હર્લી ગાલાએ ફરી લીધી ત્રણ વિકેટ : ઇન્ડિયા અન્ડર-19ની ૨-૦થી સરસાઈ

30 November, 2022 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ મૅચની આ શ્રેણીમાં શરૂઆતથી જ ભારતીય ટીમનું વર્ચસ રહ્યું છે

ગઈ કાલની મૅચમાં હર્લી ગાલા. તસવીર અતુલ કાંબળે

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના એમસીએ ગ્રાઉન્ડ પર ગઈ કાલે ઇન્ડિયા વિમેન અન્ડર-19 ટીમે ન્યુ ઝીલૅન્ડ વિમેન અન્ડર-19 ટીમને સતત બીજી ટી૨૦માં હરાવીને ૨-૦થી સરસાઈ મેળવી લીધી હતી. પાંચ મૅચની આ શ્રેણીમાં શરૂઆતથી જ ભારતીય ટીમનું વર્ચસ રહ્યું છે અને ગઈ કાલે તો કમાલ જ થઈ ગઈ હતી. ભારતે ૬ વિકેટે ૧૭૬ રન બનાવ્યા પછી પ્રવાસી ટીમને ૧૫ ઓવરમાં ફક્ત ૬૬ રનમાં ઑલઆઉટ કરીને ૧૧૦ રનના તોતિંગ તફાવતથી હરાવી હતી.

ફરી પહેલી ત્રણેય વિકેટ હર્લીની

‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૨૦૨૨ની સીઝનની સુપરસ્ટાર હર્લી તન્મય ગાલાએ સતત બીજી મૅચમાં કાબિલેદાદ પર્ફોર્મ કર્યું હતું. રવિવારે ભારત વતી રમાયેલી કરીઅરની પહેલી જ મૅચમાં પોતાના પહેલા જ બૉલમાં વિકેટ લઈને ભારતીય મહિલા ક્રિકેટમાં નવો ઇતિહાસ રચનાર હર્લીએ એ દિવસે ૪ ઓવરમાં માત્ર ૧૮ રનના ખર્ચે ત્રણ વિકેટ લીધી હતી અને ગઈ કાલે ફક્ત ૩ ઓવરમાં ફરી ૧૮ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. એ દિવસે ન્યુ ઝીલૅન્ડની પહેલી ત્રણેય વિકેટ હર્લીએ લીધી હતી અને ગઈ કાલે પણ પ્રથમ ત્રણેય વિકેટ હર્લીના નામે લખાઈ હતી. ૧૭૭ રનના લક્ષ્યાંકનો સામનો કરનાર હરીફ ટીમની ઓપનર પ્રુ કૅટન (૦)ને હર્લીએ પોતાની પહેલી જ ઓવરના ત્રીજા બૉલમાં એલબીડબ્લ્યુમાં પૅવિલિયનભેગી કરી દીધી હતી.

અર્ચનાદેવીની પણ ત્રણ વિકેટ

જુહુમાં રહેતી વાગડ વીસા ઓસવાળ જૈન સમાજની હર્લીએ ત્યાર પછી પોતાની બીજી ઓવરમાં વનડાઉન બૅટર પેઇજ લૉગેનબર્ગ (૫)ને પોતાના જ બૉલમાં કૅચઆઉટ કર્યા બાદ ત્રીજી ઓવરમાં ઓપનર ઍબી જર્કેન (૧૪)ને પણ પોતાના જ બૉલમાં કૅચઆઉટ કરીને કિવી ટીમની છાવણીમાં હાહાકાર મચાવી દીધો હતો. હર્લીની ત્રણ ઓવરમાં ૧૧ ડૉટ-બૉલ હતા. રાઇટ-આર્મ ફાસ્ટ બોલર હર્લીની જેમ અર્ચનાદેવી પણ ઑલરાઉન્ડર છે અને તેણે ૧૫ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. મન્નત કશ્યપે બે અને જી. ત્રિશાએ એક વિકેટ લીધી હતી, પરંતુ શરૂઆતમાં ન્યુ ઝીલૅન્ડની ટીમને હર્લીએ ત્રણ આંચકા આપ્યા એટલે જ શ્વેતા સેહરાવતની ટીમની જીત આસાન થઈ ગઈ હતી.

ત્રિશાની સિક્સર સિરીઝની પ્રથમ

કૅપ્ટન-ઓપનર સેહરાવતે ટૉસ જીતીને બૅટિંગ લીધી ત્યાર બાદ તેના ૩૪ રન, જી. ત્રિશાના ૩૬ રન અને ઓપનર સૌમ્યા તિવારીના ૩૧ રનની મદદથી જ ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૧૭૬/૬નો પડકારરૂપ સ્કોર નોંધાવી શકી હતી. સિરીઝની પ્રથમ સિક્સર ત્રિશાએ ફટકારી હતી. સાતમા નંબરે બૅટિંગમાં મોકલવામાં આવ્યા બાદ હર્લીએ ફક્ત ૭ બૉલમાં બે ફોરની મદદથી ૧૩ રન બનાવ્યા હતા અને તે રનઆઉટ થઈ ગઈ હતી. તેણે એક્સ્ટ્રા રન લેવા જતાં પોતાની વિકેટનું બલિદાન આપી દીધું હતું. વિકેટકીપર હ્રિશિતા બાસુએ ૨૧ અને શિખાએ ૧૫ રન બનાવ્યા હતા. ઍમી હકર અને કેયલી નાઇટે બે-બે વિકેટ લીધી હતી.

હવે આવતી કાલે બીકેસીમાં શરદ પવાર ક્રિકેટ ઍકૅડેમીના જ ગ્રાઉન્ડ પર સિરીઝની ત્રીજી મૅચ રમાશે.

sports news sports cricket news u-19 world cup