વિરાટ કોહલી સદી ચૂક્યો, પણ બે માઇલસ્ટોન પાર કર્યા

12 January, 2026 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડને ૪ વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી ભારતે : કિવીઓના ૩૦૦/૮ના સ્કોર સામે ૪૯ ઓવરમાં કર્યા ૩૦૬/૬

વિરાટ કોહલીએ શાનદાર ૯૩ રન ફટકાર્યા હતા.

ફાસ્ટેસ્ટ ૨૮,૦૦૦ ઇન્ટરનૅશનલ રન કરનારો બૅટર બન્યો એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય રનોનો ઢગલો કરવામાં શ્રીલંકાના કુમાર સંગકારાને પછાડીને બીજા નંબરે આવી ગયો

ગઈ કાલે વડોદરા જિલ્લાના કોટંબી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ભારતે ત્રણ વન-ડેની સિરીઝની પહેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડને ૪ વિકેટે હરાવીને ૧-૦થી લીડ મેળવી લીધી હતી. ન્યુ ઝીલૅન્ડે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૦૦ રન કર્યા હતા જેના જવાબમાં ભારતે ૪૯ ઓવરમાં ૬ વિકેટે ૩૦૬ રન કર્યા હતા. ૯૧ બૉલમાં ૯૩ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમીને વિરાટ કોહલી પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. વિરાટે ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૮,૦૦૦ રન કરવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આ સિદ્ધિ મેળવનારો તે દુનિયાનો ફાસ્ટેસ્ટ બૅટર છે. તેણે ૬૨૪ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે, જ્યારે સચિન તેન્ડુલકરે આ માઇલસ્ટોન ૬૪૪ ઇનિંગ્સમાં આંબ્યો હતો. વિરાટ ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સેકન્ડ હાઇએસ્ટ રન-સ્કોરર બની ગયો હતો. તેણે અત્યાર સુધી બીજા નંબરે રહેલા કુમાર સંગકારાના ૨૮,૦૧૬ના આંકડાને પાર કરી લીધો હતો. વિરાટના હવે ૨૮,૦૬૮ ઇન્ટરનૅશનલ રન થઈ ગયા છે. ૩૪,૩૫૭ રન સાથે સચિન તેન્ડુલકર આ યાદીમાં પહેલા નંબરે છે.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ માટે ઓપનર્સે ૧૩૦ બૉલમાં ૧૧૭ રનની પાર્ટનરશિપ કરીને મજબૂત શરૂઆત અપાવી હતી. ડેવોન કૉન્વેએ ૬૭ બૉલમાં ૬ ફોર અને એક સિક્સર ફટકારીને ૫૬ રન કર્યા હતા. તેના સાથી ઓપનર હેન્રી નિકોલ્સે ૬૯ બૉલમાં ૮ ફોરને આધારે ૬૨ રન ફટકાર્યા હતા. ચોથા ક્રમે રમીને ડેરિલ મિચલે પાંચ ફોર અને ૩ સિક્સરની મદદથી ૭૧ બૉલમાં સૌથી વધુ ૮૪ રન ફટકાર્યા હતા.

ભારત તરફથી ફાસ્ટ બોલર્સ મોહમ્મદ સિરાજે ૪૦ રન, પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૬૦ રન અને હર્ષિત રાણાએ ૬૫ રન આપીને ૨-૨ વિકેટ ઝડપી હતી. સ્પિનર્સના યુનિટમાં માત્ર કુલદીપ યાદવને સફળતા મળી હતી. તેણે બાવન રન આપીને એક વિકેટ મેળવી હતી. ફીલ્ડિંગ દરમ્યાન લૉન્ગ-ઑન પરથી ડાયરેક્ટ થ્રોની મદદથી કિવી કૅપ્ટન માઇકલ બ્રેસવેલને રન આઉટ કરીને વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર છવાઈ ગયો હતો.

ભારતે શરૂ કરેલી રન-ચેઝમાં પહેલી વિકેટ જલદી, ૩૯ રનના સ્કોર પર પડી ગઈ હતી. રોહિત શર્મા ૨૯ બૉલમાં માત્ર ૨૬ રન કરીને આઉટ થયો હતો, પણ તેણે ફટકારેલી બે સિક્સે તેને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૬૫૦ સિક્સ ફટકારનારો પહેલો બૅટર બનાવી દીધો હતો. ત્યાર બાદ કૅપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલી વચ્ચે ૧૧૮ રનની ભાગીદારી થઈ હતી. ગિલ ૭૧ બૉલમાં ૫૬ (બે સિક્સ, ત્રણ ફોર) કરીને આઉટ થયો હતો. કોહલી તેની ૫૪મી વન-ડે અને ૮૫મી ઇન્ટરનૅશનલ સદી ચૂકી ગયો હતો. તે ૨૩૪ રનના સ્કોર પર આઉટ થયો ત્યારે ભારતને હજી ૬૫ બૉલમાં ૬૭ રન કરવાના હતા. શ્રેયસ ઐયરે કરેલા ૪૭ બૉલમાં ૪૯ રન અને કે. એલ. રાહુલે ૨૧ બૉલમાં કરેલા ૨૯ રન છેલ્લે વિજયનૌકા પાર કરાવવામાં મદદરૂપ બન્યા હતા. રવીન્દ્ર જાડેજા માત્ર ૪ રન કરીને આઉટ થયો હતો.

સૌરવ ગાંગુલીને કયા રેકૉર્ડમાં પછાડ્યો કોહલીએ?

વિરાટ કોહલી ગઈ કાલે ભારત માટે ૩૦૯મી વન-ડે મૅચ રમવા ઊતર્યો હતો. ભારત માટે સૌથી વધુ વન-ડે મૅચ રમવા મામલે તેણે ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીના ૩૦૮ મૅચના રેકૉર્ડને તોડીને 
ટૉપ-ફાઇવમાં સ્થાન મેળવ્યું છે. વિરાટથી આગળ આ લિસ્ટમાં સચિન તેન્ડુલકર (૪૬૩ વન-ડે), એમ. એસ. ધોની (૩૪૭ વન-ડે), રાહુલ દ્રવિડ (૩૪૦ વન-ડે) અને મોહમ્મદ અઝહરુદ્દીન (૩૩૪ વન-ડે) છે.

sports news sports cricket news indian cricket team virat kohli new zealand test cricket