ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત અને આતશબાજી સાથે અંત

26 September, 2022 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભુવનેશ્વરની ૧૮મી ઓવરમાં બન્યા ૨૧ રન

અક્ષર પટેલે ગઈ કાલે ૩૩ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

હૈદરાબાદમાં ગઈ કાલે ભારત સામેની ત્રીજી અને નિર્ણાયક ટી૨૦માં ઑસ્ટ્રેલિયાએ ડુ ઑર ડાઇની સ્થિતિમાં ધમાકેદાર શરૂઆત કરી હતી અને એની ઇનિંગ્સનો અંત પણ ફટકાબાજીથી ભરપૂર હતો. એને કારણે જ કાંગારૂઓ છેવટે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૬ રન બનાવીને ભારતને ૧૮૭ રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શક્યા હતા.

કૅમેરન ગ્રીન (બાવન રન, ૨૧ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને ઍરોન ફિન્ચ (૭ રન, ૬ બૉલ, એક ફોર) વચ્ચે ૪૪ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જૉશ ઇંગ્લિસ ૨૪ રન બનાવી શક્યો હતો, પરંતુ ટિમ ડેવિડ (૫૪ રન, ૨૭ બૉલ, ચાર સિક્સર, બે ફોર) પણ ભારતીય બોલર્સને ભારે પડ્યો હતો. ડેનિયલ સૅમ્સ (૨૮ અણનમ, ૨૦ બૉલ, બે સિક્સર, એક ફોર)નો પણ ટીમના ટોટલમાં મહત્ત્વનો ફાળો હતો. પ્રવાસી ટીમે છેલ્લી પાંચ ઓવરમાં ૬૩ રન બનાવ્યા હતા, જેમાંથી ૨૧ રન ભુવીની ૧૮મી ઓવરમાં બન્યા હતા. અક્ષર પટેલે ત્રણ તથા ભુવી, ચહલ, હર્ષલે એક-એક વિકેટ લીધી હતી.

ભુવનેશ્વર કુમાર પાછો ટીમમાં

રોહિત શર્માએ ટૉસ જીત્યા પછી આ નિર્ણાયક મૅચમાં ટાર્ગેટ ચેઝ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે ટીમમાં એક ફેરફાર કર્યો હતો. દીપક ચાહર ઈજાને લીધે નહોતો રમી શક્યો એટલે રિષભ પંતના સ્થાને ભુવનેશ્વર કુમારને ફરી ટીમમાં સ્થાન આપ્યું હતું. ડેથ ઓવર્સમાં નિરાશાજનક બોલિંગ કરવા બદલ ભુવી એશિયા કપના દિવસોથી ચર્ચામાં છે. ઑસ્ટ્રેલિયન ટીમે શૉન અબૉટને બદલે જૉશ ઇંગ્લિસને લીધો હતો.

sports news sports indian cricket team cricket news axar patel t20 international bhuvneshwar kumar