19 January, 2025 10:14 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમ પાંચ મૅચની T20 સિરીઝ અને ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમવા માટે ભારત આવી ચૂકી છે. ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન SA20 ટુર્નામેન્ટમાં હોવાથી તે સાઉથ આફ્રિકાથી સીધો કલકત્તા પહોંચ્યો હતો. જોસ બટલરના નેતૃત્વ હેઠળની ઇંગ્લૅન્ડની બાકીની ટીમ ટ્રેઇનિંગ કૅમ્પમાં હાજરી આપ્યા બાદ સાંજે દુબઈથી અહીં આવી હતી.
નીતીશ કુમાર રેડ્ડી, રિન્કુ સિંહ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા જેવા ભારતીય પ્લેયર્સ પોતાના શહેરથી ફ્લાઇટ પકડીને અહીં પહોંચ્યા છે. કલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે બાવીસ જાન્યુઆરીએ ઑલમોસ્ટ ત્રણ વર્ષ પછી પહેલી T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી છે. બન્ને ટીમો પ્રથમ મૅચ પહેલાં ત્રણ પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લેશે.