ઇન્જર્ડ ટીમ ઇન્ડિયાનું મોટું ટેન્શન, ચોથી ટેસ્ટ માટે ફિટ અગિયાર ખેલાડીઓ

13 January, 2021 09:09 AM IST  |  New Delhi | Agency

ઇન્જર્ડ ટીમ ઇન્ડિયાનું મોટું ટેન્શન, ચોથી ટેસ્ટ માટે ફિટ અગિયાર ખેલાડીઓ

જસપ્રીત બુમરાહ

ત્રીજી ટેસ્ટ મૅચ લડાયક રીતે ડ્રૉ કરાવ્યા બાદ ટીમના કૅપ્ટન અજિંક્ય રહાણે અને કોચ રવિ શાસ્ત્રી સામે શુક્રવારથી શરૂ થતી ચોથી અને છેલ્લી ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયાને પરાસ્ત કરવાના ગેમ-પ્લાન ઘડવાને બદલે મેદાનમાં ક્યા ફિટ ખેલાડીઓને ઉતારીશું એનું ટેન્શન છે. સિરીઝ શરૂ થઈ એ પહેલાં રોહિત શર્મા અને ઇશાન્ત શર્મા રૂપે ઝટકો લાગ્યા બાદ ટેસ્ટ સિરીઝ શરૂ થયા બાદ દરેક મૅચ બાદ એક-બે ખેલાડીઓ ઇન્જરી લિસ્ટમાં સામેલ થતા જઈ રહ્યા છે. એથી હવે આ ચોથી અને છેલ્લી બ્રિસ્બેન ટેસ્ટ માટે ટીમ માટે ફિટ ૧૧ ખેલાડીઓને મેદાનમાં ઉતારવાનાં ફાંફાં પડી રહ્યાં છે. ત્રીજી ટેસ્ટમાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને મિડલ ઑર્ડર બૅટ્સમૅન હનુમા વિહારી ઘાયલ થઈને સિરીઝમાંથી આઉટ થઈ ગયા છે અને તેઓ લગભગ ઇંગ્લૅન્ડ સામે પણ રમી શકશે કે નહીં એ નક્કી નથી. વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત અને સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ઇન્જરી હાવા છતાં જબરી લડત આપીને ટીમને નિશ્ચિત હારના મુખમાંથી ઉગારી હતી. આ બધી ચિંતાઓ ઓછી હોય એમ ગઈ કાલે જસપ્રીત બુમરાહ અને મયંક અગરવાલ ઇન્જરીને લીધે ચોથી ટેસ્ટમાં નહીં રમી શકે એવા મોકાણના સમાચાર આવી પડ્યા છે. હવે તો ટીમ મૅનેજમેન્ટ માટે ગેમ-પ્લાનને તડકે મૂકીને જે પણ ફિટ છે તેનો સમાવેશ કરીને પ્લેઇંગ ઇલેવન તૈયાર કરવી પડશે. કોરોના પ્રોટોકોલને લીધે તરત ભારતમાંથી કોઈ ખેલાડીને ઑસ્ટ્રેલિયા પણ મોકલી શકાય એમ નથી એથી હવે ‘ફિટ છે તો આવી જાઓ રમવા’વાળી જ કરવી પડશે.

બુમરાહ-મયંકે કર્યા વધુ ઘાયલ

ભારતીય બોલિંગ અટૅકનો હુકમનો એક્કો જસપ્રીત બુમરાહ પેટની ઇન્જરીને લીધે ચોથી ટેસ્ટમાંથી આઉટ થઈ ગયો છે. આ સાથે દરેક ટેસ્ટ બાદ એક પેસબોલર બહાર ગયાનો સિલસિલો જળવાઈ રહ્યો છે. પહેલી ટેસ્ટ બાદ મોહમ્મદ શમી, બીજી ટેસ્ટ બાદ ઉમેશ યાદવ અને હવે ત્રીજી ટેસ્ટ બાદ બુમરાહ ટીમમાંથી બહાર થઈ ગયો છે. ત્રીજી ટેસ્ટ દરમ્યાન બુમરાહને બાઉન્ડરીલાઇન પાસે ફીલ્ડિંગ કરતી વખતે ઈજા થઈ હતી. મૅચ બાદ કરાવેલા સ્કૅનના રિપોર્ટમાં પેટના નીચેના ભાગમાં ઇન્જરી હોવાનું જણાયું હતું. ઇન્જરી ગંભીર નથીલ, પણ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં મૅનેજમેન્ટ કોઈ રિસ્ક લેવા માગતું ન હોવાથી બુમરાહને ચોથી ટેસ્ટમાં ન રમાડવાનો નિર્ણય લેવો પડ્યો છે. બુમરાહની જગ્યાએ ટી. નટરાજન ડેબ્યુ કરી શકે છે. જો આમ થશે તો છેલ્લી બે ટેસ્ટમાં પેસરના ડેબ્યુનો સિલસિલો પણ જળવાઈ રહેશે. બીજી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને ત્રીજી ટેસ્ટમાં નવદીપ સૈનીએ ટેસ્ટ કરીઅરની શરૂઆત કરી હતી.

બીજી તરફ નેટ-પ્રૅક્ટિસ વખતે ગ્લવ્ઝ પર બૉલ વાગતાં મયંક અગરવાલને સ્કૅન માટે મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો રિપોર્ટ આવવાનો બાકી છે. પ્રથમ બે ટેસ્ટમાં નબળા પર્ફોર્મન્સ બાદ ડ્રૉપ કરાયેલા મયંકને હનુમા વિહારી ઇન્જર્ડથતાં છેલ્લી ટેસ્ટમાં કમબૅકનો મોકો છે. જો રિપોર્ટમાં મામૂલી ઈજા હશે તો પણ મયંક રમશે એવું મનાઈ રહ્યું છે.

પંત-અશ્વિન ઇન્જરી છતાં રમી શકે છે

ત્રીજી ટેસ્ટમાં ઇન્જરી છતાં પંત અને અશ્વિને જબરી લડાયક ઇનિંગ્સ રમીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. પંતને બૅટિંગ વખતે કોણી પર બૉલ વાગ્યો હતો અને બીજી ઇનિંગ્સમાં તે કીપિંગ કરવા મેદાનમાં નહોતો ઊતર્યો અને સહાએ વિકેટકીપિંગ કર્યું હતું. જોકે છેલ્લે બૅટિંગ કરવા ઊતર્યો હતો અને ૯૭ રનની આક્રમક ઇનિંગ્સ રમીને કાંગારૂઓને ધોઈ નાખ્યા હતા. ચોથી ટેસ્ટમાં પણ પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવશે, પણ કદાચ સહાનો સમાવેશ કરીને તેની પાસે કીપિંગ કરાવાશે અને પંત બૅટ્સમૅન તરીકે રમશે.

અશ્વિનના દુખાવા વિશે તેની પત્નીએ વાત શૅર કરી ત્યારે બધાને ખબર પડી હતી. તેનો પીઠનો દુખાવો એટલો અસહ્ય હતો કે તે આખી રાત સૂઈ નહોતો શક્યો અને પોતાના બૂટની દોરી પણ નહોતો બાંધી શકતો. કેટલીક દવા અને ફિઝિયોથેરપી બાદ જ ટીમ ઇન્ડિયા અનુભવી અશ્વિનને લઈને બ્રિસ્બેન ટેસ્ટમાં ઊતરવા માગે છે.

ચોથી ટેસ્ટ માટે કોનો નંબર લાગશે
અજિંક્ય રહાણે (કૅપ્ટન), રોહિત શર્મા (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત, વૃદ્ધિમાન સહા, મયંક અગરવાલ, ચેતેશ્વર પુજારા, પૃથ્વી શૉ, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, રવિચન્દ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ.

ટેસ્ટ સિરીઝ દરમ્યાન ઇન્જર્ડ ઍન્ડ આઉટ

મોહમ્મદ શમી
ઍડીલેડ ટેસ્ટ મૅચમાં પૅટ કમિન્સનો શૉર્ટ બૉલ રમવા જતાં મોહમદ શમી જખમી થયો હતો જેને લીધે તેને બાકીની ત્રણેય ટેસ્ટમાંથી બહાર થવાનો વારો આવ્યો હતો. હાથમાં આવેલા ફ્રૅક્ચરને લીધે આવતા મહિને ઘરઆંગણે રમાનારી ઇંગ્લૅન્ડ સામેની શરૂઆતની બે ટેસ્ટ મૅચમાં શમી રમી શકશે કે નહીં એ શંકાસ્પદ છે.
ઉમેશ યાદવ
બૉક્સિંગ ડે ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ વખતે ઉમેશ યાદવને પગના સ્નાયુઓમાં ઈજા થતાં તેણે મેદાનની બહાર જવું પડ્યું હતું. નજીકના દિવસમાં રીહૅબિલિટેશન માટે તે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ) બૅન્ગલોર જશે. ઈજા ગંભીર નહીં હોય તો સંભવતઃ તે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ રમી શકશે.
હનુમા વિહારી
સિડની ટેસ્ટ મૅચના હીરો ગણાતા હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન બન્ને ઈજાગ્રસ્ત છે. વિહારીએ સિરિયસ હૅમસ્ટ્રિંગ ઇન્જરી (ગ્રેડ 2) થઈ હોવાને લીધે તે બ્રિસ્બેન ટેસ્ટ અને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
લોકેશ રાહુલ
લોકેશ રાહુલને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન કાંડામાં ઈજા થઈ હતી. ઇંગ્લૅન્ડ સિરીઝમાં રાહુલ રમી શકે એ માટે તેને તાબડતોબ રીહૅબ માટે ભારત મોકલવામાં આવ્યો હતો.
રવીન્દ્ર જાડેજા
સિડની ટેસ્ટમાં મિચેલ સ્ટાર્કના શૉર્ટ બૉલને લીધે રવીન્દ્ર જાડેજાને ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. સ્કૅન કર્યા બાદ ખબર પડી કે તેને અંગૂઠામાં ફ્રૅક્ચર છે. ગઈ કાલે તેણે આ ફ્રૅક્ચર માટે ઑપરેશન કરાવી લીધું હતું.

cricket news sports news india australia brisbane test cricket