ઑસ્ટ્રેલિયા સામે જીત્યા બાદ કેપ્ટન અજિંક્ય રહાણેનું ભારતમાં ભવ્ય સ્વાગત

21 January, 2021 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑસ્ટ્રેલિયા સામે જીત્યા બાદ કેપ્ટન અજિંક્ય રહાણેનું ભારતમાં ભવ્ય સ્વાગત

અજિંક્ય રહાણે

ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટેસ્ટ સીરીઝમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી લીધી છે. આ સતત બીજી વખત છે, જ્યારે ટીમ ઈન્ડિયાએ ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં જીત નોંધાવીને બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર કબજો કરી લીધો છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેએ મજબૂત કેપ્ટનશીપથી ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. ભારત પાછા ફર્યા બાદ કેપ્ટન રહાણેનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઑસ્ટ્રેલિયનો પ્રવાસ શાનદાર જીત સાથે પૂર્ણ કરીને ભારત પરત ફરનારા ભારતીય ટીમના ખેલાડીઓનું સ્વાગત પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. કેપ્ટન અજિંક્ય રહાણે પત્ની અને દીકરી સાથે ગુરૂવારે મુંબઈ પહોંચ્યા હતા. ત્યાં તેમનું સ્વાગત કરવા માટે પહેલેથી જ હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમઠી હતી. આ ચેમ્પિયન કેપ્ટનનું સ્વાગત લોકોએ ઢોલ વગાડીને અને ફૂલ આપીને કર્યું હતું.

એરપોર્ટથી બહાર આવ્યા બાદ રહાણેએ પહેલા પત્ની અને દીકરી સાથે મીડિયા માટે પૉઝ આપ્યા. તસવીરો લીધા બાદ જ્યારે તેઓ આગળ વધ્યા તો તેમનું સ્વાગત કરવા માટે મહિલાઓ આરતીની થાળી લઈને ઉભી હતી. આપણે કેપ્ટનનું સ્વાગત મહિલાઓએ કપાળ પર ટીકો લગાવીને અને ફૂલ આપીને કર્યું.

ભારતની શાનદાર જીત

ચાર મૅચની ટેસ્ટ સીરીઝના પહેલી મૅચ એડિલેડમાં રમાવામાં આવી હતી, જેમાં ભારતને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ નિયમિત કેપ્ટન વિરાટ કોહલી અંગત કારણોસર ભારત પાછા ફર્યા હતા. અજિંક્ય રહાણેએ સીરીઝમાં ટીમની કમાન સંભાળી હતી અને બીજી ટેસ્ટમાં શાનદાર સદી રમીને ટીમને જીત અપાવી હતી. મેલબર્નમાં 8 વિકેટથી જીત પ્રાપ્ત કરીને ભારતે સીરીઝમાં 1-1ની બરાબરી કરી હતી. ત્રીજી મૅચ સિડનીમાં રમાઈ હતી, જ્યાં ઈજાગ્રસ્ત હોવા છતાં પણ ચોથા રાઉન્ડમાં હનુમા વિહારી અને આર અશ્વિને 43 ઓવર સુધી બેટિંગ કરીને મૅચ ડ્રો કરી હતી. 259 બોલનો સામનો કરીને બન્નેએ 62 રનની ભાગીદારી કરી હતી. બ્રિસ્બેનમાં રમાયેલી છેલ્લે મૅચમાં ભારતે 328 રનના લક્ષ્યાંકનો પીછો કરીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો. આ મેદાન પર 32 વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાની ટીમને હાર મળી.

cricket news sports news brisbane india australia test cricket