અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલ-પાવર

03 March, 2021 01:37 PM IST  | 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલ-પાવર

અક્ષર પટેલ

બૉલ પિન્ક હોય કે લાલ, સાબરમતીની રેત પર બનેલ પિચનો પૂરેપૂરો લાભ કેમ લેવો એ ગુજરાતના કપ્તાન અક્ષર પટેલથી બહેતર કોણ જાણે. એકવડિયા નડિયાદી સ્પિનરે તેના ડાબોડી ગેંદબાજીની એવી તો જાળ ગૂંથી કે ઇંગ્લૅન્ડના બૅટ્સમેન પહેલા દિવસની પિચ પર પણ ગૂંચવાઈ ગયા અને તેમની પહેલી ઇનિંગ્સ માત્ર ૧૧૨ રનમાં આટોપાઈ ગઈ.

ટૉસ વખતે ૧૧ ખેલાડીઓનાં નામ જાહેર થયાં ત્યારે જ બન્ને ટીમની વિરોધાભાસી રણનીતિ દેખાઈ આવી. ભારતે મોહમ્મદ સિરાજની જગ્યાએ જસપ્રીત બુમરાહનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કર્યો, જ્યારે ચાઇનામૅન બોલર કુલદીપ યાદવની જગ્યાએ વૉશિંગ્ટન સુંદરને સ્થાન આપ્યું. બીજી બાજુ ઇંગ્લૅન્ડે ત્રણ ફાસ્ટ બોલર અને ફક્ત એક જ સ્પિનર જૅક લીચને પ્લેઇંગ ઇલેવનમાં લીધા. ડેન લોરેન્સને બદલે જૉની બેરસ્ટૉનો ટીમમાં સમાવેશ કરાયો.

એટલે મેજબાન ટીમનો મદાર સ્પિન પર હતો અને મહેમાનો પિન્ક બોલના ઇતિહાસને અનુલક્ષી ફાસ્ટ બોલરોના ભરોસે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની પહેલી ડે-નાઇટ મૅચમાં ઊતર્યા. રાતની રોશની વચ્ચે (જેની અમુક લાઇટ શરૂઆતમાં થોડી મિનિટો માટે બુઝાઈ ગઈ હતી) જ્યારે ‘પહેલા દિવસની’ રમત પૂરી થઈ ત્યારે ભારત મજબૂત સ્થિતિમાં હતું.

આ મજબૂત સ્થિતિનું પહેલું ચરણ પોતાની ૧૦૦મી ટેસ્ટ રમી રહેલા ઈશાંત શર્માએ માંડ્યું હતું, જ્યારે તેની બીજી ઓવરમાં તેણે ડોમિનિક સિબ્લીને સ્લીપ કૉર્ડનમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો. એ વિકેટ લીધા પછી તેને બદામી રંગની નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર વિરાટ કોહલીએ એક જ ઓવર આપી.

સામાન્ય સંજોગોમાં બોલર વિકેટ લે પછી તેને વધારે ઓવર આપવામાં આવે, પણ સાબરમતીની ઊડતી રેત જે પિચ પર શરૂમાં જ દેખાતી હોય ત્યાં પિન્ક બૉલ હોય તો પણ કોહલીને સ્પિનરોને બૉલ આપવાનું મન થાય એ સ્વાભાવિક હતું અને અક્ષરને સાતમી ઓવરમાં બોલિંગ આપવાનો ભારતીય કપ્તાનનો નિર્ણય માસ્ટર સ્ટ્રોક રહ્યો.

અક્ષરે પહેલા જ બૉલમાં જૉની બેરસ્ટૉને ફસાવ્યો. ઇંગ્લૅન્ડના બૅટ્સમેન માનસિક સ્પિનથી ગભરાતા હોય એમ લાગે છે અને દરેક બૉલ સ્પિન થશે એ અભિગમથી રમતા હોય છે. આવી જ ભૂલ ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોએ પાંચેક વર્ષ પહેલાં દુબઈમાં પાકિસ્તાન સામે ટેસ્ટમાં રમતા ડાબોડી સ્પિનર ઝુલ્ફીકાર બાબર સામે કરી હતી. બેરસ્ટૉએ એ જ ભૂલ કરી અને ટર્ન માટે રમવા ગયો અને સીધો આવેલ બૉલ તેના પેડ પર અથડાયો અને અમ્પાયરે આઉટનો વાજબી નિર્ણય લીધો.

બૅટિંગ ક્રિસની આજુબાજુ રેતની ડમરી ઊડતી ચોક્કસ દેખાતી હતી, પણ પિચમાં ઉછાળ સરસ હતો અને બૉલ સ્કીડ થઈ રહ્યો હતો અને અક્ષરે એને પોતાનું હથિયાર બનાવ્યું. સીધા બૉલ નાખ્યા, પણ એની ઝડપમાં અવારનવાર ફેરફાર કરી કે લેન્થ બદલી તેણે ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનને મૂંઝવ્યા કર્યા.

સામે છેડેથી રવિચંદ્રન અશ્વિને ઇંગ્લૅન્ડના કપ્તાન જો રૂટ સહિત ત્રણ વિકેટ લીધી, જેના કારણે ઇંગ્લૅન્ડનો દાવ પૂરા બે સેશન પણ ન ચાલ્યો.

જોકે ઇંગ્લૅન્ડના ડોમિનિક સિબ્લીએ અડધી સદી ફટકારતાં બતાવ્યું કે રન કરવા પણ એટલા અઘરા નહોતા. ફુલ લેન્થના દરેક બૉલને તેણે સુંદર રીતે ડ્રાઇવ કરી ૧૦ બાઉન્ડરી ફટકારી, પણ એ પણ અક્ષરનો એક સીધો આવતો બૉલ પારખી નહીં શક્યો અને લેગ બિફોર આઉટ થયો.

જ્યાં શુભમન ગિલ અટવાતો હતો અને ચેતેશ્વર પૂજારા ડાબોડી સ્પિનર સામે લેગ બિફોર થયો ત્યારે રોહિત શર્મા ખૂબ જ સરળતાથી રન કરી રહ્યો હતો અને પોતાની અડધી સદીમાં મોકો મળતાં પોતાના મનપસંદ હૂક અને પુલ શૉટ રમવાનું નહોતો ચૂક્યો. બીજે છેડે વિરાટ કોહલી સંભાળપૂર્વક રમી ત્રીજી વિકેટની ભાગીદારીને ખીલવવામાં પૂરેપૂરા ભાગીદાર રહ્યો હતો.

બોલરોને  લૅન્ડિંગ એરિયામાં તકલીફ પડતી હતી અને બેન સ્ટોક્સ તો એક જ ઓવરમાં બે-ત્રણ વાર બૉલ નાખ્યા બાદ પડી ગયો હતો. આના પરથી લાગે છે કે આ પિચ બે દિવસથી વધારે નહીં ટકે એટલે રમતના બીજા દિવસે ભારતીય બૅટ્સમેનોએ મોટી લીડ લેવી જ પડશે અને એમાં રિષભ પંત જેવા ફટકાબાજ પર ઘણું નિર્ભર કરશે કે જે છૂટથી રમી ફાસ્ટ રન કરે. 

axar patel india england cricket news sports news motera stadium narendra modi stadium