ટી20 બાદ વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડ પર સરસાઈ મેળ‍વવા વિરાટસેના આતુર

05 February, 2020 01:39 PM IST  |  Hamilton

ટી20 બાદ વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડ પર સરસાઈ મેળ‍વવા વિરાટસેના આતુર

વિરાટ કોહલી

પાંચ ટી૨૦ મૅચની સિરીઝમાં ન્યુ ઝીલૅન્ડનો વાઇટ વૉશ કર્યા બાદ આજથી બન્ને ટીમ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે. વિરાટસેના ટી૨૦માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ફુલ કૉન્ફિડન્સમાં હશે એ વાત સ્વાભાવિક છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડની ટીમ પોતાની આગવી સ્ટ્રૅટેજી વાપરી મેદાનમાં ઊતરવાનો ઇરાદો રાખશે.

ટીમ ઇન્ડિયાનો ઓપનર રોહિત શર્મા ઈજાને કારણે વન-ડે સિરીઝમાંથી બહાર થયો છે અને તેના સ્થાને મયંક અગરવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિકેટકીપિંગની જવાબદારી લોકેશ રાહુલને જ સોંપવામાં આવી શકે છે. વિરાટસેનાના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહ ફરી એક વાર મહત્ત્વનો બોલર બની શકે છે.

સામા પક્ષે બે વન-ડે માટે સિરીઝમાંથી બહાર થયેલા કેન વિલિયમસનની ગેરહાજરીમાં ટીમની કમાન વિકેટકીપર ટોમ લૅધમના હાથમાં રહેશે. આંકડા પ્રમાણે છેલ્લાં છ વર્ષથી ન્યુ ઝીલૅન્ડ સામે ઇન્ડિયા એક પણ સિરીઝ હારી નથી અને આ વખતની સિરીઝ પણ શું તે ટી૨૦ની જેમ કબજે કરી શકે છે કે કેમ એ જોવા જેવું રહેશે. અત્યાર સુધી આ બન્ને ટીમ કુલ ૧૧૧ વાર આમને-સામને થઈ છે જેમાંથી પંચાવન મૅચ જીતવામાં ભારત અને ૪૬ મૅચ જીતવામાં ન્યુ ઝીલૅન્ડને સફળતા મળી છે. પાંચ મૅચો પરિણામ વિનાની રહી હતી, જ્યારે એક મૅચ ટાઈ અને ચાર મૅચ રદ કરવામાં આવી હતી. વર્લ્ડ કપ ૨૦૧૯ના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં આ બન્ને ટીમ વચ્ચેની મૅચ રદ કરવાનો વારો આવ્યો હતો, પણ સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડે ઇન્ડિયાને ૧૮ રનથી પરાજય આપ્યો હતો.

cricket news sports news virat kohli india new zealand