Qualifier 2, DC vs KKR: કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 3 વિકેટથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો

13 October, 2021 11:56 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૧૩૫ રન બનાવ્યા હતા.

તસવીર/BCCI; IPL

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો 59મો મુકાબલો આજે સાંજે ૭.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Night Riders) વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યુએઈ ખાતે યોજાયો હતો. કોલકત્તાના કેપ્ટન ઇઓન મોર્ગને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૧૩૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૧૯.૫ ઓવરમાં ૧૩૬ રન બનાવી ૭ વિકેટના નુકસાન સાથે મેચ જીતી હતી.

ક્વોલિફાયર 2માં દિલ્હી કેપિટલ્સ (DC)ને 3 વિકેટે હરાવીને કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 136 રનના લક્ષ્યાંકનો પીછો કરતા KKRના ઓપનર વેંકટેશ અય્યર અને શુભમન ગિલે 96 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. અય્યરે સિઝનની ત્રીજી અર્ધસદી મેળવી હતી જ્યારે ગિલે 46 રન મેળવીને તેની ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડવા સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, DCએ બેક-ટુ-બેક વિકેટ અને ઉત્તમ બોલિંગ સાથે મેચમાં વાપસી કરી હતી. KKRને અંતિમ ઓવરમાં 7 રનની જરૂર હતી, ત્યારે રવિચંદ્રન અશ્વિને શાનદાર રીતે પ્રથમ ચાર બોલ ફેંક્યા હતા અને બે વિકેટ મેળવી હતી, પરંતુ રાહુલ ત્રિપાઠીએ ઓફ સ્પિનર ​​સામે પાંચમા બોલ પર વિનિંગ સિક્સ ફટકારી અને મેચ KKRના નામે કરી હતી. અગાઉ પ્રથમ બોલિંગ કરતી વખતે, વરુણ ચક્રવર્તીએ તેની બે વિકેટ સાથે ફરી બોલ સાથે પ્રદર્શન કર્યું અને DC બેટ્સમેનો પર પ્રભુત્વ મેળવ્યું હતું.

હવે KKR શુક્રવારે ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેની ત્રીજી આઈપીએલ ટ્રોફી માટે રમશે. જ્યારે દિલ્હી કેપિટલ્સની IPL ઋષભ પંતના નેતૃત્વમાં શાનદાર સિઝન બાદ પણ તેની પ્રથમ આઈપીએલ ટ્રોફીની શોધ ચાલુ જ રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે KKRએ ક્યારેય IPL ફાઇનલમાં હાર્યું નથી, તે પહેલાં બે વખત વર્ષ 2012 અને 2014માં પહોંચ્યા હતા અને બંને વખત વિજેતા તરીકે ઊભરી હતી.

દિલ્હી કેપિટલ્સના પ્લેઇંગ ૧૧માં પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કાગીસો રબાડા, અવેશ ખાન, એનરિચ નોર્ટજે હતા.

જ્યારે કોલકત્તા નાઈટ રાઇડર્સના પ્લેઇંગ ૧૧માં શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, ઇઓન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુનીલ નારાયણ, શાકિબ અલ હસન, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી હતા.

ipl 2021 cricket news sports news delhi capitals kolkata knight riders