હર્લી ગાલા સૌપ્રથમ અન્ડર-19 વર્લ્ડ કપ ટીમમાં : પપ્પાને મળી ‘બેસ્ટ બર્થ-ડે ગિફ્ટ’

06 December, 2022 10:07 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકામાં આ વર્લ્ડ કપ ૧૪ જાન્યુઆરીએ શરૂ થશે

૧૬ વર્ષની હર્લીના પપ્પા તન્મય ગાલાનો ગઈ કાલે બર્થ-ડે હતો

‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની સુપરસ્ટાર ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર અને જુહુમાં રહેતી વાગડ વીસા ઓસવાળ જૈન સમાજની હર્લી ગાલાનો ગઈ કાલે જાહેર થયેલી સૌપ્રથમ આઇસીસી વિમેન્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સમાવેશ થયો છે. ૧૮ વર્ષની શેફાલી વર્મા ટીમની કૅપ્ટન નિયુક્ત થઈ છે. સાઉથ આફ્રિકામાં આ વર્લ્ડ કપ ૧૪ જાન્યુઆરીએ શરૂ થશે. આ જ ટીમ એ પહેલાં સાઉથ આફ્રિકા સામે ૧૭ ડિસેમ્બરથી રમાનારી ટી૨૦ સિરીઝમાં પણ રમશે અને એ ટીમમાં યશશ્રીનો પણ સમાવેશ છે.

આ પણ વાંચો : બીકેસીમાં ઇન્ડિયા વિમેન અન્ડર-19 ટીમ જીતીને હવે ૫-૦ની ક્લીન સ્વીપની નજીક

૧૬ વર્ષની હર્લીના પપ્પા તન્મય ગાલાનો ગઈ કાલે બર્થ-ડે હતો. હર્લીનાં મમ્મી ભાવિકાબહેને ‘મિડ-ડે’ને ગઈ કાલે કહ્યું કે ‘ભારતની અન્ડર-19 વિમેન્સ ટીમમાં સિલેક્ટ થયા વિશેની જાણ કરવા હર્લીએ અમને કૉલ કર્યો ત્યારે બેહદ ખુશ હતી. હર્લીને આ લેવલ સુધી પહોંચવા માટેની સૌથી વધુ પ્રેરણા તેના પપ્પા પાસેથી તેમ જ કોચ આઇવન રૉડ્રિગ્સ પાસેથી મળી છે. ટીમમાં થયેલી આ સિલેક્શન હર્લી તરફથી તેના પપ્પાને મળેલી બેસ્ટ બર્થ-ડે ગિફ્ટ છે.’

ભારતની વિમેન્સ અન્ડર-19 ટી૨૦ ટીમ : શેફાલી વર્મા (કૅપ્ટન), શ્વેતા સેહરાવત (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), જી. ત્રિશા, સૌમ્યા તિવારી, સોનિયા મેંધિયા, હર્લી ગાલા, રિશિતા બાસુ (વિકેટકીપર), સોનમ યાદવ, મન્નત કશ્યપ, અર્ચનાદેવી, પાર્શ્વી ચોપડા, તીતા સાધુ, ફલક નાઝ અને શબનમ એમ.ડી.

sports news sports cricket news