સાઉથ આફ્રિકનો ત્રણ મહિનામાં પાછા ભારતમાં : આવતી કાલે પહેલી ટી૨૦

27 September, 2022 11:47 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટીમ ઇન્ડિયા ઘરઆંગણે ક્યારેય સાઉથ આફ્રિકનો સામે ટી૨૦ સિરીઝ નથી જીતી શકી, આવતી કાલે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મૅચ સાંજે ૭.૦૦ વાગ્યાથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

સાઉથ આફ્રિકનો હજી ત્રણ મહિના પહેલાં ભારતમાં ટી૨૦ સિરીઝ ૨-૨થી ડ્રૉ કરાવીને પાછા ગયા હતા, પરંતુ તેઓ જૂન મહિના પછી સપ્ટેમ્બરમાં ફરી ભારતના પ્રવાસે આવ્યા છે અને આવતી કાલે તેમની સામે તિરુવનંતપુરમમાં ત્રણ મૅચવાળી ટી૨૦ સિરીઝની પ્રથમ મૅચ રમાશે. બીજી મૅચ બીજી ઑક્ટોબરે ગુવાહાટીમાં અને ત્રીજી મૅચ ૪ ઑક્ટોબરે ઇન્દોરમાં રમાશે. આ ત્રણ મૅચ પછી સાઉથ આફ્રિકા સામે ત્રણ વન-ડે રમાશે અને પછી ભારતીયો ટી૨૦ વર્લ્ડ કપમાં રમવા ઑસ્ટ્રેલિયા જશે.

છેલ્લે જૂનમાં ટેમ્બા બવુમાના સુકાનમાં ભારત આવેલી સાઉથ આફ્રિકાની ટીમની ટીમ ઇન્ડિયા સામેની સિરીઝ ૨-૨થી ડ્રૉ ગઈ હતી, કારણ કે બૅન્ગલોરની પાંચમી મૅચ વરસાદને કારણે ચોથી જ ઓવરમાં અનિર્ણીત જાહેર કરવામાં આવી હતી.

સાઉથ આફ્રિકનોની ૨૦૧૯માં ભારતમાં ટી૨૦ સિરીઝ ૧-૧થી ડ્રૉ ગઈ હતી અને એ અગાઉ ૨૦૧૫માં સાઉથ આફ્રિકાએ ભારતમાં ૨-૦થી વિજય મેળવ્યો હતો. આ બધું જોતાં ભારતીયો ભારતમાં ક્યારેય સાઉથ આફ્રિકા સામે ટી૨૦ સિરીઝ નથી જીત્યા, પરંતુ હવે તેમને જીતવાનો સારો મોકો છે.

શમી હજી કોવિડ-પૉઝિટિવ

મોહમ્મદ શમી કોવિડ-19 પૉઝિટિવ હોવાને કારણે ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝમાં નહોતો રમ્યો. તે હજીયે કોરોનામુક્ત નથી થયો હોવાનું જાણવા મળ્યું છે. ગઈ કાલે બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું હતું કે ‘શમી હવે સાઉથ આફ્રિકા સામે કોઈક કારણસર નહીં રમે તો શાહબાઝ અહમદને અથવા ઉમરાન મલિકને રમવાનો મોકો મળશે.’ દીપક હૂડા પણ ડાઉટફુલ છે. શ્રેયસ ઐયરને સ્કવૉડમાં સમાવાયો છે.

તિરુવનંતપુરમમાં ટીમનું સ્વાગત

વિશ્વવિજેતા ઑસ્ટ્રેલિયાને ૨-૧થી હરાવ્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ગઈ કાલે તિરુવનંતપુરમ આવી પહોંચી ત્યારે એનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમના ખેલાડીઓને જોવા માટે ઍરપોર્ટની બહાર સેંકડો લોકો ભેગા થયા હતા.

sports news sports indian cricket team cricket news t20 international south africa