મેન્સ ક્રિકેટમાં ૪૮ મહિનામાં રમાશે ૭૭૭ મૅચ

18 August, 2022 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલ માટે હવે માર્ચ અને મેનો સમયગાળો ખાલી રહેશેઃ ટ્રાયેન્ગ્યુલર પાછી આવે છે

મુંબઈના ફંક્શનમાં રોહિત શર્મા વિથ ફૅમિલી : રોહિત શર્મા ગઈ કાલે ખારમાં લિન્કિંગ રોડ ખાતે એક નવા કલેક્શનના લૉન્ચિંગને લગતા ફંક્શનમાં અને પત્રકાર પરિષદ માટે આવ્યો ત્યારે તેની પત્ની રિતિકા અને પુત્રી સમાઇરા પણ જોવા મળ્યાં હતાં. કૅપ્ટન રોહિતે અત્યારે ક્રિકેટમાંથી નાનો બ્રેક લીધો છે. ૨૭ ઑગસ્ટથી યુએઈમાં રમાનારા ટી૨૦ એશિયા કપથી ફરી તે રમતો જોવા મળશે. : (તસવીર સતેજ શિંદે)

૨૦૨૩થી ૨૦૨૭ સુધીનાં ચાર વર્ષના (૪૮ મહિનાના) સમયગાળા દરમ્યાન પુરુષ ક્રિકેટરો કુલ મળીને ૭૭૭ ઇન્ટરનૅશનલ મૅચ રમશે એવી જાહેરાત આઇસીસી તરફથી ગઈ કાલે કરાઈ હતી. એની સરખામણીમાં આઇસીસીના વર્તમાન ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (એફટીપી)માં કુલ ૬૯૪ મૅચ છે. મંગળવારે આઇસીસીએ જાહેર કર્યું હતું કે આગામી ૩૬ મહિના દરમ્યાન વિશ્વભરની મહિલા ક્રિકેટરો કુલ ૩૦૧ મૅચ રમશે.

૨૦૨૩ના માર્ચમાં પહેલી વાર મહિલાઓની આઇપીએલ પણ રમાવાની હોવાથી હવેથી દર વર્ષે આઇપીએલ માટે એપ્રિલ-મેને બદલે માર્ચ-મેનો સમયગાળો ખાલી રાખવામાં આવશે. મેન્સ ક્રિકેટમાં જે ૭૭૭ આંતરરાષ્ટ્રીય મૅચ રમાવાની છે એ ભારત સહિત આઇસીસીના કુલ ૧૨ મેમ્બર દેશોની છે. એમાં કુલ ૧૭૩ ટેસ્ટ, ૨૮૧ વન-ડે અને ૩૨૩ ટી૨૦ સામેલ હશે.

વન-ડે, ટી૨૦ની ટ્રાય-સિરીઝો

ફુલ મેમ્બર રાષ્ટ્રો વચ્ચે હવે ફરીથી વન-ડે અને ટી૨૦ની ટ્રાયેન્ગ્યુલર સિરીઝો રમાશે.

ભારતની સિરીઝ હવે ઍશિઝ જેવી

૩૦ વર્ષમાં પહેલી વાર ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચેની બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં પાંચ ટેસ્ટ રમાશે. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે દર વખતે ઍશિઝમાં પાંચ ટેસ્ટ રમાતી હોય છે અને ભારત સાથેની ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-શ્રેણીને હવે ઍશિઝ જેવો દરજ્જો અપાયો છે. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લે ૧૯૯૧-’૯૨માં પાંચ ટેસ્ટની શ્રેણી રમાઈ હતી, જેમાં ઍલન બૉર્ડરના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વવાળી ભારતીય ટીમને ૪-૦થી હરાવી હતી.

વન-ડેના ભોગે ટી૨૦ મૅચો

વન-ડે ક્રિકેટ ખતરામાં છે જ ત્યાં અહેવાલ મળ્યો છે કે વધુ ટી૨૦ રમવાના ભારતના આગ્રહને કારણે જ ભારત આગામી ચાર વર્ષના સમયગાળામાં વધુમાં વધુ ત્રણ વન-ડેવાળી જ દ્વિપક્ષી સિરીઝો રમશે.

 

sports sports news indian cricket team international cricket council rohit sharma cricket news