મદ્રાસની ટેસ્ટમાં ગાવસકરની ઇચ્છા વાસ્તવિકતા બની ગઈ હતી : શ્રીકાન્ત

05 July, 2020 04:26 PM IST  |  Mumbai | Agencies

મદ્રાસની ટેસ્ટમાં ગાવસકરની ઇચ્છા વાસ્તવિકતા બની ગઈ હતી : શ્રીકાન્ત

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર કૃષ્ણમચારી શ્રીકાન્તનું કહેવું છે કે સુનીલ ગાવસકર સાથે મેં જે સમય વિતાવ્યો છે એ ઘણો યાદગાર છે અને પાકિસ્તાન સામે ૧૯૮૭માં રમાયેલી મદ્રાસ ટેસ્ટ યાદગાર મૅચમાંની એક છે. ૧૦ જુલાઈએ સુનીલ ગાવસકરનો જન્મદિવસ છે. સુનીલ સાથેની પોતાની મદ્રાસ ટેસ્ટને યાદ કરતાં શ્રીકાન્તે કહ્યું, ‘સની હૅપી બર્થ-ડે. વિચાર કરો કે ભારતના એક મહાન કપ્તાનના નેતૃત્વ હેઠળ હું તેની સાથે રમ્યો છું અને તેની સાથે ઓપનિંગ કરવાની મને તક મળી હતી. આ ભગવાનની જ કૃપા છે. સુનીલ સાથે મારી યાદગાર મૅચ ૧૯૮૭ની પાકિસ્તાન સામે રમાયેલી મદ્રાસ ટેસ્ટ છે. એ તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ હતી. તે મને હંમેશાં કહેતો ચિકા, એક દિવસ હું સેમ મૅચમાં તારાથી ફાસ્ટ હાફ સેન્ચુરી બનાવીશ. છેવટે સુનીલે પોતાની એ ઇચ્છા પૂરી કરી હતી. મેં એ મૅચમાં સેન્ચુરી મારી હતી, પણ સાચું કહું છું સુનીલે મારા કરતાં પહેલાં પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને તેની હાફ સેન્ચુરી પત્યાના એક બૉલ પછી જ મેં મારી હાફ સેન્ચુરી પૂરી કરી હતી. મને વિશ્વાસ નહોતો બેસતો કે સુનીલે પોતાને કહેલા શબ્દો પાળી બતાવ્યા હતા અને એ પણ ચેન્નઈમાં. ખૂબ જ સારો પર્ફોર્મન્સ આપીને તે ૯૧ રને આઉટ થયો હતો.’

sports sports news cricket news sunil gavaskar kidambi srikanth