પેરન્ટ્સ જો સ્પોર્ટ્‍સને મહત્ત્વ આપશે તો ભારત અનેક ચૅમ્પિયન પેદા કરશે: કપિલ

19 May, 2022 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે કહ્યું કે બાળકોને તેમનાં મમ્મી-પપ્પા ડૉક્ટર, સાયન્ટિસ્ટ્સ અને એન્જિનિયર્સ બનાવવા ઇચ્છતાં હોય છે; પરંતુ એમાં હવે સ્પોર્ટ્‍સપર્સનનો પણ ઉમેરો કરવો જોઈએ

ન્યુ યૉર્કમાં કૉન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયાના કાર્યક્રમ દરમ્યાન કપિલ દેવ.

ભારતના ક્રિકેટ લેજન્ડ અને ૧૯૮૩ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના કૅપ્ટન કપિલ દેવનું માનવું છે કે ભારતમાં પેરન્ટ્સ જો ખેલકૂદને વધુ મહત્ત્વ આપતા થશે તો આવનારાં વર્ષોમાં ભારત વિવિધ રમતોમાં વધુ ને વધુ ચૅમ્પિયન પેદા કરતું થશે.
ભારતની સ્વતંત્રતાને પૂરાં થયેલાં ૭૫ વર્ષના પ્રસંગે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ન્યુ યૉર્કમાં કૉન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા મંગળવારે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કપિલ દેવ માનદ અતિથિ તરીકે ઉપસ્થિત હતા. રવિવારે ભારતે બૅન્ગકૉકના થોમસ કપમાં પહેલી જ વાર ફાઇનલમાં પહોંચ્યા બાદ એમાં ૧૪ વાર ચૅમ્પિયન બનેલા ઇન્ડોનેશિયાને ૩-૦થી પરાસ્ત કરીને ઐતિહાસિક ટ્રોફી જીતી લીધી એને ધ્યાનમાં રાખીને કપિલ દેવે મહેમાનોને સંબોધતાં કહ્યું કે ‘છેલ્લાં થોડાં વર્ષોમાં ખેલકૂદ પ્રત્યે ભારતીય પેરન્ટ્સની માનસિકતા બદલાઈ છે, પરંતુ હજી ઘણો બદલાવ જરૂરી છે.’
પેરન્ટ્સનો નવો દૃષ્ટિકોણ જરૂરી
કપિલ દેવે ભારપૂર્વક કહ્યું હતું કે ‘હું માનું છું કે ખેલકૂદ પ્રત્યે બાળકોનો નહીં, પણ તેમનાં મમ્મી-પપ્પાનો તથા વાલીઓનો દૃષ્ટિકોણ બદલાય એ જરૂરી છે. સામાન્ય રીતે અમે વધુ ડૉક્ટર્સ, સાયન્ટિસ્ટ્સ કે એન્જિનિયર્સ પેદા કરતા હોઈએ છીએ, કારણ કે પેરન્ટ્સ ઇચ્છતા હોય છે કે તેમનાં સંતાનો આવા પ્રોફેશનલ્સ બને. જોકે પેરન્ટ્સ જો પોતાના બાળકને સ્પોર્ટ્‍સપર્સન બનાવવા ઇચ્છશે તો અમારો દેશ વધુ ને વધુ ચૅમ્પિયન પેદા કરતો થઈ જશે.’
ભારતમાં એવું તે શું પરિવર્તન આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ખેલકૂદના તખ્તા પર વધુ ને વધુ ભારતીય સ્પોર્ટ્‍સપર્સન્સ ચમકતા જોવા મળી રહ્યા છે? એવા પીટીઆઇના સવાલના જવાબમાં કપિલ દેવે આ મંતવ્ય આપ્યાં હતાં.
વિદેશો સાથેની તુલનાનું ઉદાહરણ
ગ્રેટેસ્ટ ઑલરાઉન્ડર્સમાં ગણાતા કપિલે દેવે ઉદાહરણ આપતાં કહ્યું, કે ‘મારી દીકરીએ જો ૧૦મા ગ્રેડની પરીક્ષા આપવાની હોય અને સાથે-સાથે જુનિયર ઇન્ડિયાની ટીમ વતી રમવાનું હોય તો હું તેને કહીશ કે જા, પહેલાં ભણવા પર ધ્યાન આપ. જોકે અમેરિકા કે યુરોપ કે ઑસ્ટ્રેલિયામાં આવો કિસ્સો બને તો પેરન્ટ્સ તેમના સંતાનને કહેશે કે આ વર્ષે ડ્રૉપ લઈ લે, દેશ વતી જુનિયર ટીમ વતી રમી લે અને આવતા વર્ષે પરીક્ષા આપજે. આ બાબતમાં અમારા દેશમાં આવી માનસિકતા નથી. હા, એમાં ધીમી ગતિએ બદલાવ જરૂર આવી રહ્યો છે અને એટલે જ મેં કહ્યું કે અમારા સમાજમાં બાળકો કરતાં તેમના પેરન્ટ્સે ખેલકૂદ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની વધુ જરૂર છે. હું નાનો હતો ત્યારે મારી સ્પોર્ટ્‍સ-કિટને સ્કૂલ-બૅગમાં સંતાડીને લઈ જતો અને ચૂપચાપ રમીને ઘરે પાછો આવતો. જોકે આજે ભારતમાં થોડો બદલાવ આવ્યો છે. ઘણા પેરન્ટ્સ પોતાનાં સંતાનોને સ્પોર્ટ્‍સમાં રુચિ જગાડવા અને આગળ વધવા પ્રેરણા આપી રહ્યા છે.’

kapil dev