રહાણે અને વિહારીના હાથમાં ઇન્ડિયાની ઇજ્જત

24 February, 2020 12:43 PM IST  |  Wellington

રહાણે અને વિહારીના હાથમાં ઇન્ડિયાની ઇજ્જત

ઇન્ડિયાની પહેલી ઇનિંગમાં બૅટિંગ નબળી હતી અને બીજી ઇનિંગમાં પણ નબળી પુરવાર થઈ શકે છે. જોકે ઇન્ડિયાની ઇજ્જત હાલમાં અજિંક્ય રહાણે અને હનુમા વિહારીના હાથમાં છે. બીજા દિવસના અંતે ન્યુ ઝીલૅન્ડની ટીમ પાંચ વિકેટના નુકસાને ૨૧૬ રન કરીને બૅટિંગમાં હતી અને ત્રીજા દિવસે તેઓ ૩૪૮ રન પર ઑલઆઉટ થયા હતા. બીજા દિવસના અંતે બી. જે.

વૉટ્લિંગ ૧૪ અને કૉલિન ડી ગ્રૅન્ડહોમ ચાર રન કરીને બૅટિંગમાં હતા. જોકે ગ્રૅન્ડહોમ ૪૩ રન કરી ગયો હતો. ત્યાર બાદ કાયલ જેમિસન અને ટ્રેન્ટ બોલ્ટે અદ્ભુત બેટિંગ કરી હતી. જેમિસને તેની ડેબ્યુ મૅચમાં ૪૪ રન કર્યા હતા અને બોલ્ટે પણ ૩૮ રન કર્યા હતા. ઇશાન્ત શર્માએ પાંચ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ એક-એક અને રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી.

ન્યુ ઝીલૅન્ડના ૩૪૮ના સ્કોર બાદ ઇન્ડિયાની ટીમ બીજી ઇનિંગ રમવા માટે આવી હતી. પહેલી ઇનિંગમાં મયંક અગરવાલે ૩૪ રન કર્યા બાદ બીજી ઇનિંગમાં તેણે ૫૮ રન કર્યા હતા. પૃથ્વી શૉ આ ઇનિંગમાં પણ નહોતો રમી શક્યો. ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી પણ તરત આઉટ થઈ ગયા હતા. અજિંક્ય રહાણે ૨૫ અને હનુમા વિહારી ૧૫ રને રમી રહ્યા છે. ઇન્ડિયાએ ત્રીજા દિવસના અંતે ચાર વિકેટે ૧૪૪ રન કર્યા છે. આપણે હજી ન્યુ ઝીલૅન્ડના સ્કોરથી ૩૯ રન પાછળ છીએ. બીજી ઇનિંગમાં ટ્રેન્ટ બોલ્ટે જોરદાર બોલિંગ કરી હતી. તેણે ચારમાંથી ત્રણ વિકેટ લીધી હતી અને એમાંની એક વિરાટ કોહલીની હતી. મૅચના ચોથા દિવસે ઇન્ડિયાની ટીમ શું રંગ લાવે છે એ જોવાનું રહ્યું.

કોહલીના રનરેટને કન્ટ્રોલ કરવાથી અમને ઘણો ફાયદો થયો : બોલ્ટ

ન્યુ ઝીલૅન્ડના સ્ટાર બોલર ટ્રેન્ટ બોલ્ટનું કહેવું છે કે વિરાટ કોહલીના રનરેટને કન્ટ્રોલ કરવાથી અમારી ટીમને ફાયદો થયો છે. ન્યુ ઝીલૅન્ડ સાથે બે ટેસ્ટ મૅચ ઇન્ડિયા રમી રહ્યું છે. પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં કોહલી બે રન કરીને આઉટ થયો હતો અને બીજી ઇનિંગમાં એટલે કે ગઈ કાલે બોલ્ટે તેને ૧૯ રને આઉટ કર્યો હતો. આ વિશે વાત કરતાં બોલ્ટે કહ્યું હતું કે ‘અમે જ્યારે પણ મિસ કરીએ છીએ ત્યારે કોહલી જોરદાર રમે છે અને બાઉન્ડરી મેળવે છે. અમારી વાત કરીએ તો અમે તેને બાઉન્ડરી મારવાથી અટકાવી રહ્યા હતા. પિચનો સારો ઉપયોગ કરીને શૉર્ટ બૉલ નાખવો એ સારો આઇડિયા હતો. તેના રનરેટને કન્ટ્રોલ રાખવાનું અમારા ફાયદામાં રહ્યું હતું.’

ajinkya rahane india new zealand cricket news sports news test cricket