2019 બાદ પહેલી વાર ટેસ્ટ રમવા માટે ઉત્સાહિત છે ભારતીય સ્પિનર

04 February, 2021 09:20 AM IST  |  Chennai | Agency

2019 બાદ પહેલી વાર ટેસ્ટ રમવા માટે ઉત્સાહિત છે ભારતીય સ્પિનર

કુલદીપ યાદવ

ભારતના ચાઇનામૅન બોલર કુલદીપ યાદવનું કહેવું છે કે આવતી કાલથી ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લૅન્ડના જો રૂટ, જોસ બટલર અને બેન સ્ટૉક્સ માટે ઇચ્છનીય પ્રદર્શન કરવું સરળ નહીં હોય. જોકે શ્રીલંકાને એની જ ધરતી પર બે ટેસ્ટ મૅચની સિરીઝમાં ૨-૦થી વાઇટવૉશ આપ્યા બાદ તેમનો આત્મવિશ્વાસ મજબૂત હશે. ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે શ્રીલંકા સામેની એ ટેસ્ટ સિરીઝમાં ૧૦૦થી પણ વધારાની ઍવરેજથી ૪૨૬ રન બનાવ્યા હતા, જ્યારે જોસ બટલરે ત્રણ ઇનિંગ્સમાં ૧૩૧ રન બનાવ્યા હતા. બેન સ્ટૉક્સનો એ સિરીઝમાં સમાવેશ કરવામાં નહોતો આવ્યો.

મારી પાસે પણ છે સારી એવી યોજના

કુલદીપ યાદવે કહ્યું કે ‘ઇંગ્લૅન્ડે ખરેખર શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝમાં સારી ક્રિકેટ રમી હતી, જે પ્રમાણે તેમણે ત્યાં સ્પિન બોલિંગ કરી હતી એ પ્રમાણે તેમને સારી એવી રિધમ અને સારો ટચ મળી રહ્યો હતો. મારા માટે પણ મારી યોજનાઓને બરાબર અમલમાં મૂકવાનો પડકાર હશે, કેમ કે હું પણ ઘણા લાંબા સમય પછી ટેસ્ટ ક્રિકેટ રમીશ. તેમ છતાં, આ પ્લેયરોને વન-ડે ક્રિકેટમાં અને શ્રીલંકામાં રમતા જોયા બાદ એટલું તો કહી શકું છું કે મારી પાસે પણ સારી યોજના છે અને આશા કરું છું કે એને યોગ્ય રીતે અમલમાં મૂકી શકું.’

રૂટ, બટલર અને સ્ટૉક્સ સામે પડકાર

જો રૂટ, જોસ બટલર અને બેન સ્ટૉક્સને ભારતમાં ટેસ્ટ સિરીઝ દરમ્યાન પ્રદર્શન કરવાની બાબતે પડકાર મળી શકે છે અને એ મુદ્દે વાત કરતાં કુલદીપ યાદવે કહ્યું કે ‘રૂટ પાસે પોતાનો સ્ટોક રમવાનો સમય છે. બૅકફુટ પર તે સ્પિનરોને સારી રીતે રમે છે. વળી, બટલર બોલરો પર સારું એવું પ્રેશર નાખી શકે છે અને એ જ તેની તાકાત છે. સ્ટૉક્સ પણ એ જ રીતે બોલરો પર પ્રેશર બનાવી શકે છે. મારા મતે ભારતમાં ટેસ્ટ સિરીઝ રમવી તેમના માટે પડકારજનક હશે, કેમ કે તેઓ ભારત સામે ભારતમાં રમશે. એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે જો તેઓ સારું રમી જાય તો એ વાતનો સંપૂર્ણ શ્રેય તેમને જશે.’

ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડની ટીમે છેલ્લે ૨૦૧૬માં ભારતની મુલાકાત લીધી હતી અને પાંચ ટેસ્ટ મૅચની સિરીઝમાં તેમને જબરદસ્ત ૦-૪થી માત મળી હતી.

ધીમે-ધીમે વધી રહ્યો છે આત્મવિશ્વાસ

સામા પક્ષે કુલદીપે ૨૦૧૯ પછી કોઈ પણ ટેસ્ટ ક્રિકેટ નથી રમી અને બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં પણ તેણે એક પણ મૅચ નહોતી રમી. કુલદીપે કહ્યું કે ‘જ્યારે તમે રેગ્યુલર ક્રિકેટ રમો છો ત્યારે આપમેળે આત્મવિશ્વાસ આવે છે. જો મને પહેલી મૅચમાં રમવાની તક મળે તો બીજી ટેસ્ટ મૅચમાં હું સારી સ્થિતિમાં આવી જઈશ. માનસિક રીતે મેં મારી જાતને ઘણી રિલેક્સ રાખી છે, જેને લીધે મારો આત્મવિશ્વાસ ધીમે-ધીમે વધી રહ્યો છે.’

Kuldeep Yadav india england cricket news sports news