22 January, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુર્યકુમાર યાદવ
ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની T20 ઇન્ટરનૅશનલ સિરીઝની શરૂઆતની પૂર્વસંધ્યાએ જ્યારે T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે શું તે ચૅમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્થાન ન મળવાથી નિરાશ છે ત્યારે તેણે કહ્યું કે ‘કોઈ કેમ નિરાશ થશે? જો હું (વન-ડેમાં) સારું
પ્રદર્શન કરીશ તો મને ટીમમાં સ્થાન મળશે. જો હું સારું નહીં કરું તો આવું બનશે નહીં. આ સ્વીકારવામાં કોઈ નુકસાન નથી. જો તમે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરાયેલી ટીમ જુઓ તો એ શાનદાર છે. આ ટીમમાં જે પણ છે, તેઓ સારું પ્રદર્શન કરનારા પ્લેયર્સ છે. તે બધાએ આ ફૉર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને હું તેમના માટે ખૂબ જ ખુશ છું. મને દુ:ખ છે કે મેં આ ફૉર્મેટમાં સારું પ્રદર્શન કર્યું નથી. જો મેં સારું પ્રદર્શન કર્યું હોત તો હું એ ટીમમાં હોત.’
૩૪ વર્ષના સૂર્યકુમાર યાદવે છેલ્લે ૨૦૨૩ની ૧૯ નવેમ્બરે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમી હતી. ત્યાર બાદ તે વન-ડે ફૉર્મેટની ઇન્ટરનૅશનલ મૅચ રમી શક્યો નથી. તે T20 ફૉર્મેટ જેવું પ્રદર્શન વન-ડે ફૉર્મેટમાં કરવામાં સફળ નથી રહ્યો. તેણે ૩૭ વન-ડે મૅચમાં ૨૫.૭૬ની સરેરાશથી ૭૭૩ રન બનાવ્યા છે.