લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાવીસ વર્ષથી વન-ડે મૅચ નથી જીત્યું ભારત

19 July, 2026 10:35 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમને અહીં ૯ મૅચમાં ૪ જીત અને ૪ હાર મળી છે અને એક મૅચ ટાઇ રહી છે

હર્ષ દુબે

આજે ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝની અંતિમ અને નિર્ણાયક મૅચ ઐતિહાસિક લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. પહેલી વન-ડે મૅચ ભારતે ૬ વિકેટે અને બીજી વન-ડે મૅચ ઇંગ્લૅન્ડે ૪ વિકેટે જીતી હોવાથી ત્રીજી મૅચની વિજેતા ટીમ સિરીઝ પર કબજો કરશે.
ઇંગ્લૅન્ડની ટીમ લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૬૦ વન-ડે મૅચ રમી છે, એમાંથી ૨૯ મૅચમાં જીતી છે અને ૨૮ મૅચમાં હારી છે. બે મૅચ ટાઇ અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. અહીં ૨૦૨૫માં ઇંગ્લૅન્ડ પોતાની છેલ્લી મૅચ સાઉથ આફ્રિકા સામે પાંચ રને હાર્યું હતું. છેલ્લી જીત ૨૦૨૪માં ઑસ્ટ્રેલિયા સામે ૧૮૬ રને મળી હતી. 
ભારત આ મેદાન પર ૯ વન-ડે મૅચમાંથી ૪ મૅચ જીત્યું છે અને ૪ મૅચમાં હાર મળી છે, જ્યારે ૨૦૧૧માં એક મૅચ ટાઇ રહી હતી. ભારત આ મેદાન પર બાવીસ વર્ષથી એટલે કે ૨૦૦૪ પછી વન-ડે મૅચ જીત્યું નથી. ભારત અહીં છેલ્લે ઑગસ્ટ ૨૦૨૧માં ટેસ્ટ-મૅચ અને જાન્યુઆરી ૨૦૦૯માં T20 મૅચ જીત્યું હતું. 

ત્રીજી વન-ડે મૅચ માટે ભારતીય સ્ક્વૉડમાં વૉશિંગ્ટન સુંદરનું સ્થાન લેશે હર્ષ દુબે

ભારતીય મેન્સ સિલેક્શન કમિટીએ લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન-ડે માટે વૉશિંગ્ટન સુંદરના સ્થાને હર્ષ દુબેને ટીમમાં સામેલ કર્યો છે. કાર્ડિફમાં બીજી વન-ડે મૅચ દરમ્યાન વૉશિંગ્ટન સુંદરને જમણા પગમાં હૅમસ્ટ્રિંગમાં ઇન્જરી થઈ હોવાથી તે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. 
પુણેમાં જન્મેલા ૨૩ વર્ષના ડાબોડી સ્પિનર હર્ષ દુબેએ ભારત તરફથી જૂન મહિનામાં અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. તેણે બે વન-ડે મૅચમાં ૮૫ રન આપીને ૪ વિકેટ લીધી હતી. 

ભારતીય મેન્સ ટીમની લૉર્ડ્‍સમાં રમાયેલી વન-ડે મૅચોનાં રિઝલ્ટ

૧૯૭૫માં ​ઇંગ્લૅન્ડ સામે ૨૦૨ રને હાર 
૧૯૮૩માં વર્લ્ડ કપ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝને ૪૩ રને હરાવ્યું 
૨૦૦૨માં ઇંગ્લૅન્ડ સામે ૬ વિકેટે જીત 
૨૦૦૨માં ઇંગ્લૅન્ડ સામે બે વિકેટે જીત 
૨૦૦૪માં ઇંગ્લૅન્ડ સામે ૨૩ રને જીત 
૨૦૦૭માં ઇંગ્લૅન્ડ સામે ૭ વિકેટે હાર  
૨૦૧૧માં ઇંગ્લૅન્ડ સામેની મૅચ ટાઇ 
૨૦૧૮માં ઇંગ્લૅન્ડ સામે ૮૬ રને હાર 
૨૦૨૨માં ઇંગ્લૅન્ડ સામે ૧૦૦ રને હાર 

cricket news indian cricket team one day international odi sports sports news india england