ભારતીય મહિલા ટીમને બીજી બ્રિટિશ ટીનેજર નડીઃ સિરીઝમાં ૧-૨થી હાર

17 September, 2022 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૉપ ઑર્ડર ફેલ થતાં ભારતનો પરાજય : એક તબક્કે ભારતે ગુમાવી હતી ૩૫ રનમાં પાંચ વિકેટ

ભારત સામેની સિરીઝમાં ઇંગ્લૅન્ડની લેગ-સ્પિનર સારા ગ્લેનની ૬ વિકેટ તમામ બોલર્સમાં હાઇએસ્ટ હતી. ભારતની ઑફ-સ્પિનર સ્નેહ રાણા પાંચ વિકેટ સાથે બીજા નંબરે હતી. બૅટર્સમાં ઇંગ્લૅન્ડની સોફિયા ડન્ક્લી (૧૧૫ રન) પ્રથમ અને સ્મૃતિ મંધાના (૧૧૧) બીજા સ્થાને હતી.

બ્રિસ્ટલમાં ગુરુવારે ઇંગ્લૅન્ડની મહિલા ટીમ સામેની ત્રીજી અને નિર્ણાયક ટી૨૦માં ભારતીય ટીમનો ૭ વિકેટે પરાજય થયો એ માટે ટૉપ-ઑર્ડરની બૅટર્સની નિષ્ફળતા જવાબદાર છે. ટોચની તમામ પાંચેપાંચ બૅટર્સમાંથી એકેય ખેલાડી ૧૦ રન પણ ન બનાવી શકી જેને લીધે ભારતનો સ્કોર ૨૦મી ઓવરના અંતે ૮ વિકેટે ફક્ત ૧૨૨ રન હતો. ભારતીય બોલર્સે આટલો નાનો લક્ષ્યાંક ડિફેન્ડ કરવા તનતોડ મહેનત કરી હતી જેને લીધે બ્રિટિશ ટીમની જીત છેક ૧૯મી ઓવર સુધી લંબાઈ ગઈ હતી. ઍમી જોન્સની ટીમે ૧૮.૨ ઓવરમાં ૩ વિકેટે ૧૨૬ રન બનાવીને વિજય મેળવ્યો હતો. એમાં ઓપનર સોફિયા ડન્ક્લીના ૪૯ રન સૌથી હાઇએસ્ટ હતા, પરંતુ ૧૮ વર્ષની ઍલીસ કૅપ્સીએ ૨૪ બૉલમાં ૬ ફોરની મદદથી જે અણનમ ૩૮ રન બનાવ્યા એ બદલ તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
મંગળવારે ૧૩ સપ્ટેમ્બરે શ્રેણીની બીજી મૅચમાં ૧૭ વર્ષની ફ્રેયા કેમ્પ (૫૧ અણનમ, ૩૭ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) ખૂબ સારું રમી હતી, પરંતુ સ્મૃતિ મંધાનાના અણનમ ૭૯ રનની મદદથી ભારતે એ મૅચ જીતીને શ્રેણી ૧-૧થી લેવલ કરી હતી. જોકે ગુરુવારે ખરા સમયે જ ભારતનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ જતાં હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ સિરીઝની ટ્રોફી ગુમાવવી પડી. મંધાના માત્ર ૯ રન બનાવી શકી, જ્યારે શેફાલી વર્મા (૫), સબ્ભીનેની મેઘના (૦), હરમનપ્રીત કૌર (૫) અને દયાલન હેમલતા (૦)ની નિષ્ફળતાને કારણે ટીમનો સ્કોર એક તબક્કે પાંચ વિકેટે ફક્ત ૩૫ રન હતો. દીપ્તિ શર્મા (૨૪) અને વિકેટકીપર રિચા ઘોષ (૩૩) તથા પૂજા વસ્ત્રાકર (૧૯ અણનમ)ની ઇનિંગ્સ ટીમને મોટો સ્કોર નહોતી અપાવી શકી. વિશ્વની નંબર-વન બોલર સૉફી એકલ્સ્ટને પચીસ રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને તેને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

હવે બન્ને દેશ વચ્ચે આવતી કાલે પ્રથમ વન-ડે રમાશે. આ સિરીઝ પણ ત્રણ મૅચની છે.

cricket news sports news sports