ટીમ ઇન્ડિયાને ધોનીની કમી મહેસૂસ થઈ રહી છે

29 November, 2020 10:43 AM IST  |  New Delhi | Agency

ટીમ ઇન્ડિયાને ધોનીની કમી મહેસૂસ થઈ રહી છે

ધોની

એકથી એક સ્ટાર બૅટ્સમેનો હોવા છતાં વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગને લાગે છે કે ટીમ ઇન્ડિયાને મહેન્દ્ર સિંહ ધોનીની ટૅલન્ટ અને વ્યક્તિત્વની કમી નડી રહી છે. ધોનીના રિટાયરમેન્ટ બાદ પ્રથમ વન-ડે ઇન્ટરનૅશનલમાં ટીમ ઇન્ડિયાનો ઑસ્ટ્રેલિયા સામે ૬૬ રનથી પરાજય થયો છે.

શુક્રવારે ઑસ્ટ્રેલિયા સામે થયેલા ૬૬ રનથી પરાજય વિશે પોતાનો મત રજૂ કરતાં હોલ્ડિંગે કહ્યું કે ‘ભારત માટે એ રન ચેઝ કરવા અઘરા હતા. એક જે વાતની કમી ટીમ ઇન્ડિયાને નડી રહી છે એ છે મહેન્દ્ર સિંહ ધોનીની. ધોની ભારતના મિડલ બૅટિંગ ઑર્ડરમાં રમવા આવતો હતો અને સામાન્યપણે રન ચેઝ કરવાની બધી જવાબદારી પોતે ઉપાડી લેતો હતો. ધોની પહેલાં જ્યારે ટીમમાં હતો ત્યારે ઇન્ડિયા સારી રીતે રન ચેઝ કરી શકતું હતું. હાલમાં ટીમની જે બૅટિંગ લાઇનઅપ છે એ પણ ઘણી ટૅલન્ટેડ છે અને આપણે તેમને સારા શૉટ્સ પણ રમતા જોયા છે. હાર્દિક ખરેખર ઘણું સારું રમ્યો હતો, પણ હજી ધોનીની જેમ રમવાની તેને જરૂર છે. ફક્ત તેની ટૅલન્ટને નહીં, તેના દમદાર વ્યક્તિત્વને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે.’

ધોનીરાજમાં ટીમ ઇન્ડિયા ટાર્ગેટ ચેઝ કરવામાં ખૂબ કૉન્ફિડન્ટ હોવાનું કહીને હોલ્ડિંગે વધુમાં કહ્યું હતું કે ‘ખરું કહું તો ટીમ ઇન્ડિયા ત્યારે ટૉસ જીતીને હરીફને પહેલાં બૅટિંગ માટે આમંત્રણ આપવામાં ક્યારેય ગભરાતી નહીં, કેમ કે તેઓ જાણતા હતા કે ધોનીની ક્ષમતા શું છે અને બૅટિંગ વડે તે શું કમાલ કરી શકે છે. ટીમ ઇન્ડિયા જ્યારે રન ચેઝ કરવા મેદાનમાં ઊતરતી ત્યારે ક્યારેય ધોનીને ચિંતામાં નથી જોયો. એનું કારણ એ છે કે ધોનીને પોતાની ક્ષમતા પર ભરોસો હતો અને તેને ખબર હતી તે કેવી રીતે રન ચેઝ કરી શકાય. તેની સાથે બૅટિંગ કરનારને પણ હંમેશાં ધોની સપોર્ટ કરતો. ખરી રીતે મહેન્દ્ર સિંહ ધોની ચેઝ-માસ્ટર હતો.’

cricket news sports news ms dhoni india australia