સિડની ટેસ્ટમાં ભારતને વરસાદ અથવા ચમત્કાર જ બચાવી શકે

11 January, 2021 12:46 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

સિડની ટેસ્ટમાં ભારતને વરસાદ અથવા ચમત્કાર જ બચાવી શકે

ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચ એના પાંચમા અને અંતિમ દિવસે અત્યંત રોચક પરિસ્થિતિમાં પહોંચી ગઈ છે. ઑસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગ ૬ વિકેટ ગુમાવીને ૩૧૨ રને ડિક્લેર કરીને ભારત પર કુલ ૪૦૬ રનની લીડ લીધી હતી. આ વિશાળ લક્ષ્યને પ્રાપ્ત કરવા બીજી ઇનિંગમાં રમવા ઊતરેલી ઇન્ડિયન ટીમે દિવસના અંત સુધી બે વિકેટ ગુમાવીને ૯૮ રન બનાવી લીધા હતા. ટીમ ઇન્ડિયા હજી પણ ઑસ્ટ્રેલિયાના લક્ષ્યથી ૩૦૯ રન પાછળ છે એવામાં પિચ પર રમી રહેલા વન-ડાઉન પ્લેયર ચેતેશ્વર પુજારા અને કૅપ્ટન અજિંક્ય રહાણે પાસેથી ક્રિકેટપ્રેમીઓને સારી અને મોટી ઇનિંગ્સની આશા હશે. બીજી તરફ હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. મૅચના પહેલા દિવસે પણ વરસાદ પડ્યો હતો એથી ભારતે હિંમત રાખવી પડશે.

લબુશેન, સ્મિથ અને ગ્રીનની ત્રિપુટી ભારે પડી

ઑસ્ટ્રેલિયન ટીમે મૅચના ચોથા દિવસે ૧૦૩ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. માર્નસ લબુશેન રૂપે ટીમ ઇન્ડિયાને દિવસની પહેલી વિકેટ મળી હતી. લબુશેન ૧૧૮ બૉલમાં ૯ ચોગ્ગા ફટકારીને ૭૩ રને નવદીપ સૈનીનો શિકાર થયો હતો. સૈનીએ ત્યાર બાદ થોડી પળોમાં માત્ર ચાર રનના વ્યક્તિગત સ્કોર પર મૅથ્યુ વેડને શિકાર બનાવ્યો હતો. ત્યાર બાદ સ્ટીવ સ્મિથ અને કૅમરન ગ્રીને ટીમ ઇન્ડિયાની હાલત બગાડી નાખી હતી અને પાંચમી વિકેટ માટે ૧૦૪ રનની પાર્ટનરશિપ કરી હતી. સ્મિથને ૮૧ રનના સ્કોરે રવિચંદ્રન અશ્વિને એલબીડબ્લ્યુ કર્યો હતો. ગ્રીને પોતાના ટેસ્ટ ક્રિકેટ કરીઅરની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી. તેણે ૧૩૨ બૉલમાં આઠ ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી ૮૪ રન બનાવ્યા હતા. કૅપ્ટન ટિમ પેઇને નૉટઆઉટ ૩૯ રન બનાવ્યા હતા.

ટીમ ઇન્ડિયાની લડાયક ઇનિંગ

ઑસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ ૩૧૨ રને ડિક્લેર કર્યા બાદ રોહિત શર્મા અને શુભમન ગિલ ટીમ ઇન્ડિયાની ઓપનિંગ કરવા મેદાનમાં આવી પહોંચ્યા હતા. બન્નેએ પહેલી વિકેટ માટે ૭૧ રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ ૩૧ રન કરીને જ્યારે રોહિત શર્મા બાવન રન કરીને આઉટ થયો હતો. ચોથા દિવસનો ખેલ સમાપ્ત થયો ત્યાં સુધીમાં ચેતેશ્વર પુજારાએ ૯ અને અજિંક્ય રહાણેએ ૪ રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા હજી પણ પોતાના લક્ષ્યથી ૩૦૯ રન પાછળ છે એવામાં આ બન્ને અનુભવી પ્લેયર્સના પ્રદર્શન પર ટીમ ઇન્ડિયાની હાર-જીત ઘણો આધાર રાખે છે.

બુમરાહ થયો માયૂસ

નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં જસપ્રીત બુમરાહને એકમાત્ર કૅમરન ગ્રીનની વિકેટ મળી હતી. દિવસની શરૂઆતના બીજા જ બૉલમાં બુમરાહને માર્નસ લબુશેનની વિકેટ મળી શકતી હતી, પણ હનુમા વિહારીએ બૅકવર્ડ સ્ક્વેર લેગ પર તેનો કૅચ છોડી દીધો હતો. બુમરાહના રીક્શન જ બતાવતા હતા કે તે ફીલ્ડરોથી ખુશ નહોતો. રોહિત શર્માએ પણ બુમરાહની બોલિંગમાં સ્લીપમાં ટિમ પેઇનનો કૅચ છોડી દીધો હતો.

ખરાબ ફીલ્ડિંગનું પ્રદર્શન

બૉક્સિંગ ડે ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયન પ્લેયરોએ ટીમ ઇન્ડિયાના બૅટ્સમેનોના કૅચ છોડી તેમને અનેક જીવનદાન આપ્યાં હતાં અને સિડની ટેસ્ટમાં આ વખતે ભારતીય ટીમે એ જ પ્રકારે ઑસ્ટ્રેલિયન પ્લેયરોના કૅચ ડ્રૉપ કરી તેમને જીવનદાન આપ્યાં હતાં. સિડની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ કુલ ચાર કૅચ ડ્રૉપ કર્યા હતા. પહેલી ઇનિંગમાં રિષભ પંતે અશ્વિન અને સિરાજની બોલિંગમાં વિલ પુકોવ્સ્કીના બે કૅચ છોડી દીધા હતા, જ્યારે બીજી ઇનિંગમાં બુમરાહની બોલિંગમાં માર્નસ લબુશેન અને ટિમ પેઇનના કૅચ ઇન્ડિયન પ્લેયરોએ ડ્રૉપ કર્યા હતા.

સ્મિથના થયા ૭૪૪૯ ટેસ્ટ-રન

સિડની ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથે પહેલી અને બીજી ઇનિંગમાં અનુક્રમે ૧૩૧ અને ૮૧ રનની પારી રમીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના કુલ રનની સંખ્યાનો આંકડો ૭૪૪૯ સુધી પહોંચાડી દીધો છે. આટલા રન થતાં તે ઑસ્ટ્રેલિયાના ઑલટાઇમ હાઇ ટૉપ ૧૦ ટેસ્ટ પ્લેયર્સમાં સામેલ થયો હતો. તેણે ડેવિડ બૂને ટેસ્ટ ક્રિકેટમાં કરેલા ૭૪૨૨ રનને પાછળ મૂકીને આ યાદીમાં નવમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ યાદીમાં રિકી પૉન્ટિંગ ૧૩,૩૭૮ ટેસ્ટ રન સાથે ટોચના સ્થાને છે. આ સાથે સૌથી વધારે વખત ટેસ્ટ ક્રિકેટની પહેલી ઇનિંગમાં સેન્ચુરી અને બીજી ઇનિંગમાં હાફ સેન્ચુરી કરવાનું કીર્તિમાન પણ સ્મિથે રચ્યું હતું.

sports sports news cricket news test cricket