ભારત-બાંગ્લાદેશ પહેલીવાર રમશે ડે-નાઇટ ટેસ્ટ મેચ, કોલકત્તામાં રમાશે મેચ

29 October, 2019 08:25 PM IST  |  Mumbai

ભારત-બાંગ્લાદેશ પહેલીવાર રમશે ડે-નાઇટ ટેસ્ટ મેચ, કોલકત્તામાં રમાશે મેચ

સૌરવ ગાંગુલી (File Photo)

Mumbai : સૌરવ ગાંગુલીના આવ્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ ઘણું એક્ટીવ થઇ ગયું છે અને એક પછી એક સારા નિર્ણયો થઇ રહ્યા છે. ત્યારે જેની ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી તે ડે-નાઇટ મેચને લઇને ભારતીય ક્રિકેટ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. સૌરવ ગાંગુલીએ પોતાના હોમ ટાઉન કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર ડે-નાઇટ મેચ રમાડવાની જાહેરાત કરી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 થી 26 નવેમ્બર દરમ્યાન શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે.


બંને ટીમો પહેલીવાર ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે
ઉલ્લેખનીય છે કે બન્ને દેશોની આ પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ નિર્ણયને વધાવી લેતા સૌરવ ગાંગુલીએ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટને આગળ વધારવા માટે આ ખૂબ સારો મોકો છે. હું અને મારી ટીમ તેની શોધમાં હતા. તેના માટે વિરાટ કોહલીનો પણ આભાર કે તેઓ મારી વાતથી સહમત થયા.


ઓલિમ્પિક ખેલાડીઓને આમંત્રણ આપી શકાય છે
સૌરવ ગાંગુલીએ કહ્યું, ભારતની પહેલી ડે-નાઇટ ટેસ્ટ દરમિયાન ઓલિમ્પિક ખેલાડી અભિનવ બિન્દ્રા, મેરીકોમ અને પીવી સિંધુનો બોલાવીને સન્માનિત કરવા પર વિચાર થઇ રહ્યો છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ સીરીઝની પહેલી મેચ 16 નવેમ્બરે ઇન્દૌરમાં યોજાશે. બીજી મેચ 22 નવેમ્બરે કોલકાતામાં રમાશે.


ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ડે-નાઇટ ટેસ્ટ રમાઇ હતી
પહેલી ડે-નાઇટ ટેસ્ટ 2015માં એડિલેડ ઓવલ પર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. તેની શરુઆતના ચાર વર્ષ બાદ પણ અત્યાર સુધી વર્લ્ડ નંબર વન ટીમ ભારતે એક પણ ડે-નાઇટ ટેસ્ટ રમી નથી. ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરીઝ પહેલા બન્ને ટીમ વચ્ચે ટી-20ની સીરીઝ રમાશે. પહેલી મેચ 3 નવેમ્બરના રમાશે.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

ડે-નાઇટ ટેસ્ટ માટે ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રસ્તાવ ફગાવ્યો હતો
ડે-નાઇટ ટેસ્ટને લઇને ભારત પહેલા ગંભીર ન હતું. ગત વર્ષે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ ભારતે તેને ફગાવી દીધો હતો. તે સમયે કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી , સીઓએ, તેમજ બીસીસીઆઇ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ આ પ્રસ્તાવ પર અસહમતિ દર્શાવી હતી. ચૌધરીએ ત્યાર બાદ વેસ્ટઇન્ડિઝ સામે રાજકોટમાં ડે-નાઇટ ટેસ્ટ મેચનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ તે શક્ય થયું ન હતું.

cricket news sourav ganguly bangladesh team india