ન્યુ ઝીલૅન્ડના માઉન્ટ પર સૂર્યાનું સામ્રાજ્ય

21 November, 2022 01:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લાવારસ માટે જાણીતા માઉન્ટ મૉન્ગનુઈના મેદાન પર ભારતીય બૅટરનું જબરદસ્ત પાવરહિટિંગ : ૫૧ બૉલમાં ફટકાર્યા અણનમ ૧૧૧

સૂર્યકુમાર યાદવ

૩૬૦ ડિગ્રી શૉટ માટે જગવિખ્યાત સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સ પછીના બીજા ખેલાડી બૅટર તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવે (૧૧૧ અણનમ, ૫૧ બૉલ, સાત સિક્સર, અગિયાર ફોર) ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડમાં દરિયા નજીકના માઉન્ટ મૉન્ગનુઈ નામના ટાપુના મેદાન પર જબરદસ્ત ફટકાબાજીથી ભારતને યજમાન ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝની બીજી ટી૨૦માં વિજય અપાવ્યો હતો. ૧૯૨ રનના લક્ષ્યાંક સામે કિવીઓ ૧૮.૫ ઓવરમાં ૧૨૬ રનના સ્કોર પર જ આઉટ થઈ જતાં ભારતની ૬૫ રનથી જીત થઈ હતી અને સિરીઝમાં ૧-૦ની અપરાજિત સરસાઈ મેળવી લીધી હતી.

ઇતિહાસમાં જણાવાયા મુજબ માઉન્ટ મૉન્ગનુઈ ૩૦ લાખ વર્ષ પહેલાં ફાટેલા જ્વાળામુખીને લીધે જે લાવારસ ફેલાયો હતો એમાંથી આ પર્વત બન્યો હતો. સૂર્યકુમારે ગઈ કાલે કિવીઓની આંખો અંજાઈ જાય એવી રોશની પાથરી હતી અને કોઈકને તે લાવારસ જેવો પણ લાગ્યો હશે. તે ગઈ કાલે કાતિલ ફૉર્મમાં હતો. તેણે આતશબાજીમાં ઇચ્છા થઈ ત્યાંની બાઉન્ડરી લાઇનની બહાર બૉલને મોકલ્યો હતો. તેણે છેલ્લા ૬૪ રન માત્ર ૧૮ બૉલમાં ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક-રેટ ૨૧૭.૬૪નો હતો. ખરેખર તો સૂર્યાને આઉટ કરી શકાય એવી એકેય તરકીબ કિવી બોલરો પાસે બાકી નહોતી બચી.

ઓપનર રિષભ પંત (૧૩ બૉલમાં ૬ રન)ની વિકેટ પડ્યા બાદ વનડાઉનમાં આવેલા સૂર્યાએ ઓપનર ઇશાન કિશન (૩૬ રન, ૩૧ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાથે ૩૩ રનની, શ્રેયસ ઐયર (૯ બૉલમાં ૧૩ રન) સાથે ૩૯ રનની તેમ જ કૅપ્ટન હાર્દિક પંડ્યા (૧૩ બૉલમાં ૧૩ રન) સાથે ૮૨ રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમારને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

સાઉધીની બીજી હૅટ-ટ્રિકની ઐસીતૈસી

પીઢ પેસ બોલર ટિમ સાઉધી (૪-૦-૩૪-૩)એ ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં ગઈ કાલે બીજી વાર હૅટ-ટ્રિક નોંધાવી હતી અને આવી અપ્રતિમ સિદ્ધિ મેળવનાર લસિથ મલિન્ગા પછીનો બીજો બોલર બન્યો હતો. જોકે સાઉધીની બધી મહેનત કિવી ટીમની હાર થતાં પાણીમાં ગઈ હતી. સૂર્યા એક છેડો સંભાળીને ઊભો હતો ત્યારે સામા એન્ડ પર સાઉધીએ હાર્દિક (૧૯.૩), દીપક હૂડા (૧૯.૪) અને વૉશિંગ્ટન સુંદર (૧૯.૫)ની વિકેટ લીધી હતી.

લૉકીની ઓવરમાં સૂર્યા બેકાબૂ

સાઉધીની હૅટ-ટ્રિકવાળી ૨૦મી ઓવરની પહેલાંની ૧૯મી ઓવર ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસને કરી હતી જેમાં સૂર્યકુમારે જબરદસ્ત ફટકાબાજી (૪, ડૉટ બૉલ, ફોર, ફોર, ફોર, સિક્સ)માં બાવીસ રન ખડકી દીધા હતા અને કુલ સ્કોર ૧૬૪ પરથી ૧૮૬ પર પહોંચાડી દીધો હતો. લૉકીએ બે તથા ઇશ સોઢીએ એક વિકેટ લીધી હતી.

હૂડાની ૪ બૉલમાં ૩ વિકેટ

કિવી ટીમના ૧૨૬ રનમાં કૅપ્ટન કેન વિલિયમસન (બાવન બૉલમાં ૬૧)નું સૌથી મોટું યોગદાન હતું. જોકે એ પહેલાં ઇનિંગ્સના બીજા જ બૉલમાં ભુવનેશ્વરે ઓપનર ફિન ઍલનને આઉટ કરીને કિવીઓને શરૂઆતમાં જ ઝટકો આપ્યો હતો. વિલિયમસન અને કૉન્વે (બાવીસ બૉલમાં પચીસ રન) વચ્ચેની ૫૬ રનની ભાગીદારીને બાદ કરતાં આખી ટીમમાં બીજા કોઈનું મોટું યોગદાન નહોતું. બૅટિંગમાં ફ્લૉપ (૦) ગયેલા દીપક હૂડાએ બોલિંગમાં તરખાટ (૨.૫-૦-૧૦-૪) મચાવ્યો હતો. તે ૧૯મી ઓવરમાં હૅટ-ટ્રિક ચૂકી ગયો હતો, પરંતુ તેણે એ ઓવરમાં કુલ ચાર બૉલમાં ત્રણ વિકેટની અનેરી સિદ્ધિ મેળવી હતી.

સિરાજ તથા ચહલે બે-બે વિકેટ અને ભુવી અને વૉશિંગ્ટન સુંદરે એક-એક વિકેટ લીધી હતી.

કેબલના અસંખ્ય દર્શકો લાઇવ ટેલિકાસ્ટથી વંચિત

સામાન્ય રીતે ક્રિકેટ મૅચ કેબલ ટીવીની કોઈ પણ ચૅનલ પર લાઇવ જોવા મળતી હોય છે, પરંતુ ગઈ કાલે દેશના અસંખ્ય ક્રિકેટપ્રેમીઓને અનોખો અને કડવો કહેવાય એવો અનુભવ થયો હતો. મોટા ભાગના ડિજિટલ કેબલ પરની ચૅનલ પર ભારત-ન્યુ ઝીલૅન્ડની બીજી ટી૨૦ લાઇવ નહોતી, પરંતુ ઍમેઝૉનના પ્રાઇમ વિડિયો ઍપ પર લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ હતું. પરિણામે ક્રિકેટલવર્સને પોતાના ટીવી પર મૅચ લાઇવ નહોતી જોવા મળી અને એને બદલે તેઓ મોબાઇલ કે કમ્પ્યુટર પર કે આ ઍપ સાથે જોડાયેલા ટીવી પર જ જોઈ શક્યા હતા. જોકે ટેરેસ્ટ્રિયલ નેટવર્કને આધારે ડીડી સ્પોર્ટ્સ પર લાઇવ મૅચ ઉપલબ્ધ હતી.

2
સૂર્યકુમાર એક કૅલેન્ડર યરમાં બે ટી૨૦ સદી ફટકારનાર રોહિત પછીનો બીજો ભારતીય છે.

 

મને તો આ રીતે જ સ્ફોટક બૅટિંગ કરવી ગમે છે. હું નેટમાં પણ આ જ રીતે ફટકાબાજી કરતો હોઉં છું. હાર્દિકે મને છેક સુધી ક્રીઝ પર ટકી રહેવા કહેલું અને મને ખુશી છે કે હું એ પ્રમાણે કરી શક્યો. : સૂર્યકુમાર યાદવ

sports sports news indian cricket team cricket news t20 international