સિરીઝને જીવંત રાખવા ભારતીય મહિલા ટીમ પાસે આજે છેલ્લી તક

14 March, 2021 12:06 PM IST  |  Lucknow

સિરીઝને જીવંત રાખવા ભારતીય મહિલા ટીમ પાસે આજે છેલ્લી તક

મિતાલી રાજે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ દરમ્યાન ૧૦,૦૦૦ ​ઇન્ટરનૅશનલ રન પૂરા કર્યા જેનું તેણે કેક કાપીને ટીમ સાથે સેલિબ્રેશન કર્યું. આઇસીસીએ આ ફોટો પોતાના ટ્‍વિટર અકાઉન્ટ પર અપલોડ કર્યો છે.

ભારત-સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમ વચ્ચે આજે પાંચ વન-ડે મૅચની સિરીઝમાંથી ચોથી મૅચ રમાવાની છે. સાઉથ આફ્રિકા આ સિરીઝમાં ૨-૧થી આગળ છે. ત્રીજી મૅચમાં છેલ્લી ઘડીએ વરસાદે વિઘ્ન પાડતાં ભારતે ડીએલએસ મેથડ દ્વારા ૬ રને હાર જોવી પડી હતી. સિરીઝમાં જીવંત રહેવા ભારતે આજની મૅચ જીતવી અત્યંત આવશ્યક છે. જો એ આજની મૅચમાં કમબૅક કરીને સિરીઝ ૨-૨ની બરાબરીએ ન લાવી શકી તો સિરીઝમાં એનો પરાજય નિશ્ચિત છે.

લિઝેલ લીએ ત્રીજી વન-ડેમાં ૧૩૨ રનની અણનમ ઇનિંગ્સ રમીને ભારતીય પ્લેયર્સને હેરાન કર્યા હતા. આ ઉપરાંત ભારતીય ટીમ છેલ્લી મૅચમાં છેલ્લા ૩૦ બૉલમાં માત્ર ૨૭ રન જ બનાવી શકી હતી. ડેથ ઓવરમાં નોંધનીય પ્રદર્શન કરવા પર ટીમે ધ્યાન આપવું પડશે, જે તેમને વર્લ્ડ કપની તૈયારી માટે પણ મદદરૂપ બની રહેશે. હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ પણ પોતાનું દમદાર પ્રદર્શન કરવું પડશે. ઝુલન ગોસ્વામી વેધક બોલિંગને લીધે મહેમાન ટીમને હેરાન કરવામાં સફળતા મેળવી રહી છે અને એના આધારે આજની મૅચમાં પણ ટીમને તેની પાસેથી સારી અપેક્ષા રહેશે. ત્રણ મૅચમાં તેણે કુલ આઠ વિકેટ મેળવી છે.

indian womens cricket team mithali raj