અમદાવાદની પિચના ટિકાકારોને વિવિયન રિચર્ડ્સ વખોડ્યા, કહ્યું...

02 March, 2021 09:50 AM IST  |  New Delhi | Agency

અમદાવાદની પિચના ટિકાકારોને વિવિયન રિચર્ડ્સ વખોડ્યા, કહ્યું...

વિવિયન રિચર્ડ્સ

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચ માટે થયેલા પિચના વિવાદમાં હવે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર વિવિયન રિચર્ડ્સ આગળ આવ્યા છે અને તેમણે આ મુદ્દે પોતાનો ટેકો ભારતના પક્ષે જાહેર કર્યો છે. જોકે તેઓ આ મુદ્દે ચાલી રહેલી ટીકા અને કકળાટને લીધે કન્ફ્યુઝ છે. સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું કે મહેમાન ઇંગ્લૅન્ડ ટીમ મળનારા પડકારો માટે તૈયાર નહોતી.

ટીકા અને કકળાટ કેમ?

પોતાના ફેસબુક પેજ પર રિચર્ડ્સે એક વિડિયો અપલોડ કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે ‘મને તાજેતરમાં ભારત ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી બીજી અને ત્રીજી ટેસ્ટ મૅચના સંદર્ભમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વાસ્તવમાં એ બાબતે કરાયેલા પ્રશ્નોના સંદર્ભમાં હું થોડો કન્ફ્યુઝ છું, કેમ કે જે પિચ પર મૅચ રમાઈ એ પિચ માટે લોકો ઘણી ટીકા અને કકળાટ કરી રહ્યા હતા. મને લાગે છે કે વિલાપ કરી રહેલા લોકોને ખબર હોવી જોઈએ કે ગેમમાં ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે ફાસ્ટ બોલરોને અનુરૂપ પણ વિકેટ મળે છે. વાસ્તવમાં બૉલ ગુડલૅન્થથી ઝડપથી બાઉન્સ થતી હોય છે અને લોકોને લાગે છે કે આ બૅટ્સમેન સાથે જોડાયેલી સમસ્યા છે.’

ભારતમાં સ્પિનરોની બોલબાલા

ઇંગ્લૅન્ડની ટીમના પ્લેયરોની તૈયારીના સંદર્ભમાં વાત કરતા વિવ રિચર્ડ્સે કહ્યું કે ‘ભારતમાં રમવાનો અર્થ એ છે કે તમારે સારા સ્પિનરોનો સામનો કરવો પડશે. મને લાગે છે કે ભારતની ટૂર પહેલાં ઇંગ્લૅન્ડે જરૂરી તૈયારી નહોતી કરી. તમે આના બીજા પાસાને જોશો તો ખબર પડશે કે એને ટેસ્ટ ક્રિકેટનું નામ કેમ આપવામાં આવ્યું છે. આ ગેમમાં તમારી માનસિકતા, ઈચ્છા અને એ દરેક વાતની ટેસ્ટ થાય છે જેમાંથી તમે મૅચ રમતી વખતે પસાર થાઓ છો.’

ઇંગ્લૅન્ડનો કમ્ફર્ટ ઝોન તૂટ્યો

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ લિજેન્ડે કહ્યું કે ‘શરૂઆતમાં શ્રીલંકાને સિરીઝમાં હરાવીને ઇંગ્લૅન્ડે સારી શરૂઆત કરી હતી પણ ભારતે તેને સતત બે ટેસ્ટ મૅચમાં હરાવીને તેમના કમ્ફર્ટ ઝોનમાં ખલેલ પહોંચાડી હતી. તેમને એવી પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો જેમાંથી બહાર નીકળ‍વા તેમણે નવો રસ્તો શોધવો પડ્યો. સ્પિન પણ ગેમનો જ એક ભાગ છે અને ટેસ્ટ મૅચમાં આવુ બધું થાય જ છે. ભારતીય ફાસ્ટ બોલરોએ છેલ્લાં કેટલાક વર્ષોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તમે જ્યારે ભારતમાં રમો છો ત્યારે તમારે તેનો સામનો કરવા અલગ રસ્તા શોધવા પડે છે.’

india england cricket news sports news