IND vs NZ: કોહલીનો ફ્લૉપ શો 9 ઇનિંગ, 201 રન

24 February, 2020 12:43 PM IST  |  Wellington

IND vs NZ: કોહલીનો ફ્લૉપ શો 9 ઇનિંગ, 201 રન

વિરાટ કોહલી

વિરાટ કોહલી ગઈ કાલે ૧૯ રન કરીને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં આઉટ થતાં લોકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. કોહલીના ફ્લૉપ શોની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. તેણે છેલ્લી ૯ ઇનિંગમાં ટોટલ ૨૦૧ રન કર્યા છે જેમાં ફક્ત એક જ ફિફ્ટી છે. ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં તેણે ફક્ત બે રન કર્યા હતા અને બીજી ઇનિંગમાં ૧૯. મૅચની શરૂઆત પહેલાં ટ્રેન્ટે કહ્યું હતું કે તે ફક્ત વિરાટ કોહલી જેવા પ્લેયરની વિકેટ લેવા માટે ગેમ રમે છે અને તેણે એ કરી પણ દેખાડ્યું.

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ૪-૧થી હાર્યા બાદ વિરાટ કોહલી સારું પર્ફોર્મ નથી કરી રહ્યો. ઇંગ્લૅન્ડની ટૂર બાદ કોહલીએ ૭ ટેસ્ટમાં ૪૩૯ રન કર્યા છે અને તેની ઍવરેજ ૩૩ રન છે, જેમાં એક સેન્ચુરી અને ત્રણ ફિફ્ટીનો સમાવેશ છે. કોહલીની ઓવરઑલ ટેસ્ટ ઍવરેજ ૫૫ છે અને છેલ્લી કેટલીક મૅચમાં તે જોઈએ એવું પર્ફોર્મ નથી કરી રહ્યો. કોહલીએ ૨૦૧૮માં પર્થમાં ૧૨૩ રન કર્યા હતા અને છેલ્લાં બે વર્ષમાં વિદેશમાં એ તેનો સૌથી સારો પર્ફોર્મન્સ છે.

ભારત જ્યારથી ન્યુ ઝીલૅન્ડની ટૂર પર ગયું છે ત્યારથી વિરાટ કોહલી આઉટ ઑફ ફૉર્મ છે. તે ત્રણેય ઇન્ટરનૅશનલ ફૉર્મેટની ૯ ઇનિંગમાં ફક્ત ૨૦૧ રન કરી શક્યો છે અને એમાં ફક્ત એક જ ફિફ્ટી છે. ૨૦૧૯ના નવેમ્બરમાં બંગલા દેશ સામે તેણે કરેલા ૧૩૬ રન બાદ તે ૨૦ ઇનિંગમાં એક પણ વાર ત્રણ ડિજિટનો આંકડો પાર નથી કરી શક્યો.

કોહલીની ૧૧ વર્ષની કરીઅરમાં ત્રીજી વાર એવું બન્યું છે કે તે સતત ૨૦ ઇનિંગમાં સેન્ચુરી નથી મારી શક્યો. પહેલી વાર ૨૦૧૧ની ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં કોહલી સતત ૨૪ ઇનિંગમાં સેન્ચુરી નહોતો મારી શક્યો. ત્યાર બાદ ત્રણ વર્ષ પછી ૨૦૧૪ના ફેબ્રુઆરીથી ઑક્ટોબર દરમ્યાન તે ૨૫ ઇનિંગમાં એક પણ સેન્ચુરી નહોતો મારી શક્યો.

કોહલીના પર્ફોર્મન્સને લઈને તે પ્રૅક્ટિસ મૅચમાં કેમ નહોતો રમ્યો એ વિશે પણ ચર્ચા ચાલી રહી છે.

india new zealand mayank agarwal virat kohli cheteshwar pujara test cricket ravichandran ashwin