ભારતે 30 રને બાંગ્લાદેશને હરાવી ટી20 શ્રેણી જીતી, દિપકની હેટ્રિક

10 November, 2019 10:40 PM IST  |  Nagpur

ભારતે 30 રને બાંગ્લાદેશને હરાવી ટી20 શ્રેણી જીતી, દિપકની હેટ્રિક

દિપક ચહરની હેટ્રિકની મદદથી ભારતે ત્રીજી ટી20 મેચ જીતી (PC : BCCI)

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝમાં ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતે શાનદાર પ્રદર્શનના આધારે મેચ 30 રને જીતી લીધી અને ટી20 શ્રેણી પર 2-1 થી કબ્જો કરી લીધો છે. 175 રનનો પીછો કરતાં બાંગ્લાદેશ 144 રન જ કરી શક્યું હતું. બાંગ્લાદેશ એક સમયે 2 વિકેટે 110 રન કર્યા હતા અને તેને જીત માટે 43 બોલમાં 65 રનની જરૂર હતી. જોકે તે પછી ભારતીય બોલર્સે મેચમાં વાપસી કરીને શાનદાર રીતે મેચ જીતી હતી. દિપક ચહરે પોતાનું કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 3.2 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે શફિઉલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન અને અમીનુલ ઇસ્લામને આઉટ કરીને હેટ્રિક લીધી હતી. તેનો સાથ આપતા શિવમ દુબે પણ 3 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ માટે મોહમ્મદ નઇમે સર્વાધિક 81 રન કર્યા હતા.


ભારતે પ્રથમ દાવમાં 174 રન કર્યા
ભારતે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને નિર્ણાયક ટી-20માં 20 ઓવરના અંતે 5 વિકેટે 174 રન કર્યા છે. ઓપનર્સ રોહિત શર્મા અને શિખર ધવન સસ્તામાં આઉટ થયા પછી લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરે બાજી સંભાળી હતી. ઐયરે 33 બોલમાં 3 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી પોતાના કરિયરની મેડન ફિફટી ફટકારતાં 62 રન કર્યા હતા. જયારે રાહુલે કરિયરની છઠી ફિફટી ફટકારતાં 35 બોલમાં 7 ચોક્કાની મદદથી 52 રન કર્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 59 રનની પાર્ટનરશીપ કરી હતી. બાંગ્લાદેશ માટે શફિઉલ ઇસ્લામ અને સૌમ્ય સરકારે 2-2 વિકેટ લીધી હતી.


આ પણ જુઓ : જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ

રિશભ પંતે ફરી લોકોને નિરાશ કર્યા
ઓપનર રોહિત શર્મા 2 રને એસ ઇસ્લામની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેના પછી શિખર ધવન પણ 19 રને ઇસ્લામનો જ શિકાર થયો હતો. તેણે 16 બોલમાં ચાર ચોક્કા માર્યા હતા. રિષભ પંતે ફરી એકવાર બેટથી નિરાશ કર્યા હતા. તે 9 બોલમાં 6 રને સૌમ્ય સરકારની બોલિંગમાં આઉટ થયો હતો. ઐયરનો શૂન્ય રને ઇસ્લામની બોલિંગમાં અમિનુલે સરળ કેચ છોડ્યો હતો. ઐયર અને રાહુલના આઉટ થયા પછી મનીષ પાંડેએ ફિનિશિંગ ટચ આપતા 13 બોલમાં 22 રન કર્યા હતા.

cricket news team india bangladesh