મયંકની 243 રનની મેરેથોન ઇનીંગ, દિવસના અંતે ભારત 493/6

15 November, 2019 09:37 PM IST  |  Indore

મયંકની 243 રનની મેરેથોન ઇનીંગ, દિવસના અંતે ભારત 493/6

મયંક અગ્રવાલ અને રવિન્દ્ર જાડેજા (PC : BCCI)

ઇંદોરમાં ચાલી રહેલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ  મેચમાં મયંક અગ્રવાલની બેવડી સદીની મદદથી ટીમ ઇન્ડિયા મજબુત સ્થિતી પર પહોંચી ગયું છે. બીજા દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 60 રન અને ઉમેશ યાદવ 25 રને અણનમ છે. આમ આ સાથે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ પર 343 રનની લીડ મેળવી લીધી છે.


મયંક અગ્રવાલે ટેસ્ટમાં આઠમી બેવડી સદી ફટકારી
મયંક અગ્રવાલે પોતાના આઠમી ટેસ્ટમાં કરિયરની બીજી બેવડી સદી મારી હતી. તેણે 330 બોલમાં 28 ચોક્કા અને 8 છગ્ગાની મદદથી 243 રન કર્યા હતા. બાંગ્લાદેશ માટે અબુ જાયેદે 4 વિકેટ, જયારે એ હુસેન અને મહેંદી હસને 1-1 વિકેટ લીધી હતી.

એક દિવસમાં 200થી વધુ રન કરનાર મયંક અગ્રવાલ બીજો ભારતીય ક્રિકેટ બન્યો
વિરેન્દ્ર સહેવાગબાદ મયંક અગ્રવાલ બીજો ભારતીય ઓપનર બન્યો છે જેણે એક દિવસમાં 200થી વધુ રન ફટકાર્યા હોય. સહેવાગે આ સિદ્ધિ 3 વાર મેળવી હતી. તેમજ વિનુ માંકડ પછી એક સીઝનમાં બે બેવડી સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બન્યો છે. મયંક અગ્રવાલે પોતાની ઇનિંગ્સ દરમિયાન આઠ સિક્સ મારી હતી. તેણે ભારત માટે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ મારવાના મામલે નવજોતસિંહ સિદ્ધુની બરોબરી કરી છે. સિદ્ધુએ પણ 1994માં શ્રીલંકા સામે એક ઇનિંગ્સમાં આઠ સિક્સ મારી હતી.


જાણો, મયંકે બેડવી સદી ફટકાર્યા બાદ શું કહ્યું
બાંગ્લાદેશ સામે મયંક અગ્રવાલે બેવડી સદી ફટકાર્યા કહ્યું કે, "હું હંમેશા ટીમની જીતમાં મારુ યોગદાન આપવા માગું છું. આજે અજિંક્ય રહાણેએ મને ઇનિંગ્સ દરમિયાન ગાઈડ કર્યો હતો. તે એક સીનિયર ખેલાડી છે, અમારો પ્લાન સિમ્પલ હતો, અમારે એક પાર્ટનરશીપ બનાવવી હતી. વિકેટ બેટિંગ માટે સારી છે. સમાન ઉછાળ હોવાથી શોટ્સને વેલ્યુ મળે છે. અમે હજી ડિક્લેર કરવા અંગે વિચાર્યું નથી. જે રીતે જાડેજા અને યાદવ રમી રહ્યા છે, અમે મજબૂત સ્થિતિમાં છીએ અને આવતીકાલે બાંગ્લાદેશને વધુ દબાણ હેઠળ લાવવાનો પ્રયાસ કરીશું.

રવિન્દ્ર જાડેજાએ કરિયરની 14મી ફિફટી મારી
જાડેજાએ મયંકનો સાથ આપતા એક છેડો સાચવીને બેટિંગ કરી હતી. મયંકના આઉટ થયા પછી તેણે પણ બાંગ્લાદેશી બોલર્સને ચારેય બાજુ ફટકાર્યા હતા. જાડેજાએ પોતાના ટેસ્ટ કરિયરની 14મી ફિફટી મારી છે. તેણે 6 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 60* રન કર્યા છે. આઠમા ક્રમે બેટિંગ કરવા આવેલા ઉમેશ યાદવે જલસો કરાવતા 10 બોલમાં 1 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 25* રન કર્યા હતા. બંનેએ સાતમી વિકેટ માટે 19 બોલમાં 39 રનની પાર્ટનરશીપ કરી છે.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

અજિંક્ય રહાણેએ ટેસ્ટમાં ચાર હજાર રન પૂરા કર્યા
અજિંક્ય રહાણેએ ટેસ્ટમાં ચાર હજાર રન પૂરા કર્યા છે. તે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર 10મો ભારતીય બન્યો છે. રહાણેએ 4000નો આંક વટાવવા 104 ઇનિંગ્સ લીધી છે. સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણે પણ આ સિદ્ધિ મેળવવા આટલી જ ઇનિંગ્સ લીધી હતી. ત્રણેય આ સિદ્ધિ મેળવવા સૌથી વધુ ઇનિંગ્સ લેનાર બેટ્સમેનની યાદીમાં ચોથા સ્થાને છે. કપિલ દેવે 138, એમએસ ધોનીએ 116 અને દિલીપ વેંગસરકરે 114 ઇનિંગ્સ લીધી હતી. રહાણેએ આજે કરિયરની 21મી ફિફટી ફટકારી હતી. તેણે 172 બોલમાં 9 ચોક્કાની મદદથી 86 રન કર્યા હતા.

cricket news ravindra jadeja team india