એક સમયે મેદાનમાં ઘાસ કાપતો નૅથન લાયન બન્યો 100 ટેસ્ટ રમનાર ખેલાડી

16 January, 2021 12:52 PM IST  | 

એક સમયે મેદાનમાં ઘાસ કાપતો નૅથન લાયન બન્યો 100 ટેસ્ટ રમનાર ખેલાડી

નૅથન લાયન

ગઈ કાલે મેદાનમાં પગ મૂકતાં જ ઑસ્ટ્રેલિયન સ્પિનર નૅથન લાયને ૧૦૦ ટેસ્ટનો લૅન્ડમાર્ક હાંસલ કરી લીધો છે. આવી કમાલ કરનાર તે છઠ્ઠો સ્પિનર અને ૧૩મો ઑસ્ટ્રેલિયન ખેલાડી બન્યો હતો. ઑસ્ટ્રેલિયન ટીમે ગઈ કાલે આ લૅન્ડમાર્ક પ્રસંગે તેને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. ઉપરાંત નાઇકી કંપનીએ આ પ્રસંગ માટે ખાસ તૈયાર કરેલાં શૂઝ તેને ભેટ આપ્યાં હતાં. શૂઝ પર ‘એનએલ100’ લખેલું હતું. લાયનને આ લૅન્ડમાર્ક ટેસ્ટમાં ચાર વિકેટ લઈને યાદગાર બનવાનો પણ મોકો છે. ચાર વિકેટ સાથે તે ૪૦૦ ટેસ્ટ-વિકેટનો લૅન્ડર્માક પણ હાંસલ કરી શકશે.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે લાયન એક સમયે મેદાનમાં પાણી છાંટવાનું અને ઘાસ કાપવાનું કામ કરતો હતો. લાયન યુવાન વયે ઘણા સમયથી ક્રિકેટ રમતો હતો, પણ તેને જોઈએ એવી સફળતા નહોતી મળતી. આથી કંટાળીને ઍડીલેડ ઓવલ મેદાનમાં ગ્રાઉન્ડ સ્ટાફની નોકરી કરવા લાગ્યો હતો, જ્યાં તેનું કામ પિચ અને ગ્રાઉન્ડ પર પાણી છાંટવાનું અને ઘાસ કાપવાનું હતું. ૨૦૧૦-’૧૧માં એક પ્રૅક્ટિસ મૅચ દરમ્યાન રેડબૅક્સ ટીમને એક બોલર ઓછો પડતાં લાયનને મોકો મળ્યો હતો. પહેલી ઓવરથી તેણે બધાને ચોંકાવી દીધા હતા. ત્યાર બાદ ૨૦૧૦-’૧૧ની બિગ બૅશમાં રમીને ૧૧ વિકેટ લઈ ચમક્યો અને ત્યાર બાદ તેની કરીઅરની ગાડી પૂરપાટ દોડવા લાગી અને ગઈ કાલે ૧૦૦ ટેસ્ટ રમનાર ખેલાડી પણ બની ગયો.

india australia cricket news sports news sports