પુજારાની ચાર વર્ષે ૧૯મી સદી, શુભમન ગિલની પહેલી સેન્ચુરી

17 December, 2022 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૧૩ના ટાર્ગેટ સામે બંગલાદેશ આજે જ ઝૂકી જાય તો નવાઈ નહીં

શુભમન ગિલ

ચટગાંવમાં બંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટ (સવારે ૯.૦૦ વાગ્યાથી)ના પહેલા દાવમાં ૧૦ રન માટે ૧૯મી સદી ચૂકી ગયેલા ચેતેશ્વર પુજારાએ ગઈ કાલે ત્રીજા દિવસે ૧૩૦ બૉલમાં ૧૩ ફોરની મદદથી સદી (૧૦૨ અણનમ) પૂરી કરીને બે દિવસ પહેલાંની અધૂરી ઇચ્છા તરત પૂરી કરી હતી. તેણે ૧૮મી સદી (૧૯૩) જાન્યુઆરી ૨૦૧૯માં સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામે ફટકારી હતી. તેની સાથે વિરાટ ૧૯ રને અણનમ રહ્યો હતો.

પુજારાને આ યાદગાર ઇનિંગ્સમાં ઓપનર શુભમન ગિલ (૧૧૦ રન, ૧૫૨ બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર)નો સારો સાથે મળ્યો હતો. તેની ટેસ્ટમાં આ પહેલી જ સદી હતી. ટીમના ૭૦ રનના સ્કોર પર રાહુલ (૨૩ રન) આઉટ થયા બાદ ગિલ સાથે પુજારા જોડાયો હતો અને બીજી વિકેટ માટે ૧૧૩ રનની પાર્ટનરશિપ થઈ હતી.

ભારતે બંગલાદેશને જીતવા ૫૧૩ રનનો લક્ષ્યાંક આપ્યો છે. ૪૧૮/૭ રનનો વેસ્ટ ઇન્ડીઝનો સફળ ચેઝનો વિશ્વવિક્રમ જોતાં બંગલાદેશ માટે ૫૧૩ રન અસંભવ છે, પરંતુ ક્રિકેટમાં કંઈ પણ બની શકે છે. આજે ચોથો દિવસ છે, બંગલાદેશ પાસે તમામ ૧૦ વિકેટ બાકી છે અને ભારતે આપેલા લક્ષ્યાંક કરતાં એ ૪૭૧ રન પાછળ હતું. ભારતના પ્રથમ દાવના ૪૦૪ સામે બંગલાદેશના ૧૫૦ રન હતા. કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી હતી. ભારતના ૨૫૮/૨ ડિક્લેર્ડ સામે બંગલાદેશના ગઈ કાલે વિના વિકેટે ૪૨ રન હતા.

91
જાન્યુઆરી ૨૦૨૧માં રહાણેના સુકાનમાં ભારતે શુભમન ગિલના બીજા દાવના આટલા રન તથા પંતના અણનમ ૮૯ રનની મદદથી ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક ટેસ્ટ-વિજય મેળવ્યો હતો.

sports sports news cricket news india test cricket bangladesh cheteshwar pujara