✕

હારેલી બાજીને વિજયમાં ફેરવી તિલકે અને નીતીશે

25 October, 2026 08:52 AM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

હારેલી બાજીને વિજયમાં ફેરવી તિલકે અને નીતીશે: ૩૧ બૉલમાં ૬૯ રન જોઈતા હતા ત્યારે બન્ને ભેગા થયા, એ પહેલાં નમન ધીરે પણ યોગદાન આપ્યું : વૈભવ સૂર્યવંશી ૮ બૉલમાં માત્ર ૪ રન કરી શક્યો

વિનિંગ શૉટ ફટકાર્યા બાદ જીતની ખુશી વ્યક્ત કરતાં તિલક વર્મા અને નીતીશ કુમાર રેડ્ડી

ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર શનિવારે રમાયેલી સિરીઝની બીજી T20 મૅચમાં તિલક વર્માના શાનદાર પર્ફોર્મન્સ અને છેલ્લી ક્ષણોમાં નીતીશ કુમાર રેડ્ડીની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સના જોરે ભારતે ન્યુ ઝીલેન્ડ સામે પરાજયની ગર્તામાંથી બહાર આવીને ૪ વિકેટે રોમાંચક વિજય નોંધાવ્યો હતો. આ જીત સાથે ભારતે પાંચ મૅચની સિરીઝમાં ૨-૦ની સરસાઈ મેળવી લીધી છે.

એક તબક્કે ભારતીય ટીમે ૧૦.૫ ઓવરમાં માત્ર ૭૦ રનમાં પાંચ વિકેટો ગુમાવી દીધી હતી. એ નાજુક સ્થિતિમાં તિલક વર્માએ ૨૬ બૉલમાં અણનમ ૫૧ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને મૅચનું પાસું પલટી નાખ્યું હતું. ભારતે ક્રાઇસ્ટચર્ચ ખાતે ન્યુ ઝીલેન્ડના ૧૮૧ રનના પડકારજનક ટાર્ગેટનો પીછો કરતાં એક બૉલ બાકી રાખીને શાનદાર વિજય હાંસલ કર્યો હતો. નીતીશ કુમાર રેડ્ડીએ ૧૩ બૉલમાં અણનમ ૨૬ રનનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું અને જેકબ ડફીની છેલ્લી ઓવરના પાંચમા બૉલ પર બે રન દોડીને ભારતને વિજય અપાવ્યો હતો.

આ ભારતીય જોડીના સાહસ સામે કિવી કપ્તાન મિચેલ સૅન્ટનર અને ગ્લેન ફિલિપ્સની મહેનત એળે ગઈ હતી. ધીમી પિચ પર સૅન્ટનરે ૨૧ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. આ મૅચ એ જ પિચ પર રમાઈ હતી જ્યાં પ્રથમ મુકાબલામાં ભારતે ૨૨૬ રન ચેઝ કર્યા હતા. જોકે આ વખતે વપરાયેલી સપાટી પરથી સ્પિનર્સને ભારે ટર્ન અને ઝડપી બોલર્સને સ્લોઅર બૉલ્સમાં મદદ મળી રહી હતી, જેના કારણે બૅટર્સ માટે રન બનાવવું મુશ્કેલ બન્યું હતું.

ટૉસ હારીને પ્રથમ બૅટિંગ કરતાં ન્યુ ઝીલેન્ડે ૫.૨ ઓવરમાં ૪૧ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ગ્લેન ફિલિપ્સે ૪૩ બૉલમાં ૭૦ રન અને બેવન જેકબ્સે ૪૬ બૉલમાં ૫૮ રન ફટકારીને ચોથી વિકેટ માટે ૧૧૬ રનની લડાયક ભાગીદારી કરીને ટીમને ૧૮૦/૫ના મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે ૩૩ રનમાં બે વિકેટ ઝડપી હતી.

૧૮૧ રનના ટાર્ગેટ સામે ભારતીય ઇનિંગ્સની શરૂઆત અત્યંત ધીમી રહી હતી. મૅટ હેનરીએ સંજુ સૅમસન સામે પહેલી ઓવર મેઇડન ફેંકી હતી. અભિષેક શર્માને બીજી ઓવરમાં નો-બૉલને કારણે જીવતદાન મળ્યું હતું. ભારતે ૪ ઓવરમાં ૩૭ રન બનાવી લીધા હતા, પરંતુ જેકબ ડફીએ સંજુ સૅમસન (૧૭ બૉલમાં ૧૪)ને અને નૅથન સ્મિથે વૈભવ સૂર્યવંશી (૮ બૉલમાં ૪)ને આઉટ કરીને ભારતને પ્રારંભિક ઝટકા આપ્યા હતા.

ત્યાર બાદ મિચેલ સૅન્ટનરે સ્પિનનો જાદુ ચલાવીને અભિષેક શર્મા (૨૧ બૉલમાં ૨૭)ને પૅવિલિયન ભેગો કર્યો હતો. અગિયારમી ઓવરમાં સૅન્ટનરે શ્રેયસ ઐયર (૧૧ બૉલમાં ૭) અને અક્ષર પટેલ (૯ બૉલમાં ૧૧)ને આઉટ કરતાં ભારતનો સ્કોર ૭૦/૫ થઈ ગયો હતો અને ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ફૉર્મમાં રહેલા ઑલરાઉન્ડર નમન ધીરે ૧૭ બૉલમાં ૩૧ રનની લડાયક ઇનિંગ્સ રમીને આશા જગાવી હતી, પરંતુ સૅન્ટનરે પોતાની આખરી ઓવરમાં તેને પણ આઉટ કરીને ચોથી સફળતા મેળવી હતી. પંદરમી ઓવરના પાંચમા બૉલે નમન ધીર આઉટ થયો ત્યારે ભારતને ૩૧ બૉલમાં ૬૯ રનની જરૂર હતી અને આ તબક્કે તિલક સાથે નીતીશ જોડાયો હતો.

અંતિમ ૧૮ બૉલમાં ભારતને જીત માટે ૪૬ રનની જરૂર હતી. નીતીશ અને તિલકે ડફીની અઢારમી ઓવરમાં ૧૭ રન ઝૂડી કાઢ્યા હતા. ઓગણીસમી ઓવરમાં તિલકે શાનદાર પુલ શૉટથી બાઉન્ડરી અને છેલ્લે સિક્સર ફટકારીને સમીકરણ આખરી ૬ બૉલમાં ૧૧ રન પર લાવી દીધું હતું.

સ્લો ઓવર-રેટની પેનલ્ટીને કારણે ન્યુ ઝીલૅન્ડે છેલ્લી ઓવરમાં ૩૦ યાર્ડના સર્કલની અંદર એક વધારાનો ફીલ્ડર રાખવો પડ્યો હતો. ડફીના બીજા બૉલ પર તિલકે કવર્સ તરફ ચોગ્ગો ફટકાર્યો હતો અને ત્રીજા બૉલ પર બે રન લઈને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. અંતે નીતીશ રેડ્ડીએ પાંચમા બૉલ પર બે રન દોડીને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો.

new zealand team india indian cricket team nitish kumar t20 christchurch cricket news sports sports news