં ૧૩૭ અને ગઈ કાલે ૧૩૧ સાથે પડતી જાળવી રાખી હતી. એકમાત્ર કૅપ્ટન રોહિત શર્મા બાવન બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૬૩ રન તથા સૂર્યકુમાર યાદવ ૨૭ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૩૩ સાથે થોડો પ્રતિકાર કરી શક્યા હતા. ક્વિન્ટન ડિકૉક (૩), ઈશાન કિશન (૬), હાર્દિક પંડ્યા  (૧), કૃણાલ પંડ્યા (૩)એ પોતાનો ફ્લૉપ શો જાળવી રાખ્યો હતો. કિરોન પોલાર્ડ ૧૨ બૉલમાં ૧૬ રન કરી છેલ્લે ટીમને ૧૩૦ પ્લસના સ્કોર સુધી લઈ ગયો હતો. અનુભવી મોહમ્મદ શમીએ ફૉર્મ પાછું મેળવતાં ૨૧ રનમાં બે અને સીઝનમાં પહેલી મૅચ રમી રહેલા યુવા સ્પિનર રવિ બિશ્નોઈએ ૨૧ રનમાં બે વિકેટ લીધી હતી. 

ટૂંકો સ્કોર
મુંબઈ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૧ રન - રોહિત ૬૩, સૂર્યકુમાર ૩૩, પોલાર્ડ અણનમ ૧૬, ‌બિશ્નોઈ ૨૧/૨, શમી ૨૧/૨, હૂડા ૧૫/૧) સામે પંજાબ (૧૭.૪ ઓવરમાં એક વિકેટે ૧૩૨ રન - રાહુલ અણનમ ૬૦, ગેઇલ અણનમ ૪૩, મયંક ૨૫, ચાહર ૧૯/૧)નો ૯ વિકેટે વિજય

kl rahul cricket news sports news chris gayle punjab kings mumbai indians