01 August, 2024 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિન્કુ સિંહ અને સૂર્યકુમાર યાદવ
T20 સિરીઝમાં જ્યારે લીડિંગ બોલર્સ ફેલ થઈ રહ્યા હતા ત્યારે ભારતીય ટીમના કેટલાક બૅટર્સે પહેલી વાર બોલિંગ કરીને વિકેટ અપાવી હતી. રિયાન પરાગ બાદ ભારતીય ટીમને સૂર્યકુમાર યાદવ અને રિન્કુ સિંહ તરીકે બે નવા પાર્ટ-ટાઇમ બોલર્સ મળ્યા છે. મંગળવારે શ્રીલંકાને જીત માટે જ્યારે ૧૮ બૉલમાં ૨૧ રનની જરૂર હતી ત્યારે ખલીલ અહમદે ૧૮મી ઓવરમાં પાંચ વાઇડ બૉલ સાથે ૧૧ બૉલ ફેંક્યા જેને કારણે ટાર્ગેટમાં ૧૨ રન ઓછા થયા હતા.
અંતિમ બે ઓવરમાં શ્રીલંકન ટીમને જીતવા માટે માત્ર ૯ રનની જરૂર હતી ત્યારે રિન્કુ સિંહ અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પહેલી વાર બોલિંગ કરવા ઊતર્યા. બન્નેએ સ્પિન બોલિંગ કરીને ચાર વિકેટ ઝડપીને માત્ર ૮ રન આપ્યા હતા. ૧૯મી ઓવર ફેંકનાર રિન્કુ સિંહે ત્રણ અને ૨૦મી ઓવર કરનાર સૂર્યકુમાર યાદવે પાંચ રન આપીને બે-બે વિકેટ ઝડપી હતી. સુપર ઓવરમાં વૉશિંગ્ટન સુંદરે બે વિકેટ ઝડપીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નવો હેડ કોચ ગૌતમ ગંભીર પોતાના નવા પાર્ટ-ટાઇમ બોલર્સના પ્રદર્શનથી ખુશ જોવા મળ્યો હતો.
ડ્રેસિંગ રૂમમાં રિન્કુ સિંહને મળ્યો બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ
શ્રીલંકા સામેની T20 સિરીઝમાં રિન્કુ સિંહ બૅટિંગમાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ ફીલ્ડર બનીને ઊભરી આવ્યો હતો. સારા કૅચિંગ ઉપરાંત રિન્કુ સિંહે જબરદસ્ત ગ્રાઉન્ડ ફીલ્ડિંગ કરી હતી અને એથી જ ફીલ્ડિંગ કોચ ટી. દિલીપે તેને બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ આપવાનું નક્કી કર્યું હતું.