આઇપીએલમાં કોરોનાનો કેર, ટુર્નામેન્ટ સામે ખતરો

04 May, 2021 03:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલકત્તાના વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર્સના પૉઝિટિવ રિપોર્ટ બાદ ગઈ કાલે બૅન્ગલોર સામેની મૅચ કરવી પડી પોસ્ટપોન્ડ, ચેન્નઈ કૅમ્પમાં અને દિલ્હીના ગ્રાઉન્ડ સ્ટાફમાં વાઇરસના પ્રવેશને લીધે સોશ્યલ મીડિયામાં કૅન્સલ આઇપીએલ ટ્રેન્ડ થયું

વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર્સ

જેનો ડર હતો એ આખરે સાચો પડવા જઈ રહ્યો છે. ટી૨૦ વર્લ્ડ કપ ભારતની બહાર ન જાય એ માટે કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે પણ ભારતમાં જ આઇપીએલ રમાડીને દુનિયાને દેખાડી દેવાની જીદને લીધે દેશ માટે આ નીચાજોણું ન થાય એનો ડર લાગવા માંડ્યો છે. ગયા વર્ષે નિર્વિઘ્ને યુએઈમાં કરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે આ સીઝન ભારતમાં કરવાનો દૃઢ નિશ્ચય કર્યો હતો. અનેક મુસીબતો વચ્ચે પણ બધું બરાબર ચાલી રહ્યું હતું અને દરેક ટીમની અડધી લીગ મૅચો પતી ગઈ છે ત્યારે કોરોનાએ એન્ટ્રી મારી છે. કલકત્તા નાઇટ રાઇડર્સના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર્સનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં હાહામાર મચી ગયો અને ક્રિકેટ બોર્ડે  તરત જ પગલાં લેતાં ગઈ કાલની મૅચ પોસ્ટપોન્ડ કરી હતી. પહેલી વાર આ રીતે મૅચ પોસ્ટપોન્ડ કરવી પડી છે.  

કલકત્તા-બૅન્ગલોર પોસ્ટપોન્ડ
ગઈ કાલે અમદાવાદમાં કલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે મુકાબલો રમાવાનો હતો, પણ એ પહેલાં કલકત્તાના વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર્સનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવના સમાચારે ડરનો માહોલ ફેલાવી દીધો છે. આ રદ થયેલી મૅચ હવે બીજા કોઈ દિવસે રમાશે અને આયોજકોએ એ ક્યારે ગોઠવી શકાય એ માટેનું વર્કિંગ ચાલુ કરી દીધું છે. જોકે ૮ ટીમના બે ભાગ પાડીના રમાવાની હોવાથી કોઈ મૅચનું રીશેડ્યુલ કરવું આસાન નહીં હોય. 

છેલ્લા ચાર દિવસમાં કરવામાં આવેલા ત્રીજા રાઉન્ડમાં ચક્રવર્તી અને વૉરિયર્સ પૉઝિટિવ જણાયા હતા. બન્નેને તરત આઇસોલેટ કરી દેવામાં આવ્યા હતા. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ કહ્યું હતું કે આ બન્ને ખેલાડીઓની બીજી રેસ્ટના રિપોર્ટ્સની અમે રાહ જોઈ રહ્યા છીએ. જેનાથી ખાતરી થઈ જાય. દિલ્હી ટીમના ઍન્રિચ નૉર્કિયા સાથે પણ એવું જ થયું હતું અને એના પહેલા પૉઝિટિવ રિપોર્ટ બાદ બીજી ટેસ્ટમાં એ નેગિટિવ આવ્યો હતો અને ટીમ સાથે જોડાયો હતો. 

સ્કૅનિંગ માટે વરુણ બહાર ગયો હતો
બાયો-બબલની અંદર ખેલાડી પૉઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો અને દરેકના મનમાં એક જ સવાલ છે બાયો-બબલ્સમાં ખેલાડી કેવી રીતે સંક્રમિત થઈ શકે. ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર વરુણ ચક્રવર્તી બાયો-બબલ છોડીને બહાર ગયો હતો. એ ખભા પર ઈજાને લીધે ઑફિશ્યલ ગ્રીન ચૅનલ દ્વારા બબલની બહાર ગયો હતો. કહેવાય છે કે વરુણ એ દરમ્યાન કોરોનાગ્રસ્ત થયો હોઈ શકે છે. પ્રોટોકોલ પ્રમાણે ખેલાડીને પ્રાઇવેટ વાહન દ્વારા પીપીઈ કિટમાં હૉસ્પિટલમાં જવાની અનુમતિ છે. એનો ઇલાજ કરનાર મેડિકલ સ્ટાફે પણ પીપીઈ કિટ પહેરવી જરૂરી છે. 

વરુણ અને વૉરિયર્સને છોડીને કલકત્તાની ટીમના અન્ય બધા ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. કલકત્તાના અનુભવી સ્પિનર હરભજન સિંહે પણ ટ્વીટ કરીને તેના ફૅન્સને ચિંતા ન કરવાની સલાહ આપી છે. 

સ્લેટર મૉલદીવ્ઝ ભાગ્યો
એક અહેવાલ પ્રમાણે આઇપીએલમાં કૉમેન્ટરી આપી રહેલો ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર માઇકલ સ્લેટર ડરીને બાયો-બબલ્સમાંથી નીકળીને ભારત છોડીને મૉલદીવ્ઝ ચાલ્યો ગયો છે. આ અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભારત છોડવા માગતા ઑસ્ટ્રેલિયન ક્રિકેટરો સ્લેટરની જેમ મૉલદીવ્ઝ જતા રહેવા અધીરા બન્યા છે.

ચેન્નઈમાં બાલાજી સહિત ત્રણ પૉઝિટિવ

બાયો-બબલને ભેદીને કોરોના કલકત્તાના બે ખેલાડી સુધી પહોંચી જવાની ચર્ચા ચાલી રહી હતી ત્યાં ચેન્નઈ કૅમ્પમાંથી પણ માઠા સમાચાર આવ્યા છે. ચેન્નઈની ટીમનનો કોઈ ખેલાડી કોરોનાની ઝપટમાં નથી આવ્યો, પણ લક્ષ્મીપતિ બાલાજી સહિત ત્રણ નૉન-પ્લેઇંગ સ્ટાફનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. 

આ ત્રણ જણમાં બોલિંગ-કોચ બાલાજી ઉપરાંત ફ્રૅન્ચાઇઝીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કાશી વિશ્વનાથન અને બસ-કલીનરનો સમાવેશ છે. રવિવારે થયેલી છેલ્લી ટેસ્ટના રિપોર્ટ પ્રમાણે ચેન્નઈ ટીમના બધા ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ છે. 

હવે કન્ફર્મેશન માટે આ ત્રણેયની ગઈ કાલે ફરી ટેસ્ટ કરવામાં આવી હતી. જો તેનો ફરી રિપોર્ટ પૉઝિટિવ આવશે તો પ્રોટોકોલ પ્રમાણે ત્રણેયને ૧૦ દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે. આ ત્રણેય કેવી રીતે કોરોનાની ઝપટમાં આવી ગયા એ વિશે જાણી શકાયું નહોતું. 

મુંબઈ અને ચેન્નઈ મૅચ દરમ્યાન બાલાજી ડગ-આઉટમાં જ બેઠો હતો અને મૅચ પહેલાં અને પછી ચેન્નઈ અને મુંબઈના ખેલાડીઓને મળ્યો હોવાથી બન્ને કૅમ્પ ટેન્શનમાં છે.

દિલ્હી સ્ટેડિયમના પાંચ ગ્રાઉન્ડ-સ્ટાફ પૉઝિટિવ
કલકત્તાના બે ખેલાડીઓ અને ચેન્નઈના ત્રણ નૉન-પ્લેઇંગ ખેલાડીઓનો આઘાત ઓછો હોય ત્યાં હાલમાં મૅચ ચાલી રહે છે એ દિલ્હી સ્ટેડિયમના પાંચ ગ્રાઉન્ડ-સ્ટાફના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. આ પાંચેયને તરત જ આઇસોલેટ કરી નાખવામાં આવ્યા હતા અને બીજા સ્ટાફ-મેમ્બરનું પણ તરત જ ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં રવિવારે રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે મૅચ રમાઈ હતી અને આજે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર જામવાની હતી. દિલ્હીમાં હાલમાં ચાર ટીમ મુંબઈ, હૈદરાબાદ, રાજસ્થાન અને ચેન્નઈ રોકાયેલી છે અને તેમની વચ્ચે આઠ મે સુધી મુકાબલા થવાના છે.

cricket news sports news kolkata knight riders royal challengers bangalore ipl 2021